News of Saturday, 10th August 2024
ગાઝામાં નમાજ પડી રહેલા પેલેસ્ટાઇનો ઉપર ઇઝરાયલનો હુમલો : ૧૦૦ થી વધુ મોત
ડઝનબંધ ઘાયલ : મૃત્યુઆંક વધવાની શકયતા

ગાઝાપટ્ટી, તા.૧૦: ગાઝા પર ઈઝરાયેલનો હુમલો હજુ પણ ચાલુ છે. રોઇટર્સે પેલેસ્ટિનિયન ન્યૂઝ એજન્સી WAFAને ટાંકીને અહેવાલ આપ્યો છે કે પૂર્વ ગાઝામાં વિસ્થાપિત લોકોના એક શાળાને નિશાન બનાવીને કરવામાં આવેલા ઇઝરાયેલી હુમલામાં ૧૦૦ થી વધુ લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો નમાજ અદા કરી રહ્યા હતા.
હમાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈઝરાયલી હુમલામાં ફજરની નમાજ અદા કરતી વખતે વિસ્થાપિત લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેના કારણે જાનહાનિમાં તીવ્ર વધારો થયો હતો. તમને જણાવી દઈએ કે ગત અઠવાડિયે ગાઝામાં ચાર શાળાઓ પર હુમલો થયા બાદ આવું કરવામાં આવ્યું છે.
અગાઉ ૪ ઓગસ્ટના રોજ, ગાઝા શહેરમાં વિસ્થાપિત લોકો માટે આશ્રયસ્થાનો તરીકે સેવા આપતી બે શાળાઓ પર ઇઝરાયેલના હુમલામાં ૩૦ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તે જ સમયે, ગાઝા શહેરમાં હમામા સ્કૂલ પર થયેલા હુમલામાં ૧૭ લોકો માર્યા ગયા હતા. ૧ ઓગસ્ટના રોજ દલાલ અલ-મુગરાબી સ્કૂલ પર ઈઝરાયેલના હુમલામાં ૧૫ લોકો માર્યા ગયા હતા.
તમને જણાવી દઈએ કે ગયા ઓક્ટોબરમાં પેલેસ્ટિનિયન સંગઠન પર મોટા પાયે સૈન્ય હુમલો શરૂ કર્યા બાદથી, ઈઝરાયેલ ગાઝામાં શાળાઓ સહિતની ઈમારતો પર હુમલા કરી રહ્યું છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે કમ્પાઉન્ડની અંદર આતંકીઓ છે જે હમાસ કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી ઓપરેટ કરી રહ્યા છે
ગયા વર્ષે ૭ ઓક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયેલ પર ઘાતક હુમલો કર્યા પછી શરૂ થયેલા ૧૦ મહિનાના યુદ્ધમાં ગાઝામાં ૪૦,૦૦૦ થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. યુદ્ધગ્રસ્ત તટીય પેલેસ્ટિનિયન વિસ્તારમાં યુદ્ધવિરામ માટે વાટાઘાટોના અનેક રાઉન્ડ યોજાયા છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
