લસણ શાકભાજી ગણાય કે પછી મસાલામાં ?
નવ વર્ષની કાનુની લડાઇ પછી મધ્યપ્રદેશ હાઇકોર્ટે નક્કી કર્યો દરજજો

ભોપાલ, તા.૧૩: ભોજનના સ્વાદમાં ચારચાંદ લગાવતું લસણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ગુણકારી છે. પરંતુ તેની કેટેગરીને લઈને વિવાદ સર્જાયો છે. લસણની ગણતરી શાકભાજીમાં થાય કે, તેજાના(મસાલા)માં તે મામલે છેલ્લા નવ વર્ષથી ખેડૂતો-કમિશન એજન્ટો કાનૂની લડાઈ લડી રહ્યા છે. જેના પર અંતે મધ્યપ્રદેશ હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતાં બન્ને પક્ષોને લાભ કરાવ્યો છે.
નવ વર્ષથી ચાલી રહેલી કાનૂની લડાઈમાં બન્ને પક્ષકારો ઇચ્છતા હતા કે, લસણની ચોક્કસ કેટેગરી નક્કી કરવામાં આવે. જેના પર મધ્યપ્રદેશ હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતાં લસણને શાકભાજીની કેટેગરીમાં સામેલ કર્યું છે. તેમજ તેને તેજાના બજારમાં પણ વેચવાની મંજૂરી આપી છે.
જસ્ટિસ એસ. એ. ધર્માધિકારી અને ડી. વેંકટરમનની બેન્ચે ૨૦૧૭ના આદેશને યથાવત્ રાખતાં કહ્યું છે કે, લસણ ઝડપથી સડી જાય છે, તેથી તેની ગણના શાકભાજીમાં કરી શકાય. પરંતુ તેને શાકભાજી અને તેજાના બન્ને બજારમાં વેચી શકાશે. જેથી વેપાર પર લાગુ પ્રતિબંધો દૂર થશે અને ખેડૂતો તથા વેપારીઓ બન્નેને લાભ થશે.
મધ્યપ્રદેશના મંડી બોર્ડે ૨૦૧૫માં લસણને શાકભાજીની કેટેગરીમાં સામેલ કરી હતી. બાદમાં કળષિ વિભાગે આ આદેશ રદ કરતાં કળષિ પાક મંડી સમિતિ અધિનિયમ(૧૯૭૨)નો હવાલો આપતાં તેને તેજાનામાં સામેલ કર્યું હતું. લસણની કેટેગરી નક્કી ન થતાં ખેડૂતો અને વેપારીઓને નુકસાન થઈ રહ્યું હોવાથી ફરિયાદ કરવામાં આવી હતી.
પોટેટો અનિયન ગાર્લિક કમિશન એજન્ટ ઍસોસિએશને ઇન્દોર બેન્ચ સમક્ષ ૨૦૧૬માં પ્રિન્સિપલ સેક્રેટરીના આદેશને પડકાર્યો હતો. જેમાં ૨૦૧૭માં તેમના પક્ષમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. જો કે, આ નિર્ણયથી માત્ર કમિશન એજન્ટને જ લાભ થતો હોવાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હતું. જેથી આ અરજીની રિવ્યુ પિટિશન જુલાઈ, ૨૦૧૭માં ફાઇલ કરવામાં આવી હતી. જાન્યુઆરી ૨૦૨૪માં બે જજની બેન્ચે તેને તેજાના કેટેગરીમાં સામેલ કરી હતી. જેના પર લસણના વેપારીઓ અને કમિશન એજન્ટોએ માર્ચમાં સમીક્ષા કરવાની માગ કરી હતી. કારણકે, લસણને શાકભાજી કેટેગરીમાં એજન્ટના માધ્યમથી વેચવામાં આવે છે.
હાઇકોર્ટે આદેશ આપતાં કહ્યું છે કે, હાલના કિસ્સામાં, કળષિકારોએ રજૂઆત કરી હતી કે, લસણને એજન્ટો દ્વારા શાકભાજી તરીકે વેચવાની મંજૂરી આપવામાં આવે, જો કે, રાજ્ય સરકારે તેને તેજાના કેટેગરીમાં સામેલ કરી છે, મધ્યપ્રદેશ માર્કેટ બોર્ડના સંયુક્ત નિર્દેશક ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, આ આદેશ કમિશન એજન્ટોને શાકભાજી બજારોમાં લસણ માટે બિડ કરવાની મંજૂરી આપશે. મંદસૌરના લસણના ખેડૂત પરમાનંદ પાટીદારે જણાવ્યું હતું કે, હવે અમારી પાસે અમારી પેદાશ વેચવા માટે બે વિકલ્પો છે તેથી અમને આ વ્યવસ્થામાં કોઈ સમસ્યા નથી. લસણ પહેલેથી જ સર્વકાલીન ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
