<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

મધ્ય પૂર્વમાં યુદ્ધના એંધાણ :ઈરાન ઈઝરાયેલ પર રાત્રે હુમલાની તૈયારીમા: સબમરીન તૈનાત : ફ્લાઇટ પણ રદ

હમાસ અને હિઝબુલ્લાહના વરિષ્ઠ સભ્યોની હત્યા બાદ ઈરાન હુમલો કરવા માટે તૈયાર: યુએસએ અબ્રાહમ લિંકન સ્ટ્રાઈક ગ્રુપને પ્રદેશમાં તેની તૈનાતીને વેગ આપવાનો આદેશ આપ્યો

હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈરાન નારાજ છે. તે માત્ર ઈઝરાયેલ સામે બદલો લેવા માગે છે. એવું માનવામાં આવે છે કે ઈરાન આજે રાત્રે જ આ હુમલો કરી શકે છે. અહીં, સ્વિસ ઇન્ટરનેશનલ એરલાઇન્સે તેની તેલ અવીવ અને બેરૂતની ફ્લાઇટ્સ રદ કરી છે. 21મી ઓગસ્ટ સુધી કોઈ ફ્લાઈટ ઓપરેટ થશે નહીં. તો ઇઝરાયેલ-ઇરાન તણાવ વચ્ચે, અમેરિકાએ પણ જાહેરમાં મધ્ય પૂર્વમાં સબમરીન મોકલવાની જાહેરાત કરી છે.

અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને મિસાઈલ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.  હમાસ અને હિઝબુલ્લાહના વરિષ્ઠ સભ્યોની હત્યા બાદ ઈરાન હુમલો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઓસ્ટીને તેના ઈઝરાયેલ સમકક્ષ સાથે આ અંગે વાત કરી હતી. તણાવ વચ્ચે, યુએસએ અબ્રાહમ લિંકન સ્ટ્રાઈક ગ્રુપને પ્રદેશમાં તેની તૈનાતીને વેગ આપવાનો આદેશ આપ્યો છે.

યુએસએસ અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ અગાઉ ગુઆમ નજીક કાર્યરત હતું. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે હવે તે USS થિયોડોર રૂઝવેલ્ટનું સ્થાન લેશે. ઉપરાંત, યુએસ સંરક્ષણ સચિવ ઓસ્ટીને એફ-35સી ફાઈટર પ્લેનથી સજ્જ યુએસએસ અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપને સેન્ટ્રલ કમાન્ડ વિસ્તારમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.

  આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે, ઇઝરાયેલી સેનાએ સોમવારે દક્ષિણ ગાઝા શહેર ખાન યુનિસની નજીક તેની કામગીરી ચાલુ રાખી. પેલેસ્ટિનિયન ડોકટરોના જણાવ્યા અનુસાર, સોમવારે ખાન યુનિસના કેટલાક વિસ્તારોમાં ઇઝરાયલી સૈન્ય હુમલામાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા.

  ઈરાન સમર્થિત હમાસના રાજકીય નેતા ઈસ્માઈલ હનીયેહની 31 જુલાઈએ ઈરાનની રાજધાની તેહરાનમાં હત્યા કરવામાં આવી હતી. આ હુમલા બાદ ઈરાને ઈઝરાયેલ પાસેથી બદલો લેવાની ધમકી આપી હતી. ઈરાને આ હત્યા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું. જો કે ઈઝરાયેલે આની જવાબદારી લીધી નથી.
બેરુતમાં ઈરાન સમર્થિત લેબનીઝ જૂથ હિઝબુલ્લાહના વરિષ્ઠ સૈન્ય કમાન્ડર ફુઆદ શુકરની હત્યા બાદ તણાવ વધુ વધ્યો છે. મીડલ ઈસ્ટ અત્યારે યુદ્ધનું મેદાન છે. ઈરાને કહ્યું છે કે ઈઝરાયેલને સમર્થન આપવાના કારણે હનીયેહની હત્યા માટે અમેરિકા જવાબદાર છે. રોયટર્સ અનુસાર, શુક્રવારે સીરિયામાં ડ્રોન હુમલામાં ઘણા અમેરિકન અને ગઠબંધન કર્મચારીઓ ઘાયલ થયા હતા. મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે તાજેતરના સમયમાં અમેરિકી સેના પર આ બીજો મોટો હુમલો છે

(11:22 PM IST)