<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

સેલ્‍ફી લેવી કે રિલ્‍સ બનાવવી એ કોઈ ગુનો નથી, તેનું પાગલપન હોવું ગેરવાજબી : જાણીતાં પર્યટનો સ્‍થળો પર જોખમી જગ્‍યાઓએ સેલ્‍ફી લેવા અને રિલ્‍સ બનાવવા પર પ્રતિબંધ મૂકાવો જોઈએ

તહેવારોમાં સંવેદનશીલ સ્‍થળોને ‘નો સેલ્‍ફી ઝોનનો રિલ્‍સ ઝોન' જાહેર કરી અનિચ્‍છનીય ઘટના બનતી અટકાવી શકાય

રાજકોટઃ આજકાલ સેલ્‍ફી કે રિલ્‍સની મજા લેવા જતા બદલામાં મોતની સજા મળી હોય તેવા સમાચાર આવતા ન હોય તેવો ભાગ્‍યે જ કોઈ દિવસ હશે. સેલ્‍ફી લેતા કે રિલ્‍સ બનાવતા સમયે દુર્ઘટનાઓમાં વધારો થવા લાગ્‍યો છે. સેલ્‍ફી કે રિલ્‍સના ચક્કરમાં મળતા મોતના કિસ્‍સાઓમાં ઉછાળો ચિંતાજનક છે. હવે આ મામલે સરકાર મોબાઈલમાં સેલ્‍ફી લેવા કે રિલ્‍સ બનાવવા પર પ્રતિબંધ મૂકી શકતી નથી પરંતુ તંત્રએ જાણીતાં પર્યટનો સ્‍થળો પર જોખમી જગ્‍યાઓએ સેલ્‍ફી લેવા અને રિલ્‍સ બનાવવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

જમાનો એવો આવ્‍યો છે કે, દરેક પાસે મોબાઈલ આવી ગયો છે અને એ મોબાઈલમાંથી હરકોઈ સેલ્‍ફી લેતા નજરે પડે છે. સેલ્‍ફી ક્‍લિક કરવી એ કોઈ ગુનો નથી પણ તેનું પાગલપનહોવું એ વ્‍યાજબી નથી. લોકોમાં સેલ્‍ફી ક્‍લિક કરવાને લઈ કે રિલ્‍સ બનાવવાને લઈ એક પ્રકારનું પાગલપન જોવા મળે છે અને આ ગાંડપણ કયારેક જીવલેણ સાબિત થઈ જતું હોય છે. સોશિયલ મીડિયામાં થોડી લાઈક-કોમેન્‍ટની લાલચે જીવના જોખમે સેલ્‍ફી લેતા અને રિલ્‍સ બનાવતા નાનકાઓથી લઈ મોટેરાઓએ લાંબુ જીવવું હોય તો ચેતી જવાનો સમય આવી ગયો છે.

ચાલુ વાહને હાઈવે પર કે રેલવે ટ્રેક વચ્‍ચોવચ્‍ચ પર કે પછી પહાડો પર લટકતા કે નદી કે દરિયા કિનારે પાણીની અંદર વગેરે..વગેરે.. સંવેદનશીલ સ્‍થળોએ સ્‍ટંટ કરી સેલ્‍ફી લેવી કે રિલ્‍સ બનાવવી અત્‍યંત જોખમભર્યું સાબિત થતું આવ્‍યું છે. કયારેક જોખમ ભરેલી જગ્‍યાએ આવા પરાક્રમ કરવા જતા મોબાઈલ પણ તૂટી જાય છે તો કયારેક હાડકા પણ ભાંગી જાય છે. કેટલાય બનાવોમાં આપણી આંખ સામે જ સેલ્‍ફી લેતા સ્‍વજનો કઈ રીતે સ્‍વર્ગવાસી બની જાય છે એના પણ અઢળક દાખલાઓ મૌજૂદ છે. તેથી આપણે સ્‍વયં પણ સેલ્‍ફ કન્‍ટ્રોલ કરીને જોખમી સેલ્‍ફી ક્‍લિક કરવાથી કે રિલ્‍સ બનાવવાથી દૂર રહેવું પડશે.

હમણાં એક પછી એક તહેવારો આવશે અને બધા ફરવા નીકળી પડશે ત્‍યારે હોટેલ, રિસોર્ટ, મોલ, મેળા, પાર્ક વગેરે સ્‍થળોએ સેલ્‍ફી-રિલ્‍સ રસિયાઓને આકર્ષવા ઘણી જગ્‍યાએ સેલ્‍ફી પોઈન્‍ટ અને રિલ્‍સ સ્‍ટેન્‍ડ ઉભા કરવામાં આવ્‍યા હશે. તેમાં કશું ખોટું-ખરાબ નથી, અહીં સેલ્‍ફી લેવી કે રિલ્‍સ બનાવવી પણ જાનલેવા નથી. હા, જ્‍યાં વધુ લોકો ભેગા થાય છે, જ્‍યાં કોઈ દુર્ઘટનાની સંભાવના છે કે કોઈ જોખમી સ્‍થળ છે ત્‍યાં કોઈ અનિચ્‍છનીય ઘટના ન બને તે માટે તહેવારો પૂરતા તંત્ર દ્વારા ‘નો સેલ્‍ફી ઝોન - નો રિલ્‍સ ઝોન' જાહેર કરવા જોઈએ.(૨૩.૨૧)

 

 

(4:03 PM IST)