<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

આઠ દિવસ આપુ છું, મને રાજ્‍યપાલ બનાવો નહીંતર...

NDAના નેતાની ભાજપને ખુલ્લી ધમકી

 

મુંબઇ, તા.૭: મહારાષ્‍ટ્રમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીઓને ધ્‍યાને રાખી તમામ પક્ષો તો તૈયારીઓમાં લાગી જ ગયા છે. આ ઉપરાંત કેટલાક દિગ્‍ગજ નેતાઓએ પણ ચૂંટણી પહેલા પાર્ટીને દબાવવાના પ્રયાસો કરી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ મુખ્‍યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના નેતા આનંદરાવ અડસુલેએ ભાજપને અલ્‍ટીમેટમ આપ્‍યું છે.

અમરાવતીના પૂર્વ સાંસદ અડસુલેએ કહ્યું છે કે, ‘જો મને આઠ દિવસમાં રાજ્‍યપાલ બનાવવામાં નહીં આવે તો હું ફરી ભાજપ નેતા નવનીત રાણાના જાતિ પ્રમાણપત્ર માન્‍યતાનો મુદ્દો ઉઠાવીશ. હું આઠ દિવસથી વધુ સમય રાહ નહીં જોઉ. નવનીત રાણાના કારણે મને ખૂબ નુકસાન થયું છે. જો રાણાને ટિકિટ ન અપાઈ હોત તો હું સાંસદ બન્‍યા બાદ મંત્રી બની ગયો હોત. ભાજપ મને રાજ્‍યપાલ બનાવવાનું વચન પુરું કરે.'

અડસુલેએ આક્ષેપ કર્યો છે કે, લોકસભા ચૂંટણી ન લડવા પર તેમને રાજ્‍યપાલ બનાવવાનું વચન અપાયું હતું. રાજ્‍યપાલોની તાજેતરની યાદીમાં નામ ન આવતા અડસુલે હવે ભડકયા છે, તેથી જ તેમણે ભાજપ ગુસ્‍સે થઈ આઠ દિવસનું અલ્‍ટીમેટમ આપ્‍યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, સુપ્રીમ કોર્ટે નવનીત રાણાના જાતિ પ્રમાણપત્રની માન્‍યતા અંગે આપેલો નિર્ણય ખોટો હતો. નવનીત રાણાએ જ્‍યારે અમરાવતીથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, તે જ દિવસે સુપ્રીમ કોર્ટે જાતિ પ્રમાણપત્રના કેસ માં રાહત આપી હતી. તેમણે અગાઉ રાજ્‍યપાલ બનાવવાનો મીડિયા સમક્ષ ખુલાસ કર્યો હતો.

અડસુલેએ અગાઉ કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહના કહેવા પર તેમણે ઉમેદવારીમાંથી નામ પર ખેંચ્‍યું હતું. તે સમયે ભાજપે રાજ્‍યપાલ બનાવવાનું વચન આપ્‍યું હતું અને આ દરમિયાન મુખ્‍યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસ પણ ઉપસ્‍થિત હતા. હવે તેઓ કહી રહ્યા છે કે, ભાજપે  જે વચન આપ્‍યું છે, તે નિભાવે. ઉલ્લેખનીય છે કે, અમરાવતી બેઠક પર ભાજપના ઉમેદવાર નવનીત રાણા હારી ગયા હતા અને કોંગ્રેસના બલવંત વાનખેડેની જીત થઈ હતી.

(10:02 AM IST)