News of Wednesday, 14th August 2024
સુપ્રિમ કોર્ટનાં ફેસલા બાદ માઇનીંગ કંપનીઓ હલબલીઃ ટાટા સ્ટીલ-વેદાંતા-NMDC વગેરેમાં કડાકો
ખનિજ રોયલ્ટી અંગેના ફેંસલાની અસર કંપનીઓ ઉપર પડશે

નવી દિલ્હી, તા.૧૪: આજે દેશની મોટી માઈનિંગ કંપનીઓના શેરમાં ૫ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. NMDC, ટાટા સ્ટીલ, વેદાંત, હિન્દુસ્તાન ઝિંક અને MOIL જેવી મોટી કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતના નિર્ણય બાદ આ અસર થઈ છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ખનિજ સંપત્તિ ધરાવતા રાજ્યોને કેન્દ્ર સરકાર પાસેથી છેલ્લા ઘણા વર્ષોની રોયલ્ટી લેણાંની વસૂલાત કરવાનો અધિકાર છે. મતલબ કે હવે ખાણકામ કંપનીઓએ રાજ્યોને ઘણા પૈસા ચૂકવવા પડશે. આ નિર્ણય બાદ શેરબજારમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો અને માઇનિંગ બિઝનેસ સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
NMDCની હાલત સૌથી ખરાબ છે. તેના શેર ૫% થી વધુ ઘટયા. ટાટા સ્ટીલના શેરમાં પણ ૪%થી વધુનો ઘટાડો થયો છે. વેદાંત, હિન્દુસ્તાન ઝિંક, MOIL અને MMTCના શેરમાં પણ લગભગ ૪%નો ઘટાડો જોવા મળ્યો હતો. કોલ ઈન્ડિયા, ઓરિસ્સા મિનરલ્સ ડેવલપમેન્ટ કંપની અને આશાપુરા માઈનકેમ પર પણ દબાણ હતું.
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચે કેન્દ્ર સરકારની એ દલીલને ફગાવી દીધી હતી કે ૨૫ જુલાઈનો નિર્ણય માત્ર ભવિષ્ય માટે જ લાગુ થવો જોઈએ. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે રાજ્યોને ખનિજ અધિકારો અને ખનિજ જમીન પર કર લાદવાનો સંપૂર્ણ અધિકાર છે. આ ઉપરાંત, રાજ્યોને ૧ એપ્રિલ, ૨૦૦૫ પહેલા રોયલ્ટી લેણાંની માંગ કરવાનો પણ અધિકાર છે. કોર્ટે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર અને માઈનિંગ કંપનીઓ મળીને આ પૈસા આગામી ૧૨ વર્ષમાં રાજ્યોને આપી શકે છે, પરંતુ તેના પર કોઈ દંડ કરવામાં આવશે નહીં.
સૌથી મોટી વાત એ છે કે સુપ્રીમ કોર્ટે ૧૯૮૯ના જૂના નિર્ણયને પલટી નાખ્યો છે. તે નિર્ણય અનુસાર માત્ર કેન્દ્ર સરકાર જ ખનીજ અને ખનીજ ધરાવનારી જમીન પર રોયલ્ટી લાદી શકે છે. પરંતુ હવે કોર્ટે કહ્યું છે કે આ અધિકાર રાજ્યોનો છે.
મતલબ કે હવે માઈનિંગ કંપનીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેઓએ માત્ર વધુ ટેક્સ જ નહીં ભરવો પડશે પરંતુ જૂના લેણાં પણ ચૂકવવા પડશે. તેનાથી આ કંપનીઓની કમાણી પર અસર પડી શકે છે અને તેની અસર શેરબજાર પર પણ જોવા મળી રહી છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
