News of Friday, 9th August 2024
અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રાયલ રનમાં ૧૩૦ કિ.મી.ની ઝડપે દોડી
વંદે ભારત ટ્રેને રેકોર્ડ તોડયો

મુંબઇ, તા.૯: અમદાવાદ-મુંબઈ વચ્ચે ૨૦ કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ રન શરુ થઈ ગઈ છે. આ વંદે ભારત ટ્રેનની ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ કરવામાં આવી રહી છે. આજે (૦૯ ઑગસ્ટ) સવારે ૭ વાગ્યે અમદાવાદથી વંદે ભારત ટ્રેન રવાના થઈ હતી.
વંદે ભારત ટ્રેન તેના ટ્રાયલ રન દરમિયાન અમદાવાદથી વડોદરા-સુરત થઈને મુંબઈ સેન્ટ્રલ પહોંચી ગઈ છે. હાલમાં દેશના મોટા શહેરો વચ્ચે વંદે ભારત ટ્રેન ૧૬ કોચ અને નાના શહેરો વચ્ચે ૮ કોચ સાથે દોડી રહી છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે ૧૬ કોચની બે વંદે ભારત ટ્રેન પણ દોડી રહી છે. ત્યારે હવે અમદાવાદથી ૨૦ કોચની વંદે ભારત ટ્રેનના ટ્રાયલ રન દરમિયાન, પહેલેથી ચાલી રહેલા 14C + 2E કોચમાં વધુ 4C કોચ ઉમેરવામાં આવ્યા છે.
વંદે ભારત ટ્રેનને મળી રહેલા ૧૦૦ ટકા પ્રતિસાદ અને ઓકયુપન્સીને ધ્યાનમાં રાખીને ટ્રાયલ રનની સફળતા બાદ દેશની પ્રથમ ૨૦ કોચવાળી વંદે ભારત ટ્રેન શરુ કરવામાં આવશે. હાલ ૧૬ કોચવાળી વંદે ભારત ટ્રેનને ૨૦ કોચ સાથે ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ કરીને એ જોવામાં આવી રહ્યું છે કે કોચની સંખ્યા વધારવાથી સ્પીડમાં કોઈ ફરક પડે છે કે કેમ તેમજ ટ્રેનને અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીથી મુંબઈ વચ્ચે ૧૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવા માટે ‘મિશન રફ્તાર' પ્રોજેક્ટ પાંચ વર્ષ પહેલા શરુ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પહેલા ૧૩૦ કિ.મી. અને પછી ૧૬૦ કિ.મી. પ્રતિ કલાક સુધી અલગ-અલગ ટ્રાયલ કરવામાં આવશે. લાંબા અંતરને આવરી લેતી ટ્રેનો મુસાફરોને સલામત અને ટૂંકા સમયમાં પૂરી પાડવામાં આવશે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
