News of Wednesday, 7th August 2024
તમે ચેમ્પિયનોના ચેમ્પિયન છો, દેશનું ગૌરવ છો : નરેન્દ્રભાઈ
ડી હાઈડ્રેશનને કારણે વિનેશ ફોગાટની તબિયત બગડી : હોસ્પિટલમાં દાખલ : પી.ટી. ઉષા ફોગાટને મળશે : ઉગ્ર વિરોધ દર્શાવવાની જાહેરાત : આઈઓએના પ્રેસીડેન્ટ પી.ટી.ઉષાને ફોન કરી આ અંગે ઘટતુ તમામ કરી છૂટવા સુચના આપી

નવી દિલ્હી : વિનેશ ફોગાટને પેરીસ ઓલિમ્પિકમાં અયોગ્ય ઠેરવવાનો મામલો સામે આવ્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને ટ્વિટમાં લખ્યું હતું કે વિનેશ, તમે ચેમ્પિયનની ચેમ્પિયન છો! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આ આંચકો પીડાદાયક છે. હું ઈચ્છું છું કે હું મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકું. અમે આશા રાખીએ છીએ કે તમે મજબૂત રીતે પાછા આવશો. અમે બધા તમારી સાથે છીએ.
દરમિયાન ડીહાઈડ્રેશનના કારણે વિનેશ ફોગાટની તબિયત બગડી હોવાના અહેવાલો મળે છે. તેમને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
દરમિયાન નરેન્દ્રભાઈએ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસીએશનના પ્રેસીડેન્ટ પી.ટી.ઉષા સાથે વાત કરી હતી અને વિનેશ ફોગાટના ડીસ્કવોલીફીકેશન કેસમાં તમામ શકયતાઓ ચકાસી જવા કહ્યુ છે અને તેમની પાસેથી શું હવે થઈ શકે તે વિગતો મેળવી હતી. પી. ટી. ઉષા વિનેશ ફોગાટને મળી રહેલ છે અને તેમણે કહ્યુ હતું કે આ મામલે અમે ઉગ્ર વિરોધ કરશુ. દરમિયાન જાણકાર સૂત્રો કહે છે કે વિનેશનું વજન ઓછુ કરવાના અનેક પ્રયાસો થયા હતા.
અત્યારે બપોરે ૩ વાગ્યે રમત - ગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા સંસદમાં આ અંગે નિવેદન આપી રહ્યા છે.
વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરવામાં આવતા ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કહ્યું કે આ આઘાતજનક છે કે ભારતીય ટીમ મહિલા કુશ્તી ૫૦ કિગ્રા કેટેગરીથી વિનેશ ફોગટ અયોગ્ય જાહેર થઈ છે. રાત ભર ટીમ દ્વારા કરાયેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન ૫૦ કિગ્રાથી થોડુ જ વધારે હતું. હાલના સમયે ટીમ દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી રહી નથી. રિપોર્ટ અનુસાર, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલ મેચમાં ડિસ્ક્વોલિફાઈ જાહેર કરવા બદલ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે કમીટી વધુ કોઈ નિવેદનો આપશે નહીં. તેણે પ્રાઈવસી જાળવી રાખવા અપીલ કરી છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
