News of Sunday, 11th August 2024
AAP એ વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી શરૂ : સિસોદિયાએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી : પદયાત્રાની જાહેરાત કરી
17 મહિના બાદ શુક્રવારે જેલમાંથી મુક્ત થતાંવેંત સિસોદિયાએ AAP ની કમાન સંભાળવાનું શરૂ કર્યું : આવતીકાલથી AAP ના ધારાસભ્યો અને ઉચ્ચ પદાધિકારીઓ સાથે કરશે બેઠકો

નવી દિલ્હી : દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા 14 ઓગસ્ટથી દિલ્હીમાં પદયાત્રા શરૂ કરશે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને 17 મહિના બાદ શુક્રવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. પદયાત્રા દરમિયાન સિસોદિયા દિલ્હીના લોકોને મળશે.
મળતી માહિતી મુજબ, મનીષ સિસોદિયા આવતીકાલે એટલે કે સોમવારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરશે. મંગળવારે તેઓ દિલ્હીના આમ આદમી પાર્ટીના તમામ કાઉન્સિલરો સાથે બેઠક કરશે. આ બંને બેઠકમાં આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે.
મનીષ સિસોદિયાએ રવિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને તેમના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. AAPના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) સંદીપ પાઠક, રાજ્યસભાના સાંસદ સંજય સિંહ, દિલ્હી રાજ્ય કન્વીનર ગોપાલ રાય અને રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તા સહિત વરિષ્ઠ AAP નેતાઓએ તેમાં ભાગ લીધો હતો.
સિસોદિયાએ ગયા વર્ષે 28 ફેબ્રુઆરીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. અગાઉ તેમની પાસે શિક્ષણ, નાણા, આબકારી, આરોગ્ય અને PWD સહિત 18 વિભાગોનો હવાલો હતો. આ સિવાય તેઓ કેજરીવાલના નાયબ મુખ્યમંત્રી પણ હતા. સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરી, 2023 ના રોજ, આબકારી નીતિ (2021-22) ની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવે તે પહેલાં, સિસોદિયા આમ આદમી પાર્ટી (AAP) અને દિલ્હી સરકારમાં કેજરીવાલ પછીના સૌથી અગ્રણી નેતા હતા.
મનીષ સિસોદિયાને જામીન આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ સમાજના સન્માનિત વ્યક્તિ છે અને તેમના ફરાર થવાની કોઈ શક્યતા નથી. તેમણે એમ પણ કહ્યું કે આ કેસમાં મોટાભાગના પુરાવા એકત્ર કરી લેવામાં આવ્યા છે, તેથી તેની સાથે છેડછાડની કોઈ શક્યતા નથી. જો કે, સાક્ષીઓને પ્રભાવિત કરવા અથવા ડરાવવાના કિસ્સામાં તેમની પર શરતો લાદવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને 10 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. આ ઉપરાંત બે મોટી શરતો પણ લાદવામાં આવી છે. પ્રથમ શરત એ છે કે તેઓએ પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડશે. અને બીજી શરત એ છે કે તેઓએ દર સોમવાર અને ગુરુવારે પોલીસ સ્ટેશન જઈને તેમની હાજરી માર્ક કરાવાની રહેશે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
