News of Thursday, 15th August 2024
લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમીના પ્રમુખ તરીકે વધુ એક વર્ષ સુધી યથાવત રહેશે:આઈપીએલ કોચિંગને લઈને સસ્પેન્સનો અંત

મુંબઈ: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના પ્રમુખ તરીકે ચાલુ રહેશે. તેઓ વધુ એક વર્ષ સુધી આ પદની જવાબદારી નિભાવી શકે છે. લક્ષ્મણનો પ્રારંભિક ત્રણ વર્ષનો કરાર નવેમ્બર 2021માં શરૂ થયો હતો, જે આ વર્ષે સપ્ટેમ્બરમાં સમાપ્ત થવાનો છે.
49 વર્ષીય લક્ષ્મણ એનસીએના પ્રમુખ તરીકે ચાલુ રહેશે કે કેમ તે અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા હતા કારણ કે એવા અહેવાલો હતા કે તેમને આઈપીએલ ફ્રેન્ચાઈઝી તરફથી મુખ્ય કોચ બનવાની ઓફર મળી હતી. જો કે, લક્ષ્મણ એનસીએ તરીકે ચાલુ રહેતાં, આઈપીએલ કોચિંગને લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે.
VVS લક્ષ્મણને NCAમાં આસિસ્ટન્ટ કોચિંગ ટીમ તરીકે શિતાંશુ કોટક, સાઇરાજ બહુતલે અને ઋષિકેશ કાનિટકરનો સાથ મળી શકે છે. બહુતલે અને કાનિટકરે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સેવા કરી છે જ્યારે કોટક સ્થાનિક ક્રિકેટમાં મોટું નામ છે.
લક્ષ્મણની રાહુલ દ્રવિડની જગ્યાએ NCA ચીફ તરીકે નિમણૂક થઈ હતી. 2021થી અત્યાર સુધી, લક્ષ્મણે ભારતીય ક્રિકેટમાં તમામ સ્તરે ઈજાના સંચાલન, ખેલાડીઓના પુનર્વસન અને કોચિંગ કાર્યક્રમોની પ્રક્રિયાની દેખરેખ રાખી છે.
વીવીએસ લક્ષ્મણે તાજેતરમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારતીય ટીમના મુખ્ય કોચની ભૂમિકા ભજવી હતી. તેઓ અગાઉ આયર્લેન્ડ પ્રવાસ અને શ્રીલંકા પ્રવાસમાં ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. રાહુલ દ્રવિડ બ્રેક પર હતો ત્યારે લક્ષ્મણે ટીમ ઈન્ડિયાને માર્ગદર્શન આપ્યું હતું.
વીવીએસ લક્ષ્મણને ભારતીય ક્રિકેટમાં કોઈ પરિચયની જરૂર નથી. તેણે ભારતીય ક્રિકેટને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. લક્ષ્મણ તેના સમયના શ્રેષ્ઠ મિડલ ઓર્ડર બેટ્સમેનોમાંનો એક હતો અને તેની કારકિર્દી તે સારી રીતે સાબિત કરે છે.
લક્ષ્મણે 134 ટેસ્ટ મેચોમાં 17 સદીની મદદથી 8781 રન બનાવ્યા હતા. તેની સરેરાશ 46ની આસપાસ હતી. આ સિવાય તેણે 86 વનડેમાં છ સદીની મદદથી 2338 રન બનાવ્યા છે.
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
