News of Friday, 23rd August 2024
વૈશ્વિક સંકેતો વચ્ચે બુલિયન માર્કેટમાં પીછેહટ : સોનામાં 350, ચાંદીમાં રૂપિયા 200નો ઘટાડો
US ટ્રેઝરીની ઈલ્ડ્સમાં વધારો થતા અને ડોલર ઈન્ડેક્સમાં રિકવરી થતા કિંમતી ધાતુ પર તેની વિપરીત અસર

મુંબઈ : વિશ્વબજારમાંથી મળેલા સંકેતો વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોના અને ચાંદીના ભાવમાં પીછેહઠ જોવા મળી છે. નવી દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 350 ઘટીને રૂપિયા 73,800 થયા છે, જ્યારે ચાંદીના કીલો દીઠ ભાવ રૂપિયા 200 તૂટીને રૂપિયા 87,000 રહ્યા છે.
US ટ્રેઝરીની ઈલ્ડ્સમાં વધારો થતા તથા ડોલર ઈન્ડેક્સમાં રિકવરી થતા કિંમતી ધાતુ પર તેની વિપરીત અસર થઈ હતી. આ ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના વડા શક્તિકાંત દાસે વર્તમાન નાણાકીય દરો 6.5 ટકાના લેવલ પર સંતુલિત હોવાનું નિવેદન આપ્યું હતું અને આ સ્તરે નીતિ વિષયક દરમાં ઘટાડો ગેરમાર્ગે દોરી શકે છે તેમ માહિતી આપી હતી.
બીજી બાજુ વિશ્વ બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. કોમેક્સ ખાતે સોનાના ઔંસદીઠ ભાવ 18.20 ડોલર ઉછળીને 2,534.90 ડોલર થયા હતા. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 1.24 ટકા ઉછળી 29.84 ડોલર થયા હતા. અમદાવાદ ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 500 તૂટીને રૂપિયા 84,000 થયો છે. જ્યારે સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 74,000 પર સ્થિર રહ્યો છે.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
