<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવશે

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો રેકોર્ડ તોડી નાંખશેઃલાલ કિલ્લા પરથી સૌથી વધારે વખત રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ દેશના પહેલાં પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૃના નામે નોંધાયેલો છે

નવી દિલ્હી, તા.૧૪

પ્રધાનમંત્રી મોદી લાલ કિલ્લા પરથી સતત ૧૧મી વાર ધ્વજ ફરકાવશે. તેની સાથે જ તે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો રેકોર્ડ તોડી નાંખશે. વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી બન્યા પછી સતત પીએમ નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીરથી ત્રિરંગો ફરકાવી રહ્યા છે. આ વખતે તે ૧૧મી વખત ત્રિરંગો ધ્વજ ફરકાવશે. તેની સાથે જ પ્રધાનમંત્રીઓની યાદીમાં તે ત્રીજા સ્થાને પહોંચી જશે. લાલ કિલ્લા પરથી સૌથી વધારે વખત રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ દેશના પહેલાં પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૃના નામે નોંધાયેલો છે. જવાહરલાલ નેહરૃ ૧૯૪૭થી ૧૯૬૩ સુધી પ્રધાનમંત્રી રહ્યા આ દરમિયાન તેમણે ૧૭ વખત લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો. ત્યારબાદ ઈન્દિરા ગાંધી ૧૯૬૬થી ૧૯૭૬ અને ૧૯૮૦થી ૧૯૮૪ સુધી પ્રધાનમંત્રી રહ્યા આ દરમિયાન તેમણે ૧૬ વખત લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો હતો. મનમોહન સિંહ ૨૦૦૪થી ૨૦૧૩ સુધી પ્રધાનમંત્રી રહ્યા આ  દરમિયાન તેમણે સતત ૧૦ વખત ધ્વજ ફરકાવ્યો. પોતાની ત્રીજી ઈનિંગ્સની શરૃઆતમાં પીએમ મોદી સરકારની પ્રાથમિકતાઓ દેશ સામે રાખી શકે છે. સાથે જ ભારતને વિકસિત દેશ બનાવવાનો રોડ મેપ જણાવી શકે છે. પીએમ મોદી હંમેશા કહે છે કે તેમની સરકારનું ફોકસ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી છે. આ વખતે આ તમામ લોકો લાલ કિલ્લા પર હાજર રહે તેવી શક્યતા છે.

૭૮મા સ્વતંત્રતા દિવસના પગલે નવી દિલ્લીમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ૩૦૦૦થી વધારે પોલીસ કર્મચારીઓ વાહન વ્યવહારને નિયંત્રિત કરશે તો ૧૦,૦૦૦થી વધારે પોલીસ કર્મચારીઓની સાથે છૈં આધારિત ફેસ ઓળખનારા ૭૦૦ કેમેરા લગાવાયા છે. સ્વતંત્રતા દિવસના પગલે આખો દેશ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો છે ત્યારે જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં ૨.૫ કિલોમીટર લાંબી ત્રિરંગા યાત્રા નીકળી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા અને દેશ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. દેશના અનેક રાજ્યોમાં ત્રિરંગા યાત્રા નીકળી રહી છે. તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. તેનાથી એવું લાગી રહ્યું છે દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે.

(9:42 PM IST)