<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

બાંગ્‍લાદેશ : તોફાનમાં ૨૦ થી વધુ અવામી લીગના નેતાઓના મૃતદેહો મળ્‍યા

પૂર્વ વિદેશ મંત્રીની ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ

ઢાકા, તા.૭: બાંગ્‍લાદેશમાં અનામતને લઈને થયેલા હોબાળાએ વડાપ્રધાન શેખ હસીનાની ખુરશી છીનવી લીધી. જોરદાર દેખાવો બાદ બળવો થયો હતો. વડા પ્રધાન શેખ હસીનાએ ભાગીને ભારતમાં આશરો લેવો પડ્‍યો હતો. બાંગ્‍લાદેશ છોડતાની સાથે જ આખા દેશમાં ભારે હોબાળો જોવા મળ્‍યો હતો. બાંગ્‍લાદેશમાં હિંદુ મંદિરો પર હુમલા થઈ રહ્યા છે. જ્‍યારે શેખ હસીના ભાગીને ભારત આવી ગયા છે. તેઓ સોમવારે ભારત પહોંચ્‍યા હતા. તેઓ થોડા સમય માટે અહીં આશ્રય લઈ શકે છે. અહેવાલો અનુસાર, તેઓ બાદમાં અહીંથી લંડન જઈ શકે છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ બાંગ્‍લાદેશમાં સુરક્ષા અને સ્‍થિતિને લઈને બેઠક યોજી હતી.  યુએનના વડાએ લોકતાંત્રિક માધ્‍યમથી સત્તા પરિવર્તનની વાત કરી છે.

બાંગ્‍લાદેશના અખબાર ડેઈલી સ્‍ટારના અહેવાલ મુજબ હસીના સરકારમાં શિક્ષણ મંત્રી રહેલા મોહીબુલ હસન ચૌધરી અને સ્‍થાનિક સરકાર, ગ્રામીણ વિકાસ અને સહકાર મંત્રી મોહમ્‍મદ તાજુલ ઈસ્‍લામ એરપોર્ટ દ્વારા દેશ છોડી ગયા છે. ભૂતપૂર્વ નાણા પ્રધાન અબુલ હસન મહમૂદ અલી, રમતગમત પ્રધાન નઝમુલ હસન પાપોન અને ઢાકા દક્ષિણ સિટી કોર્પોરેશનના મેયર શેખ ફઝલે નૂર તાપોષે પણ રવિવારે HSIA દ્વારા દેશ છોડી દીધો હતો, અખબારે સૂત્રોને ટાંકીને જણાવ્‍યું હતું.

બાંગ્‍લાદેશના પૂર્વ વિદેશ મંત્રી અને અવામી લીગના નેતા હસન મહમુહને મંગળવારે મોડી સાંજે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવ્‍યા હતા. તેઓ દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઢાકા એરપોર્ટના અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણે બાંગ્‍લાદેશ છત્ર લીગના ઢાકા યુનિવર્સિટી યુનિટના જનરલ સેક્રેટરી તનબીર હસન શૈકત અને ઢાકા ઉત્તર એકમના પ્રમુખ રિયાઝ મહમૂદની પણ અટકાયત કરી હતી. આ તમામને બાંગ્‍લાદેશની સેનાને સોંપવામાં આવ્‍યા છે.

બાંગ્‍લાદેશમાં ગયા મંગળવારે, અવામી લીગ અને તેની સંલગ્ન સંગઠનોના ઓછામાં ઓછા ૨૦ નેતાઓ અને તેમના પરિવારના સભ્‍યોના મળતદેહ દેશભરમાંથી મળી આવ્‍યા હતા. શેખ હસીનાએ વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્‍યું અને દેશ છોડ્‍યો ત્‍યારથી સતખીરામાં હુમલા અને હિંસામાં ઓછામાં ઓછા ૧૦ લોકો માર્યા ગયા છે. અવામી લીગના નેતાઓ અને કાર્યકરોના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી હતી.

કોમિલામાં ટોળાના હુમલામાં ઓછામાં ઓછા ૧૧ લોકો માર્યા ગયા હતા. અશોકતલામાં પૂર્વ કાઉન્‍સિલર મોહમ્‍મદ શાહ આલમના ત્રણ માળના મકાનમાં બદમાશોએ આગ લગાડતા છ લોકોના મોત થયા હતા. સોમવારે રાત્રે અને મંગળવારે સવારે તેમના મળતદેહ ઘરમાંથી મળી આવ્‍યા હતા. જેમાં પાંચ કિશોરોનો પણ સમાવેશ થાય છે.

(9:40 AM IST)