<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

શ્રાવણમાં જ્યોતિર્લિંગના દર્શનનો લાભ: IRCTCએ જાહેર કર્યું પેકેજ

ઓછા બજેટમાં હરવા-ફરવા-ખાવાથી લઈને વીમા સુધીની મળશે સુવિધા: કેટલા દિવસની છે ટૂર, કઈ રીતે બુક કરી શકાશે અને આ પેકેજની પ્રાઈઝ શું છે. જાણો સંપૂર્ણ ડિટેલ્સ

નવી દિલ્હી :પવિત્ર શ્રાવણ માસમાં જો જ્યોતિર્લિંગના દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો IRCTC ખાસ પેકેજ લાવ્યું છે. જે અંતર્ગત IRCTC ભારત ગૌરવ યાત્રા ટ્રેન દ્વારા શ્રાવણ સ્પેશિયલ 7 જ્યોતિર્લિંગ યાત્રા કરાવી રહ્યું છે. આ માટે IRCTCનું ટૂર પેકેજ બુક કરાવવાનું રહેશે. તો ચાલો જાણીએ કયા કયા જ્યતિર્લિંગના દર્શન થશે, કેટલા દિવસની છે ટૂર, કઈ રીતે બુક કરી શકાશે અને આ પેકેજની પ્રાઈઝ શું છે.
  ભારત ગૌરવ ટ્રેન થકી 07 જ્યોતિર્લિંગ યાત્રાનો પ્રારંભ રાજકોટથી થશે. આ પેકેજમાં 9 રાત અને 10 દિવસ ફરવાની તક મળશે. આ યાત્રા 20 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. આ યાત્રામાં યાત્રી રાજકોટ, સુરેન્દ્રનગર, વીરમગામ, ચાંદલોડિયા, નડિયાદ, આણંદ, વડોદરા, ગોધરા, દાહોદ, મેઘનગર, રતલામ, નાગદાથી ટ્રેનમાં સવાર થઈ શકે છે.

   IRCTCના આ પેકેજ થકી તીર્થયાત્રિકોને શ્રાવણના પવિત્ર માસમાં મહાકાલેશ્વર, ઓંકારેશ્વર, ત્ર્યંબકેશ્વર, ભીમાશંકર, ધૃષ્ણેશ્વર, પરલી વૈજનાથ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સહિત 07 જ્યોતિર્લિંગના દર્શનનો લાભ મળશે. સુરક્ષા માટે પ્રત્યેક કોચમાં સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા હશે. આ ટૂર પેકેજની કિંમતમાં IRCTC યાત્રિકો માટે ટ્રેન યાત્રા, આધુનિક કિચન કારથી તેમની સીટ પર જ સ્વાદિષ્ટ શાકાહારી ભોજન, બસથી દર્શનીય સ્થળોની યાત્રા, હોટલ આવાસ, ગાઈડ અને દુર્ઘટના વીમા સહિતની સુવિધાઓ આપશે. આ ઉપરાંત યાત્રિકોને મનોરંજન અને યાત્રા સંબંધી જાણકારી પ્રદાન કરવા માટે ટ્રેનમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અપાઈ છે.

  આ પેકેજમાં ત્રણ શ્રેણી નક્કી કરાઈ છે, જેમાં સ્ટાન્ડર્ડ ક્લાસ (સ્લીપર), જેનું ભાડું 20,900 રુપિયા છે. કમ્ફર્ટ ક્લાસ-3 એસી માટે 34,500 રુપિયા અને સુપીરિયર ક્લાસ – 2 એસી માટે 48,900 રુપિયા નક્કી કરાયા છે. આ યાત્રામાં IRCTC દ્વારા LTCની સુવિધા પણ આપવામાં આવે છે. IRCTC દ્વારા લોન્ચ આ ટૂર પેકેજનું બુકિંગ શરુ થઈ ગયું છે. EMIથી બુકિંગની સુવિધા માત્ર ઓનલાઈન બુકિંગ માટે જ ઉપલબ્ધ છે.

(9:37 PM IST)