News of Friday, 9th August 2024
દારૂબંધીથી કોઇ દેશ, રાજય કે સભ્યતાનો વિકાસ થયો નથી
બિહારમાં દારૂબંધીના મુદ્દે પ્રશાંત કિશોર બોલ્યા આવતા વર્ષે બિહારમાં યોજાનાર વિધાનસભાની ચુંટણીમાં પ્રશાંત કિશોરનો રાજકીય પક્ષ જનસુરાજ જંગમાં ઉતરી રહયો છે

પટણા, તા., ૯: રાજનિતિક રણનીતીકાર પ્રશાંત કિશોરએ કહયું કે, દારૂબંધીથી કોઇ પણ રાજયમાં કોઇ ફાયદો નથી થયો. બિહારમાં દારૂબંધીના કારણે દર વર્ષે ર૦ હજાર કરોડનું નુકશાન થઇ રહયું છે. કારણ કે આ પૈસા શરાબ માફીયાઓ અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના ખિસ્સામાં જઇ રહયા છે. પી.કે. તરીકે ઓળખાતા પ્રશાંત કિશોર આગામી વર્ષે બિહારમાં યોજાનાર ચુંટણીમાં પોતાના નવા રચાયેલા પક્ષ જનસુરાજને પણ ઉતારી રહયા છે. ત્યારે તેમણે કહયું કે, જો તેમની સરકાર બનશે તો તેઓ એક કલાકની અંદર દારૂબંધી હંમેશા માટે ખતમ કરી દેશે.
આ મુદ્દે પ્રશાંત કિશોરને પુછવામાં આવતા તેમણે કહયું કે, અમે એક કલાકમાં જ દારૂબંધી ખતમ કરી દેશું કારણ કે દારૂબંધી કયારેય કોઇ દેશ, રાજય કે માનવ સભ્યતાનો વિકાસ થયો નથી. તેના કોઇ પ્રમાણ નથી. અલગ-અલગ સમય, કાળખંડમાં, દારૂબંધીના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અમેરીકામાં પણ દારૂબંધી કરવામાં આવી હતી. દારૂબંધીથી કોઇ ફાયદો થયો નથી પણ નુકશાન થયું છે. તેના પુરાવા છે.
ગાંધીજીએ કયારે દારૂબંધીની વાત કરી'તી : પ્રશાંત
પ્રશાંત કિશોરે વધુમાં જણાવ્યું કે, નીતીશકુમાર અને તેમના ચેલાઓ કહે છે કે મહાત્મા ગાંધીએ દારૂબંધીની વાત કરી હતી. હું એ લોકોને કહું છું કે, ગાંધીજીએ જો કયાંય એવુ કહયું હોય કે ‘સરકારે કાયદો બનાવી દારૂબંધી લાગુ કરવી જોઇએ' તો જણાવો.જો આ વાકય કયાંય બોલાયુ હોય કે ગાંધીજીના શબ્દોમાં સંભળાયું હશે તો હું નીતીશકુમારના પગે પડવા તૈયાર છું. ગાંધીજી જીવનમાં કયારેય આવુ બોલ્યા નથી.
ગાંધીજીની વાતોને તોડી મરોડી રજુ કરવામાં આવી
જનસુરાજ પક્ષના મુખીયા પ્રશાંત કિશોરે જણાવ્યું કે, ‘ગાંધીજીએ શરાબ બંધીને એક સામાજીક પ્રયાસના રૂપમાં જોઇ સમાજને જગાડવા અને આમા શું ખામીઓ છે તે જણાવવા કહયું હતું'. આ તો એવુ થયું કે ગાંધીજીએ એમ કહયું હતું કે, શાકાહારી થવાના મોટા ફાયદા છે. એનો મતલબ એવો થોડો થયો કે સરકાર કાલે નિયમ બનાવી જે માંસાહાર કરતા હોય તેને જેલમાં મોકલી દયે. ગાંધીજીની વાતોને લોકોએ અત્યાર સુધી તોડી-મરોડી રજુ કરી છે. તેમનો દાવો છેકે હવે બિહારમાં માફીયા દ્વારા દારૂની હોમ ડીલીવરી થઇ રહી છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
