બ્રોન્ઝ મેડલ જીત્યા પછી હોકી ટીમ પર રૃપિયાનો વરસાદ
૧ કરોડ રૃપિયાની પ્રાઇઝ મની આપવામાં આવશે.:ભારતીય હોકી ટીમના સ્ટાર ખેલાડી વિવેક પ્રસાદ માટે મધ્ય પ્રદેશ સરકારે ઇનામની જાહેરાત કરી છે

નવી દિલ્હી, તા.૯
ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. ભારતે ગુરુવારે સ્પેન સામે રમાયેલી મેચમાં ૨-૧થી જીત નોંધાવી છે. ટીમ ઇન્ડિયાની જીત પછી તેઓ માટે પ્રાઇઝ મનીની જાહેરાત થઈ હતી. ઓડિશા સરકારે પ્રાઇઝ મનીની જાહેરાત કરી છે. હવે મધ્ય પ્રદેશે પણ મોટી જાહેરાત કરી છે. એમપીના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે વિવેક સાગર પ્રસાદ માટે ૧ કરોડ રૃપિયાનુ ઇનામ જાહેર કર્યું છે.
ટીમ ઇન્ડિયાએ ઓલિમ્પિકમાં સતત બીજીવાર બ્રોન્ઝ મેડલ જીતીને ભારતે ઇતિહાસ રચ્યો છે. હોકી ટીમે ૫૨ વર્ષ પછી આ કમાલ કરી બતાવી છે. ટીમ ઇન્ડિયાની જીત બાદ ખેલાડીઓ પર રૃપિયાનો વરસાદ થયો છે. મધ્ય પ્રદેશના ખેલાડી વિવેક સાગરને પ્રાઇઝ મની તરીકે ૧ કરોડ રૃપિયા મળશે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે આ જાહેરાત કરી છે. તેઓએ વિવેક સાથે વીડિયો કોલના માધ્યમથી વાત પણ કરી. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ વિવેકને શુભેચ્છાઓ પાઠવી હતી.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ એક્સ પર લખ્યુ, પેરિસ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમના ખેલાડી, અમારા મધ્ય પ્રદેશના ગૌરવ શ્રી વિવેક સાગર પ્રસાદજી સાથે વીડિયો કોલના માધ્યમથી શુભેચ્છાઓ આપી. મધ્ય પ્રદેશ સરકાર તરફથી વિવિકને ૧ કરોડ રૃપિયા આપવામાં આવશે.
જણાવી દઈએ કે, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પણ હોકી ટીમ માટે પ્રાઇઝ મનીની જાહેરાત કરી છે. તેઓએ ભારતીય ટીમના ડિફેન્ડર અમિત રોહિદાસને ૪ કરોડ રૃપિયાની પ્રાઇઝ મની આપવાનું એલાન કર્યું છે. તેની સાથે જ ટીમના બાકીના ખેલાડીઓને ૧૫-૧૫ લાખ રૃપિયા આપવાની ઘોષણા કરી છે. સપોર્ટ સ્ટાફને પણ ૧૦ લાખ રૃપિયા મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
