<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

દિલ્હી, ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદનું એલર્ટ અપાયું

IMD એ પર્વતોમાં વાદળ ફાટવાનું એલર્ટ જારી કર્યું

નવી દિલ્હી, તા.૧૧,

દિલ્હી-એનસીઆરમાં વરસાદે કોહરામ મચાવ્યો છે. એવું લાગી રહ્યું છે જાણે દિલ્હીમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. હવામાન વિભાગ (IMD)એ આગામી ૨૪ કલાકમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તેમાં પણ ખાસ કરીને ગાજીયાબાદ અને ગુરુગ્રામમાં ભારે વરસાદની શક્યાતા જણાવી છે. શુક્રવારે દિલ્હી સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. જેને કારણે રસ્તાઓ પર ઠેર-ઠેર પાણી ભરાયા હતા.

હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં અરુણાચલ પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંખડ, પૂર્વી રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા જણાવી છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, અસમ, મેધાલય, ઉપ-હિમાલયી ક્ષેત્ર પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, ઓડિશા, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણામાં અલગ-અલગ સ્થાનો પર ભારે વરસાદની સંભાવના છે. ત્યારે ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, પૂર્વી મધ્ય પ્રદેશ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. અરસ સાગરની સાથે-સાથે ગુજરાતના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સાથે ૩૫ કિમી પ્રતિ કલાકથી ૪૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

સ્કાયમેટ વેધર અનુસાર ઓગસ્ટના બાકીના દિવસોમાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે, ચોમાસાની ઋતુનો અડધો સમય પસાર થઈ ગયો છે. યુપીના પૂર્વ ભાગના બલિયા, ગાઝીપુર, દેવરિયા, આઝમગઢ, મહારાજગંજ, ચંદૌલી અને સંત કબીરનગર જેવા જિલ્લાઓમાં સારો વરસાદ થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં સિઝનના અંત સુધીમાં જોવા મળેલી વરસાદની કમી સુધરી શકે છે. બિહાર અને ઉત્તર બંગાળમાં પણ ચોમાસાનો સારો વરસાદ પડી શકે છે.

IMDના જણાવ્યા અનુસાર ચોમાસું ટર્ફ દિલ્હી પર છે જેના કારણે પૂર્વી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને ઝારખંડના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. IMD એ પર્વતીય વિસ્તારોમાં વાદળ ફાટવાનું એલર્ટ જાહેર કર્યું છે.

(11:52 AM IST)