News of Saturday, 24th August 2024
કર્ણાટકમાં સિદ્ધારમૈયા જ રહેશે સીએમ, કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી ક્લીનચીટ
રાજ્યપાલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે જમીન ભ્રષ્ટાચારના આરોપમાં કેસ ચલાવવાની મંજૂરી અપાતા વિપક્ષી પાર્ટી ભાજપે મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરૂદ્ધ જમીન ભ્રષ્ટાચારના કેસની હાલ સરકાર પર કોઈ અસર થવાની નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી હાઈકમાન્ડે કર્ણાટકમાં હાલ યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે પાર્ટી નેતૃત્વએ કર્ણાટક કોંગ્રેસના નવા અધ્યક્ષ બદલવાના સવાલોને પણ ફગાવી દીધા છે.
તેથી સિદ્ધારમૈયા રાજ્યના મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર પ્રદેશ અધ્યક્ષ જ રહેશે તે નિશ્ચિત માનવામાં આવે છે. સીએમ અંગેના તાજા વિવાદ બાદ કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ વેણુગોપાલ અને પ્રભારી રણદીપ સુરજેવાલા સાથે સીએમ-ડેપ્યુટી સીએમની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે
. કર્ણાટકમાં વિપક્ષી પાર્ટી ભાજપ સિદ્ધારમૈયા પર સતત પ્રહારો કરી રહી છે. ભાજપનું કહેવું છે કે આરોપો સીધા મુખ્યમંત્રી પર છે, તેથી નૈતિક આધાર પર તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપે સિદ્ધારમૈયા સરકારને કૌભાંડી સરકાર ગણાવી છે અને દાવો કર્યો છે કે તેમનો આખો પરિવાર તેમાં સામેલ છે.
કર્ણાટકનું રાજકારણ ત્યારે ગરમાયું જ્યારે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તાજેતરમાં મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA)ની જમીન સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી. કેસમાં આરોપ છે કે મુડા વતી સીએમની પત્નીને જમીન ફાળવવામાં આવી છે.
રાજ્યપાલે કેસ ચલાવવાની મંજૂરી આપ્યા બાદ સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું છે કે રાજીનામું આપવાનો સવાલ જ નથી. તેમણે તેને ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ રાજ્યપાલના નિર્ણયને કોર્ટમાં પડકારશે.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
