<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

સર્વ ખાપ દ્વારા વિનેશ ફોગટને લઈને યોજાએલ મહાપંચાયતમાં નિર્ણય : વિનેશ ફોગટને મળશે ગોલ્ડ મેડલ : હરિયાણા પરત ફરતા ભવ્ય સ્વાગત થશે

100 ગ્રામ વજન વધવાને કારણે વિનેશને ઓલમ્પિકમાં ગેરલાયક ઠેરવવામાં આવી હતી : વિનેશ ફોગાટના પ્રદર્શનને જોતા તેને ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર મનાય રહી હતી

ચંડીગઢ : હરિયાણામાં સ્ટાર રેસલર વિનેશ ફોગટને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને 2024 પેરિસ ઓલિમ્પિકમાં વધુ વજન હોવાના કારણે ફાઈનલ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી હતી. વિનેશ ફોગાટના પરત ફર્યા બાદ ભવ્ય સ્વાગત સમારોહ યોજાશે. આ ઉપરાંત તેને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવશે.

સર્વ ખાપ દ્વારા વિનેશ ફોગટને લઈને એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિનેશ ફોગાટ પરત ફરશે ત્યારે લોકો તેમનું સ્વાગત કરશે. તેમજ વિનેશ ફોગાટને સર્વ ખાપ વતી એક સમારોહમાં ગોલ્ડ મેડલ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર શરૂઆત કરી હતી. વિનેશ ફોગાટે તેની પહેલી જ મેચમાં ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ગત ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર કુસ્તીબાજને હરાવ્યો હતો. આ પછી વિનેશે ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલમાં પણ જોરદાર જીત નોંધાવી હતી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

વિનેશ ફોગાટના પ્રદર્શનને જોતા તેને ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી. જોકે, ફાઈનલના દિવસે તે વધારે વજનના કારણે ગેરલાયક ઠરાઈ હતી. વિનેશ 50 કિલોગ્રામ મહિલા કુશ્તી સ્પર્ધામાં ગોલ્ડ જીતશે તે નિશ્ચિત માનવામાં આવતું હતું. જોકે, 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો.

વિનેશ ફોગાટે અયોગ્યતાના નિર્ણયનો વિરોધ કર્યો છે અને સિલ્વર મેડલની માંગ કરી છે. તેમણે CASને અપીલ કરી છે. આ મામલે આજે નિર્ણય આવી શકે છે. CASએ વિનેશને ત્રણ પ્રશ્નોના જવાબ આપવા કહ્યું છે. વિનેશ ઈ-મેલ પર જવાબ આપશે. ત્યારબાદ CAS પોતાનો નિર્ણય આપશે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે કુલ 6 મેડલ જીત્યા છે. જેમાં 5 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ છે. જો વિનેશને સિલ્વર મેડલ મળે તો ભારત પાસે પેરિસ ઓલિમ્પિકમાં કુલ સાત મેડલ થઈ જશે.

 

(6:19 PM IST)