News of Wednesday, 14th August 2024
૨૨મીએ દેશ વ્યાપી આંદોલન કરશે કોંગ્રેસ
અદાણી ‘મહાકૌભાંડ'ની જેપીસી દ્વારા તપાસની માંગ : EDની ઓફિસને કરાશે ઘેરાવ : સેબી ચીફ માધવી પુરી બુચના રાજીનામોની માંગણી : રાષ્ટ્રીય સ્તરે જાતિ ગણતરી હાથ ધરવી જરૂરી

નવી દિલ્હી, તા.૧૪: હિંડનબર્ગ રિસર્ચના નવા અહેવાલ વચ્ચે, કોંગ્રેસે ગઇકાલે જાહેરાત કરી કે તે અદાણી જૂથ સાથે સંબંધિત ‘મેગા કૌભાંડ'ની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) અને જાતિની વસ્તી ગણતરીની રચનાની માંગ સાથે દેશભરમાં જન આંદોલન શરૂ કરશે. આ મહિનાની ૨૨ તારીખે આ માટે દેશભરમાં વિરોધ પ્રદર્શન થશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે પાર્ટીના મહાસચિવો, પ્રદેશ પ્રભારીઓ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલે કહ્યું કે ૨૨ ઓગસ્ટે દેશવ્યાપી આંદોલન બે માંગણીઓ પર હશે. પ્રથમ માંગણી એ છે કે સેબી ચીફ માધબી પુરી બુચે રાજીનામું આપવું જોઈએ. બીજી માંગ એ છે કે અદાણી ‘મેગા સ્કેમ'ની તપાસ માટે જેપીસીની રચના થવી જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મીટિંગ પછી સોશિયલ મીડિયા પર લખ્યું કે સેબી અને અદાણી વચ્ચેની સાંઠગાંઠના ચોંકાવનારા ઘટસ્ફોટની સંપૂર્ણ તપાસ કરવાની જરૂર છે. શેરબજારમાં નાના રોકાણકારોના પૈસા જોખમમાં ન મુકી શકાય. મોદી સરકારે તાત્કાલિક સેબી ચીફના રાજીનામાની માંગ કરવી જોઈએ.
મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે ૨૨ ઓગસ્ટે દેશભરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસોની ઘેરાબંધી કરવાની જાહેરાત કરી છે. ગઇકાલે દિલ્હીમાં AICCની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાયેલી આ બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે પાર્ટી એસસી-એસટી આરક્ષણમાં ક્રીમી લેયરના મુદ્દે સરકારને બિલ લાવીને પોતાનું વલણ સ્પષ્ટ કરવાની માંગ કરશે.
એઆઈસીસીના જનરલ સેક્રેટરી અને સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું, ૨૨ ઓગસ્ટના રોજ દેશભરમાં એક મોટું રાષ્ટ્રીય સ્તરનું આંદોલન થશે. અમે દરેક રાજ્યની રાજધાનીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસનો ઘેરાવ કરીશું અને સેબીના ચેરમેનને તે પદ પરથી હટાવવાની માગણી કરીશું. અમે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતળત્વમાં AICC મહાસચિવો, પ્રભારીઓ અને PCC પ્રમુખોની બેઠક કરી હતી. અમે અત્યારે દેશમાં ચાલી રહેલા સૌથી મોટા કૌભાંડોમાંના એકની ચર્ચા કરી હતી - હિંડનબર્ગના ખુલાસાઓ, અદાણી અને સેબીને સંડોવતા કૌભાંડ. અમે સર્વસંમતિથી આ મુદ્દા પર બે બાબતોની માંગણી સાથે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે, એક અદાણી મેગા કૌભાંડની JPC તપાસ જેમાં વડાપ્રધાન સંપૂર્ણપણે સંડોવાયેલા છે અને જેમાં હવે નાણાકીય બજારના નિયમન સાથે ગંભીર ચેડા કરવામાં આવ્યા છે..
આ મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્નાં, આજની બેઠકમાં ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અમે અદાણી મેગા સ્કેમના સંદર્ભમાં જેપીસીની માંગનો પુનરોચ્ચાર કર્યો છે. જે રીતે નવા ખુલાસા થયા છે, તે વધુ મહત્વનું છે કે જેપીસીની રચના થઈ. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે જાતિ ગણતરી હાથ ધરવી જરૂરી છે. બંધારણ મુજબ જાતિ ગણતરીની જવાબદારી કેન્દ્ર સરકારની છે. બંધારણની સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય સંબંધિત જોગવાઈઓનું પાલન અને આદર આગામી સમયમાં આ ત્રણેય મુદ્દાઓ પર અમે વિવિધ રાજ્યોમાં જનજાગૃતિ અભિયાન ચલાવીશું.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
