<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

બાંગ્‍લાદેશની સ્‍થિતિ પર ભારતની નજર : ભારતીયોને જરૂર પડશે તો એરલિફટ કરાશે

સરકારે યોજી સર્વપક્ષીય બેઠક : સરકાર સતત બાંગ્‍લાદેશ આર્મીના સંપર્કમાં

નવી દિલ્‍હી તા. ૬ : બાંગ્‍લાદેશમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્‍ચે દિલ્‍હીમાં હલચલ વધી ગઈ છે. કેન્‍દ્ર સરકારે પાડોશી દેશની સ્‍થિતિ પર ચર્ચા કરવા માટે સંસદ ભવન ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર બાંગ્‍લાદેશની રાજકીય સ્‍થિતિ અંગે માહિતી આપી. કેન્‍દ્ર સરકારના મંત્રી ઉપરાંત કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે,રાહુલ ગાંધી ટીએમસીના સુદીપ બંદોપાધ્‍યાય, સપાના વડા અખિલેશ યાદવ સહિત વિરોધ પક્ષોના વરિષ્ઠ નેતાઓ સર્વપક્ષીય બેઠકમાં હાજર રહ્યા.

સર્વદળીય બેઠક બાદ વિદેશ મંત્રીએ કહ્યું કે, શેખ હસીના પર કોઇ નિર્ણય લેવામાં આવ્‍યો નથી. બાંગ્‍લાદેશની સ્‍થિતિ પર અમારી નજર છે. બાંગ્‍લાદેશમાં ૧૨ હજારથી ૧૩ હજાર ભારતીયો રહે છે. ભારતીયોને અત્‍યારે પરત લાવવાની જરૂર નથી.સર્વદળીય બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે સરકાર બાંગ્‍લાદેશ આર્મીના સંપર્કમાં છે. સ્‍થિતિ સતત બદલાઇ રહી છે. આગળ જેવી સ્‍થિતિ થશે તેમ જણાવવામાં આવશે. બેઠકમાં રાહુલ ગાંધીએ બહારના કોઇનો હાથ હોવા અંગે સવાલ કર્યો હતો. જેના પર વિદેશ મંત્રીએ કહ્યું કે બહારની તાકાતનો હાથ હોવાની વાત કરવી અત્‍યારે ઉતાવળભર્યું હશે. વિદેશ મંત્રીએ કહ્યું કે, શેખ હસીનાને થોડો સમય આપવા માંગે છે કે તે શું ઇચ્‍છે છે.

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે તમામ પક્ષોને બાંગ્‍લાદેશની તાજેતરની સ્‍થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે માહિતી આપી છે કે તમામ પક્ષો તરફથી ઘણું સમર્થન મળી રહ્યું છે. રાજીનામું આપ્‍યા પછી, ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના ભારત પહોંચ્‍યા, જયાં તેમણે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી. હવે એ સ્‍પષ્ટ થઈ રહ્યું છે કે તેણીએ પણ ભારત છોડી દીધું છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું,  ‘આજે સર્વપક્ષીય બેઠક દરમિયાન, મેં બાંગ્‍લાદેશમાં ચાલી રહેલા તમામ વિકાસની માહિતી આપી. દરેક વ્‍યક્‍તિ તરફથી મને જે સમર્થન અને સમજણ મળી છે તેની હું કદર કરૂં છું. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આ મુદ્દે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકની અધ્‍યક્ષતા કરી હતી.'

જયશંકરે કહ્યું કે શેખ હસીના ભારતમાં છે અને ભારત સરકાર તેમને સમય આપવા માંગે છે જેથી તેઓ ભારત સરકારને કહી શકે કે તેમનું ભવિષ્‍ય શું હશે. બેઠક દરમિયાન જયશંકરે નેતાઓને કહ્યું કે કેન્‍દ્ર સરકાર પણ બાંગ્‍લાદેશી સેનાના સંપર્કમાં છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, તેમણે કહ્યું કે આ હાલની સ્‍થિતિ છે અને સરકાર યોગ્‍ય સમયે યોગ્‍ય પગલાં લેશે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર પાર્ટીની બેઠકમાં નેતાઓને કહેવામાં આવ્‍યું હતું કે દેશમાં ૨૦,૦૦૦ ભારતીય નાગરિકો છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર અત્‍યાર સુધીમાં ૮,૦૦૦ ભારતીય નાગરિકો પરત ફર્યા છે. જયશંકરે મીટિંગમાં કહ્યું કે ભારત સરકાર ભારતીય નાગરિકોના સંપર્કમાં છે અને હાઈ કમિશન ત્‍યાં સતત કામ કરી રહ્યું છે.

સર્વપક્ષીય બેઠકના સૂત્રોએ એએનઆઈને જણાવ્‍યું હતું કે નેતાઓને કહેવામાં આવ્‍યું હતું કે લઘુમતીઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું જોઈએ અને તેમની સુરક્ષા કરવી જોઈએ. સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ‘X’ પર એક પોસ્‍ટમાં જયશંકરે સંસદ ભવનમાં યોજાયેલી મીટિંગની તસવીરો પણ શેર કરી હતી.

વિદેશ મંત્રીએ લખ્‍યું, આજે સંસદમાં સર્વપક્ષીય બેઠકમાં બાંગ્‍લાદેશમાં તાજેતરના વિકાસની માહિતી આપી. આ સમયગાળા દરમિયાન દર્શાવવામાં આવેલ સર્વસંમત સમર્થન અને સંકલન માટે હું તમામ પક્ષોની પ્રશંસા કરૂં છું.

સર્વપક્ષીય બેઠક દરમિયાન, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારતની લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્‍યૂહરચના વિશે પૂછ્‍યું. સરકારે કહ્યું કે આ એક પ્રગતિશીલ સ્‍થિતિ છે અને તેઓ તેનું વિશ્‍લેષણ કરવાનું ચાલુ રાખશે.

ઢાકામાં, ભેદભાવ વિરોધી વિદ્યાર્થી ચળવળના નેતાઓએ બાંગ્‍લાદેશના વર્તમાન પડકારોનો સામનો કરવા નોબેલ પુરસ્‍કાર વિજેતા ડો. મુહમ્‍મદ યુનુસની આગેવાની હેઠળ વચગાળાની સરકારની દરખાસ્‍ત કરી છે.

(4:08 PM IST)