<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

ફીર ધર્મ પર અધર્મ કા પલડા દુઆ ભારી આઓ સુદર્શનચકધારી મનમોહન ગિરધારી : સાંવરે સે મિલને કા જન્માષ્ટમી એક બહાના હૈ, હમ સબ કે હૃદયમેં શ્યામ કા ઠીકાના હૈ

જીનકે આગે નતમસ્‍તક... સારા સંસાર હૈ, એ મેરે ગિરધર તેરી લીલા અપરંપાર હૈ : કનૈયા તુજે આના પડેગા, વચન ગીતાવાલા નિભાના પડેગા : દેવકીને જન્‍મ દિયા, યશોદા મૈયાને પાલા, કારાગૃહમે જન્‍મ હુઆ, વસુદેવ કા લાલા : સમગ્ર રાજકોટ કૃષ્‍ણભકિતમાં ઓળઘોળ : વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા નંદલાલાને લાડ લડાવતુ આયોજન : તા. ૨૬ ઓગષ્‍ટ સોમવારે મવડી ચોકડી ખાતેથી વિરાટ ધર્મયાત્રા (શોભાયાત્રા) પ્રસ્‍થાન કરી પેડક રોડ પર વિરામ પામશે : શહેરમાં કેસરિયા ધજા - પતાકા અને રોશનીનો શણગાર : હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી.... : ના હાર હૈ, ના જીત હૈ, બસ કૃષ્‍ણ કે સંગ પ્રીત હૈ દુનિયામેં ચાહે કિતને ભી રંગ હો, રંગ તો શ્રી કૃષ્‍ણ આપકા ચઢ રહા હૈ : રાધા ઔર કિશન કા મિલન બહાના થા, દુનિયા કો પ્રેમ કા અર્થ સમજાના થા :માનવજીવન એ મહાભારત છે, સંસાર એ કુરુક્ષેત્ર છે પરંતુ ધર્મનો રથ હોય... અભયનું કવચ હોય... શ્રધ્‍ધાની ઢાલ હોય... અનુભવની સેના હોય... આત્‍મવિશ્વાસના શષા હોય... કૃષ્‍ણ નામનું કવચ હોય, ધર્મની ધજા હોય... અને સ્‍વયં હરિ સારથિ હોય તો જીવનના વિષાદમાંથી પ્રગટે છે ગીતાનો મધુર સંવાદ....! જીવનરથની લગામ શ્રીહરિને સોંપવાનું આ અમૃત ચોઘડિયું છે

જય કનૈયાલાલ કી : સૌરાષ્‍ટ્રના પાટનગર રાજકોટમાં હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કીનો ના નારો ગુંજી રહ્યો છે. જુદા જુદા વિસ્‍તારોમાં કેસરિયા ધજા પતાકા અને રોશનીથી સોહામણો શણગાર થયો છે. લોકો લાડકવાયા લાલને આવકારવા થનગની રહ્યા છે. એસ્‍ટ્રોન સિનેમા ચોકમાં ભગવાનના દર્શન અને રોશનીનો ઝળહળાટ છે. કૃષ્‍ણ ગોવાળિયા યુવક મંડળે આયોજન કર્યું છે. :  જય શ્રી કૃષ્‍ણ : રાજકોટ શહેરમાં જન્‍માષ્‍ટમીનો માહોલ જામી રહ્યો છે. પ્રથમ તસ્‍વીર વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા સોમવારે નીકૃનાર દિવ્‍ય - ભવ્‍ય શોભાયાત્રાના મુખ્‍ય રથની રાધાકૃષ્‍ણની મૂર્તિની છે. મૂર્તિના સર્જનને આખરી ઓપ અપાઇ રહ્યો છે. બીજી તસ્‍વીરમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલના હિંડોળા દર્શનની છે. ત્રીજી ગોકુળ મિત્ર મંડળ દ્વારા ચંદ્રેશનગર ચોક મવડી પ્‍લોટની કૃષ્‍ણ દર્શનની કૃતિની છે.

આત્‍મીય ભક્‍તો,

અખિલેશ્વરના આગમનની ઘડીઓ ગણાય રહી છે. સર્વેશ્વર શ્રી કૃષ્‍ણના જન્‍મદિન આડે હવે આવતીકાલનો એક દિવસ રહ્યો છે. સમગ્ર સૌરાષ્‍ટ્રમાં દેવકીનંદનને વધાવવાનો થનગનાટ જોવા મળે છે. તા. ૨૬ સોમવારે આરાધ્‍યદેવ શ્રી કૃષ્‍ણનું પ્રાગટય પર્વ ઉજવાશે. હજારો વર્ષથી ઉજવાતો આ તહેવાર ભકિત અને આનંદનો સંદેશ આપે છે. આ વખતે ભકતો વિશેષ ઉત્‍સાહ સાથે કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. સૌરાષ્‍ટ્રના પાટનગર રાજકોટમાં વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા નીકૃતી પરંપરાગત દર્શનીય ધર્મયાત્રા આ વખતે પણ નીકૃનાર છે. લાલાને લાડ લડાવવા શહેરના અનેક વિસ્‍તારોમાં સોહામણા સુશોભન થઇ રહ્યા છે. જન્‍માષ્‍ટમી પૂર્વે કાર્યાલય ઉદ્‌ઘાટન, ઇનામ વિતરણ અને તાવા પ્રસાદ, કસુંબલ લોકડાયરો વગેરે આયોજન થયેલ. આજે રાત્રે કાન ગોપી રાસોત્‍સવ છે.

કૃષ્‍ણ ભક્‍તોના હૃદયમાં કૃષ્‍ણ છે પણ વર્તમાન સમયમાં અત્‍યાચારો અને અનિચ્‍છનીય ઘટનાઓ વધી રહી છે ત્‍યારે ભગવાન શ્રી કૃષ્‍ણ સાક્ષાત પુનઃ પ્રગટે અને સમાજમાં સૌના કલ્‍યાણ દુઃખ દર્દ દૂર કરવા સાથે સર્વાંગી સુખનો સૂર્યોદય કરે તેવી પ્રાર્થના ભકતો કરી રહ્યા છે. કનૈયા તુજે આના પડેગા, વચન ગીતાવાલા નિભાના પડેગા

સત્‍સંગ - સંતસંગ

આ સૃષ્‍ટિ માનવતાનું મનોહર મંદિર છે. પ્રત્‍યેક માનવ એ મંગલ મંદિરનો યાત્રી છે. તેના પગલે પગલે પાવક જવાલા પ્રગટે છે.

પ્રત્‍યેક નરનારાયણ બની શકે. પ્રત્‍યેક જીવ શિવ બની શકે. પ્રત્‍યેક બિંદુ સિન્‍ધુને પામી શકે. તે માટે પરમપિતા પરમાત્‍મા સૂર્યના સોનેરી કિરણોથી પ્રેરણાનો પૈગામ પાઠવે છે. વાણીને મંત્રની કક્ષાએ લઇ જઇને વિરાટની વાટે મંગલ પ્રસ્‍થાન કરવાનું છે... ભીતરમાં પોઢેલું શુભ તત્‍વ જાગે છે... વાણીના વીંઝણા દ્વારા... સાધનાની ફૂંક દ્વારા... એમાં જો સત્‍સંગ ભળે તો યાત્રા સરળ બને છે... સત્‌ એટલે બ્રહ્મ. એ બ્રહ્મનો સંગ એટલે જ સત્‍સંગ. એવા સત્‍સંગમાં જો સંતસંગ ભળે તો આયખું ધન્‍ય બને... કાયા કૃતાર્થ બને... વસુંધરાનો ફેરો સાર્થક લાગે... શ્રી કૃષ્‍ણ ભગવાનનો જન્‍મોત્‍સવ અણમોલ સત્‍સંગનો અવસર છે.

પુરૂષોત્તમ શ્રીકૃષ્‍ણનો સનાતન સંદેશ

પ્રભુ શ્રીકૃષ્‍ણ પાસે નિરામય, નિર્મળ અને સ્‍ફટિક જેવું પારદર્શક ચિંતન છે જે ભૂતકાળમાં પ્રસ્‍તુત હતું, આજે છે અને કાલે પણ રહેશે. શ્રીકૃષ્‍ણ માનવજાતના પાણીદાર, પ્રેરક, પથદર્શક હતા છે અને રહેશે. માણસ શ્રધ્‍ધાથી ઉન્‍નત મસ્‍તક કરે તો તો એને હસતા, નાચતા, ગાતા - પ્રભુના દર્શન થશે. જીવતરનો બધો જ થાક ઓછો થઇ શકે તેવો જીવતરનો વિસામો એટલે કૃષ્‍ણ. શ્રીકૃષ્‍ણ પારસમણિ છે જે ગોપ, ગોપી, ગાય, ગોવર્ધન, ગોકુળ, વૃંદાવન, વાંસળી સૌને આકર્ષે છે. જય શ્રીકૃષ્‍ણ શબ્‍દએ એક સીડી છે.

જય - બોલવાથી શકિત મળે છે. શ્રી - બોલવાથી લક્ષ્મી મળે છે. કૃષ્‍ણ - બોલવાથી મુકિત મળે છે.

શ્રીકૃષ્‍ણે આવું વિરાટ કાર્ય કર્યું પરંતુ નિમિત બનાવ્‍યો અર્જુનને. જીવનનો કોઇ પ્રશ્ન એવો નથી કે જેનો ઉત્તર ગીતામાં ન હોય. એવી ગીતા જો આપણી જીવનગીતા બની રહે તો આપણા જીવનનો બેડો પાર થઇ જાય. ગીતામાં કર્મયોગ, ભકિતયોગ અને જ્ઞાનયોગના ત્રિવેણી સંગમ છે. ગીતાનું માર્મિક મૂલ્‍યાંકન કરતાં પૂ. ગાંધીજી કહે છે, ‘કર્મ છોડે તે પડે પરંતુ કર્મનું ફળ છોડે તે ચડે.' આવી ગીતા ભારતીય સંસ્‍કૃતિનો મૌલિક દસ્‍તાવેજ છે.

આ ગીતાનું દર્શન જેટલું આજથી પાંચ હજાર વર્ષ પહેલા પ્રસ્‍તુત હતું તેટલું જ આજે પણ છે. વ્‍યકિતથી શરૂ કરીને સમગ્ર વિશ્વ માટે તેમાં પ્રેરણાનું પાથેય છે.

ભાઇ, ભેરૂ અને ભોમિયા બન્‍યા ભગવાન

એવા ભીરૂ બની ગયા અર્જુનને પ્રભુએ પોતાની પ્રેરક વાણીથી ભડવીર બનાવ્‍યો. તેના ભાઇ, ભેરૂ અને ભોમિયા બનીને અર્જુનને ખભે હાથ મૂકી કર્ણનગરી કૃતાર્થ બને એવા પ્રેરણાના પીયૂષનું આકંઠ પાન કરાવ્‍યું. પોતાની પ્રભુતાથી પર થઇને ભેરૂ બની અર્જુનનો રથ હાંકયો. પોતે સિધ્‍ધ કરેલ સ્‍થિતપ્રજ્ઞના લક્ષણો અર્જુનમાં ઉતાર્યા. અર્જુનને નિમિત્ત બનાવીને સમગ્ર માનવ જાતને અમર દસ્‍તાવેજ સમો દિવ્‍ય સંદેશ આપ્‍યો.

ધુંઆધાર વકતા... મૌલિક વિધાયક વિચારક... સનાતન ધર્મ સંદેશ દેનાર ધર્મધુરંધર, પંથ-પ્રકાશને પ્રેરણાના પયગંબર... જેની નાભિવાણી નભોમંડળમાં વિસ્‍તરી અને વિહરી... રાજનીતિજ્ઞના શિરોમણિ અને ધર્મની સ્‍થાપના માટે જલકમલવત્‌ રહીને પોતાનું ધાર્યું અર્જુન પાસે કરાવનાર એવા જગદ્‌ગુરૂ શ્રીકૃષ્‍ણે સમગ્ર વાયુમંડળને ધન્‍ય કર્યું.

આવું નખશિખ... સુંદર... સંઘેડાઉતાર ચિંતન આપીને સમગ્ર માનવ જાતને ઉન્‍નત મુખે ખુદ્દારી અને ખુમારીથી જીવન જીવવાનો દિવ્‍ય સંદેશ દેનાર શ્રીકૃષ્‍ણે અર્જુનને નિમિત્ત બનાવીને વ્‍યાસપીઠને ધન્‍ય બનાવી. વૈદિક વાડગમયને રોશન કર્યું. ભૂલ્‍યા, ભટકયા જીવન પથિકનો જીવનપથ પ્રશસ્‍ત કર્યો.

જન્‍મ જેલમાં પણ ભક્‍તોના મુકિતદાતા

શ્રીકૃષ્‍ણનો જન્‍મ જેલમાં થયો પરંતુ એનું નામ સ્‍મરણ કરવાથી સંસારની જેલમાંથી મુકિત મળે. તેનો રંગ શ્‍યામ પરંતુ તેને ભાવે શ્વેત માખણ, તે ગોપીઓના ચીર હરી શકે અને જરૂર પડે ત્‍યારે હસ્‍તિનાપુરની સભામાં પાંચાલીના ચીર પણ આપે શકે. પોતાની ટચલી આંગળિયે ગોવર્ધન પર્વત ઉંચકી શકે અને છતાં ચહેરા પર ત્રિભુવન મોહક સ્‍મિત શોભે છે. કૃષ્‍ણ ધર્મક્ષેત્ર એવા કુરૂક્ષેત્રના પાંચજન્‍ય શંખ ફુંકીને સૌને જગાડી શકે અને શત્રુઓને સાવધાન પણ કરી શકે. શ્રીકૃષ્‍ણ જેવા સખા સંસારમાં દુર્લભ છે. તે પોતાની પ્રભુતા છોડી અર્જુનનો રથ હાંકે છે. વિદૂરજીને ત્‍યાં ભાજી આરોગે છે, પાંડવોના સૂર્યમેઘ યજ્ઞમાં એઠા પતરાળાં પણ ઉપાડે છે. મહાભારતના ઘમસાણ યુધ્‍ધમાં અર્જુનનું માર્ગદર્શન કરે છે તો થાકેલા અશ્વોની સેવા પણ કરે છે, અને હા... પેલા સુદામાને કેમ ભૂલાય? કૃષ્‍ણસુદામાની જોડી અને એજ છે આદર્શ મૈત્રીનું ગૌરીશિખર...

શ્રીકૃષ્‍ણે વનમાળી બની અઘરોથી વેણુ વગાડી અને ગોપ-ગોપીઓને પ્રેમનું દાન કર્યું, છતાં કરૂણતા જુઓ કે મહાભારતના અંતે યાદવ કુટુંબ કૃષ્‍ણનું કંઇ જ સાંભળતું નથી. બે હાથ ઉંચા કરીને તે પોકાર કરે છે તેમ છતાં કોઇ તેમની વાત સાંભળતુ નથી. નથી લાગતું કે પાંચ હજાર વર્ષ પહેલાનો મોહન (શ્રીકૃષ્‍ણ)ની જેમ વીસમી સદીનો મોહન (મોહનદાસ કરમચંદ ગાંધી) ભારતની આઝાદી પછી, એ આઝાદીના અમૃત આપનાર મહાત્‍મા ગાંધીની વાત પણ કોઇ કોણ  સાંભળે છે !

કૃષ્‍ણ ગોપીઓની માટલી ફોડતા

કૃષ્‍ણ ભગવાનના બાળ સ્‍વરૂપને ભક્‍તો સૌથી વધુ પસંદ કરે છે. કારણ કે આ બાળ સ્‍વરૂપમાં તેમણે અનેક લીલાઓ કરીને ભક્‍તોને ભાવવિભોર કર્યા હતા. તો ચાલો તેમના જન્‍મોત્‍સવ પ્રસંગે યાદ કરીએ તેમની આ બાળલીલાઓને.

યશોદાએ એક વખત જણાવ્‍યું કે ખૂબ માખણ ખાવાથી તેના વાળ બળભદ્ર જેવા લાંબા નહી થાય. આ સાંભળતા જ શ્રીકૃષ્‍ણ એ જણાવ્‍યું કે મને ખબર છે કે આપ મને માખણ-રોટલીની કેમ ના પાડો છો ? યશોદાએ પૂછયું કે કેમ ? કૃષ્‍ણએ જવાબ આપ્‍યો કે બલરામ મને કહેતા હતા કે આપ મારી માતા નથી. એટલે આપ મને માખણ આપતા નથી આ સાંભળતા જ યશોદાએ શ્રી કૃષ્‍ણને છાતી સરસો ચાંપી લીધોઅને માખણ આપ્‍યું અને કહ્યું કે બલરામ ખોટું બોલે છે મારા લાલ.... તુ પણ મારો નટખટ કાનુડો છે.

ગૌપ્રેમી ગોવાળીયો

કૃષ્‍ણને ગાય પ્રત્‍યે અનહદ પ્રેમ હતો દરેક ગાયને શ્રી કૃષ્‍ણના સમયમાં ગોકુળમાં જન્‍મ લેવાનો આવકાર મળતો. શ્રી કૃષ્‍ણ ગાયોને માતા સમજી આદર આપતા. સામે ગાયોને પણ સમાન આદરભાવ હતો. એક દિવસ એક ગાય નંદબાબાને ત્‍યાં ઉભી રહી ગોપાલ બહાર આવે તેની રાહ જોઈ રહી હતી. ગાય પોતાનું દૂધ શ્રી કૃષ્‍ણને આપવાની ઈચ્‍છા ધરાવતી હતી, ગાયને આપોઆપ દૂધ આવી રહ્યું હતું. શ્રી કૃષ્‍ણની ગાય પર નજર પડતાં જ તેમણે તે દૂધ પીવાનું શરુ કર્યુ. યશોદા આ બધું જોઈ રહ્યાં હતા. તેમણે વિચાર્યું કે ગાય કેટલી નસીબદાર છે તેમણે મનોમન ગાયને નમસ્‍કાર કર્યા !

ગોપીઓને માખન ચોરીને જ પરેશાન ન હતા કર્યા તેઓ અન્‍ય રીતે પણ પરેશાન કરતા હતા. ગોપીઓની મટકી ગિલોલથી ફોડીને હસતા હતા. પણ હકીકતમાં એવું હતું કે, કૃષ્‍ણને બાળલીલામાં જ મટકાસુરનો વધ કરવાનો હતો. જે માટલામાં છુપાઈને ફરતો હતો. કૃષ્‍ણનું કર્મ હતું એટલે તેઓ એને શોધવા માટે માટલી ફોડતા. એક વખત માટલી ફૂટી કે મટકાસુરના રામ રમી ગયા.

જન્‍માષ્ટમીના દિવસે આપ સૌ કૃષ્‍ણ ભગવાનની પૂજા કરીએ છીએ. વ્રત ઉપવાસ કરીને રાત્રે ૧૨ વાગ્‍યે કૃષ્‍ણ ભગવાનનો જન્‍મઉત્‍સવ ઉજવો છો અને નટખટ કનૈયાને તમારી મનોકામના માટે પ્રાર્થના પણ કરો છો. કૃષ્‍ણ ભગવાનના બાળ સ્‍વરૂપને ભક્‍તો સૌથી વધુ પસંદ કરે છે. કારણ કે આ બાળ સ્‍વરૂપમાં તેમણે અનેક લીલાઓ કરીને ભક્‍તોને ભાવવિભોર કર્યા હતા. તો ચાલો તેમના જન્‍મોત્‍સવ પ્રસંગે યાદ કરીએ તેમની આ બાળલીલાઓને..

બલરામ અને કૃષ્‍ણ

એક દિવસ યશોદા માખણ બનાવી રહ્યા હતા. અચાનક એ સમયે બલરામ અને શ્‍યામ ત્‍યાં આવી પહોંચ્‍યા શ્રી કૃષ્‍ણએ યશોદાનો ચોટલો પકડી તેમને પોતાના તરફ ખેંચ્‍યા. બલરામ પણ આવું જ વર્તન કરવા માંડયા. બન્‍નેએ જણાવ્‍યું કે પોતે બહુ ભૂખ્‍યા છે અને તેમણે માખણ-રોટલીની માંગણી કરી. યશોદાએ તેમને રસોડામાં જઈ દૂધ અને મીઠાઈ ખાઈ લેવા જણાવ્‍યું પરંતુ શ્રી કૃષ્‍ણએ મીઠાઈ-દૂધ નથી ભાવતા તેમ કહી માખણ-રોટીની માંગણી દોહરાવી પરંતુ યશોદાએ જણાવ્‍યું કે ખૂબ માખણ ખાવાથી તેના વાળ બળભદ્ર જેવા લાંબા નહી થાય. આ સાંભળતા જ શ્રીકૃષ્‍ણ એ જણાવ્‍યું કે મને ખબર છે કે આપ મને માખણ-રોટલીની કેમ ના પાડો છો ? યશોદાએ પૂછયું કે કેમ ? શ્રી કૃષ્‍ણએ જવાબ આપ્‍યો કે બલરામ મને કહેતા હતા કે આપ મારી માતા નથી એટલે આપ મને માખણ આપતા નથી આ સાંભળતા જ યશોદાએ શ્રી કૃષ્‍ણને છાતી સરસો ચાંપી લીધોઅને માખણ આપ્‍યું અને કહ્યું કે બલરામ ખોટું બોલે છે મારા લાલ... તુ પણ મારો નટખટ કાનુડો છે.

મોહનનું અદભૂત નૃત્‍ય

એક દિવસ યશોદા ઘરના નોકરોને કોઈ ઘરકામ સોંપી પોતે માખણ બનાવવા બેઠા હતા આ સમયે કૃષ્‍ણએ આવી પોતે ભૂખ્‍યા હોવાનું જણાવ્‍યું પોતે બહુ કામમાં હોવાથી યશોદાએ શ્રી કૃષ્‍ણને કોઈ કામે વળગાડવાનું નક્કી કર્યું. આથી તેણી કૃષ્‍ણને પોતે કાર્ય પૂર્ણ કરે ત્‍યાં સુધી નૃત્‍ય કરવા જણાવ્‍યું શ્રી કૃષ્‍ણએ વલોણાના અવાજની ધૂન પર નૃત્‍ય કરવાનું શરૂ કર્યું. આ અદભૂત નૃત્‍ય નિહાળવા સ્‍વર્ગની નર્તકીઓ ગોવાલણનો વેશ ધારણ કરી પૃથ્‍વી પર આવી પહોંચી. ગોકુળમાં લોકો પોતાનું કાર્ય અટકાવી નૃત્‍ય જોવા માંડ્‍યા. નૃત્‍ય પૂર્ણ થતાં જ શ્રી કૃષ્‍ણએ યશોદા પાસે ભોજનની માંગણી કરી યશોદાએ શ્રી કૃષ્‍ણને વહાલથી ભેટી પડી અને તેને ભોજન આપ્‍યું. આમ, શ્રી કૃષ્‍ણ પોતાની માંને હંમેશા ખુશ રાખતા.

ગાય પ્રત્‍યેનો પ્રેમᅠ

શ્રી કૃષ્‍ણને ગાય પ્રત્‍યે અનહદ પ્રેમ હતો દરેક ગાયને શ્રી કૃષ્‍ણના સમયમાં ગોકુળમાં જન્‍મ લેવાનો આવકાર મળતો. શ્રી કૃષ્‍ણ ગાયોને માતા સમજી આદર આપતા. સામે ગાયોને પણ સમાન આદરભાવ હતો. એક દિવસ એક ગાય નંદબાબાને ત્‍યાં ઉભી રહી ગોપાલ બહાર આવે તેની રાહ જોઈ રહી હતી. ગાય પોતાનું દૂધ શ્રી કૃષ્‍ણને આપવાની ઈચ્‍છા ધરાવતી હતી, ગાયને આપોઆપ દૂધ આવી રહ્યું હતું. શ્રી કૃષ્‍ણની ગાય પર નજર પડતાં જ તેમણે તે દૂધ પીવાનું શરુ કર્યુ. યશોદા આ બધું જોઈ રહ્યાં હતા. તેમણે વિચાર્યું કે ગાય કેટલી નસીબદાર છે તેમણે મનોમન ગાયને નમસ્‍કાર કર્યા !

કૃષ્‍ણના બંધનની સજાᅠ

અંતે શ્રી કૃષ્‍ણ પકડાઈ ગયા. યશોદાએ તેના તોફાનોથી કંટાળી તેમને પથ્‍થરની ઘંટી સાથે દોરી વડે બાંધી દેવાનું નક્કી કર્યુ. એક દોરડું લઈ તેમણે બાંધવાની શરૂઆત કરી પરંતુ દોરડું ટુંકું પડયુ. બીજું દોરડું લઈ આવ્‍યા પરંતુ તે પણ ટુંકું પડયું આમ, એક પછી એક ઘણા દોરડા લઈ આવતા પણ યશોદા કૃષ્‍ણને બાંધી શક્‍યા નહીં શ્રી કૃષ્‍ણએ જોયું કે માતા થાકી ગયા છે એટલે તેમણે પોતાની જાતને બાંધવા દીધા. શ્રી કૃષ્‍ણને બાંધી યશોદા ઘરકામમાં પરોવાયાં. યશોદાના જતા જ શ્રી કૃષ્‍ણએ પથ્‍થરની ઘંટી સાથે ચાલવાનું શરૂ કર્યું. ઘરની પાછળના ભાગના બગીચામાં પહોંચી ગયા. ત્‍યાં તેમણે બે વૃક્ષ ઉખાડી નાખ્‍યા. આ વૃક્ષો ઘણા સમયથી કૃષ્‍ણની રાહ જોઈ રહ્યા હતા. હકીકતમાં બન્‍ને વૃક્ષો કુબેરના પુત્રો હતા. પરંતુ અભિમાની સ્‍વભાવને કારણે નારદ મુનિનો શ્રાપ લાગતા તેઓ વૃક્ષ બની ગયા હતા.

દ્રોપદીની લાજ બચાવીᅠ

ઈતિહાસમાં ભાઈ બહેનના સંબંધને સાર્થક કરે છે ભગવાન શ્રી કૃષ્‍ણ અને દ્રોપદીનો સંબંધ. કૃષ્‍ણ ભગવાને રાજા શિશુપાલને માર્યો હતો. યુદ્ધ દરમિયાન કૃષ્‍ણની ડાબી આંગળીમાંથી લોહી વહી રહ્યુ હતુ.

તેને જોઈને દ્રોપદી એકદમ દુખી થઈ ગઈ. તેણે પોતાની સાડીનો એક ડુકડો ચીરીને કૃષ્‍ણની આંગળીમાં બાંધ્‍યો જેનાથી તેમનુ લોહી વહેતુ બંધ થઈ ગયુ.

ત્‍યારથી જ કૃષ્‍ણે દ્રોપદીને પોતાની બહેન સ્‍વીકારી લીધી હતી. વર્ષો પછી જયારે પાંડવ દ્રોપદીને જુગારમાં હારી ગયા ત્‍યારે ભરી સભામાં તેનુ ચીરહરણ થઈ રહ્યુ હતુ ત્‍યારે કૃષ્‍ણે દ્રોપદીની લાજ બચાવી હતી.

પાંડવોના દૂત બની

દેખાડયો ચમત્‍કાર

પાંડવોના દૂત બનીને જયારે શ્રીકૃષ્‍ણ દુર્યોધન પાસે પહોંચ્‍યા ત્‍યારે દુર્યોધને શ્રી કૃષ્‍ણને બંદી બનાવવાનો આદેશ આપ્‍યો. તે સમયે શ્રી કૃષ્‍ણે પોતાના દિવ્‍ય સ્‍વરૂપ ધારણ કરીને સમગ્ર સભાને ચોંકાવી દીધી હતી. આ સમયે ભીષ્‍મ અને વિદુરે શ્રી કૃષ્‍ણનો પ્રભુ અવતાર જોયો.ᅠ

શ્રી કૃષ્‍ણની સૌથી ભવ્‍ય લીલા હતી તેમનું વિરાટ સ્‍વરૂપ ધારણ કરીને અર્જુનના જીવન અને મૃત્‍યુના રહસ્‍યનું બોધ આપવો. શ્રી કૃષ્‍ણનું વિરાટ સ્‍વરૂપ સાક્ષાત તેમના પરબ્રહ્મ પરમેશ્વર હોવાનો પુરાવો આપે છે.ᅠ

જય શ્રી કૃષ્‍ણ...

ધર્મ

*  સાચો ધર્મ હૃદયની કવિતા છે. તેમાં જ તમામ સદ્‌ગુણ વિકસી શકે છે.   - જાર્બટે

*  ધર્મ જીવનથી અલગ નથી. જીવન એ જ ધર્મ છે. ધર્મ વિનાનું જીવન મનુષ્‍ય જીવન નથી પરંતુ પશુજીવન છે.              - ગાંધીજી

*  ધર્મ માનવીના અંતઃકરણના વિકાસનું ફળ છે. તેથી ધર્મના પ્રમાણનો આધાર પુસ્‍તક નહીં, અંતઃકરણ છે.

                           - સ્‍વામી વિવેકાનંદ

*  ધર્મ જ મનુષ્‍યનો એક એવો બંધુ છે કે જે મૃત્‍યુ પછી પણ મનુષ્‍યનો સાથી થાય છે.સ્ત્રીપુત્રાદિ બીજા બધા તો શરીરના નાશની સાથે જ જતાં રહે છે.      - વિષ્‍ણુપુરાણ

*  ધર્મજ્ઞાનની પ્રાપ્‍તિ બહારની દુનિયાને જાણવાથી નથી થતી પણ અંદરની દુનિયાને જાણવાથી થાય છે.     - સ્‍વામી વિવેકાનંદ

*  જુદા જુદા ધર્મોનું અધ્‍યયન કર્યા પછી હું એ નિર્ણય પર આવ્‍યો છું કે બધા ધર્મોનું એકીકરણ જરૂરી છે. તેની એક મહાચાવી હોવી જોઇએ. એ મહાચાવી છે - સત્‍ય અને અહિંસા       - ગાંધીજી

*  બે ધર્મો વચ્‍ચે ક્‍યારેય ઝગડો નથી હોતો. બધા ધર્મોનો અધર્મ સાથે જ ઝગડો હોય છે.  - વિનોબા ભાવે

*  પ્રેમભરી ભાષા એ જ ધર્મની ખરી ભાષા છે.       - સેબેટીઅર

*  જે ધર્મ વિધવાના આંસુ લૂછી ન શકે કે અનાથના મુખમાં રોટલીનો ટુકડો મૂકી ન શકે એવા ધર્મમાં મને શ્રધ્‍ધા નથી.                  

- સ્‍વામી વિવેકાનંદ

*  આપણે જાતે મરીને પણ ધર્મનું રક્ષણ કરવાનું છે. - લેંકટેન્‍શિયસ

*  જે ધર્મ સદાચારી જીવન ઉપર ભાર મૂકે છે, જે ધર્મનો પાયો જીવનની પવિત્રતા છે અને એ જેનું શિખર જીવ માત્ર પ્રત્‍યેનો પ્રેમ છે તે ધર્મ જગતનાં સર્વ બંધનમાંથી મુકિત અપાવી શકે છે.

- ગૌતમ બુધ્‍ધ

*  જેનામાં મનુષ્‍યતા નથી, તેનામાં જરા પણ ધાર્મિકતા નથી.

   - અરબી કહેવત

*  જેનું મન ધર્મરત છે તેને દેવ પણ નમન કરે છે. - મહાવીર સ્‍વામી

*  જે ન્‍યાયને અનુકૂળ છે તે કદી ધર્મની વિરૂધ્‍ધ હોઇ ન શકે.

-ગ્‍લેડસ્‍ટન

*  ધર્મનું લક્ષ્ય છે અંતિમ સત્‍યનો અનુભવ. - ડો. રાધાકૃષ્‍ણન્‌

*      યજ્ઞ, દાન અને તપ એ ધર્મના ત્રણ સ્‍તંભો છે. - રામચંદ્ર ડોંગરેજી

ભકિત

*  ઇશ્વર એટલે એવું એક વર્તુળ, જેનું કેન્‍દ્ર સર્વત્ર હોય છે, પણ જેનો પરિઘ ક્‍યાંય હોતો નથી.                          - સેંટ ઓગસ્‍ટાઇન

*  નાસ્‍તિકને મન ઇશ્વર શૂન્‍ય છે, આસ્‍તિકને મન ઇશ્વર પૂર્ણવિરામ છે.       - સ્‍વામી રામતીર્થ

*  ઇશ્વર નિરાકાર છે. પરંતુ તેનાં ગુણ-કર્મ-સ્‍વભાવ અનંત છે.               - દયાનંદ સરસ્‍વતી

*  ઇશ્વર એક જ છે, ભકતો જુદી જુદી રીતે તેને વર્ણવે છે.-ઉપનિષદો

*  ઇશ્વરની કૃપા વગર મનુષ્‍યમાત્ર પ્રયત્‍નથી કંઇ પણ મેળવી શકતો નથી.  - વાયજીદ

*  જ્‍યાં સુધી કામિની અને કંચનનો મોહ છૂટતો નથી ત્‍યાં સુધી ઇશ્વરના દર્શન થઇ શકતા નથી.                  - રામકૃષ્‍ણ પરમહંસ

*  સુખ અને શાંતિની ઇચ્‍છા હોય તો ઇશ્વર પાસે રહો. જે માણસ પ્રાપ્‍ત વસ્‍તુથી સંતુષ્‍ટ રહે છે તથા પોતાના અંતરાત્‍મા અને વિવેકબુધ્‍ધિને પૂછીને જ ડગલું ભરે છે, તે હંમેશા ઇશ્વરની પાસે જ રહે છે.

                                 - ઓરેલિયસ

*  જે પ્રભુની કૃપામાં સાચેસાચ વિશ્વાસ મૂકે છે, તેને માટે એ કૃપા અનંત વહેતી રહે છે.     - શ્રી માતાજી

*  પરમાત્‍મા હંમેશા દયાળુ છે. જે શુધ્‍ધ અંતઃકરણથી તેની મદદ માગે છે તેને તે અવશ્‍ય આપે છે.                     - સ્‍વામી વિવેકાનંદ

*  જ્‍યારે આપણે પરમાત્‍માની વ્‍યાખ્‍યા આપવાનો કે તેનું વર્ણન કરવાનો પ્રયત્‍ન કરીએ છીએ ત્‍યારે ભાષા અને વિચાર બંને આપણને છોડી જાય છે, આપણે મૂર્ખ અને જંગલીની જેમ લાચાર બની જઇએ છીએ.       - એમર્સન

*  લોકો વાતો તો એવી કરે છે કે જાણે તેઓ ઇશ્વરમાં વિશ્વાસ રાખે છે પરંતુ જીવે છે ને વર્તે છે એ રીતે કે જાણે ઇશ્વર છે જ નહિ.

                                     - એસ્‍ટ્રેંજ

*  પરમાત્‍માની શકિત અમર્યાદ છે, માત્ર આપણી શ્રધ્‍ધા જ અલ્‍પ હોય છે. - મહાવીર સ્‍વામી

*  પરમાત્‍મા જેના પર કૃપા કરવા ઇચ્‍છે છે, તેને જ વધુમાં વધુ કષ્‍ટ આપે છે. રોગ, સાંસારિક ક્ષતિ, આત્‍મીય જનનું મૃત્‍યુ, આ સર્વ ભકિતમાર્ગમાં થનારી કસોટીઓ છે. - ગોસ્‍વામી તુલસીદાસ

*  ઇશ્વરનું સ્‍મરણ સર્વ રોગોની એક માત્ર મહાન દવા છે.

               - સ્‍વામી દયાનંદજી

રાસલીલા એટલે શું ?

રાસલીલાના પાંચ અધ્‍યાય છે. આ ‘રાસ પંચાધ્‍યાયી' એ ભાગવતનો પ્રાણ છે. પ્રાણ ન હોય તો શરીરની કિંમત કેટલી ?

રાસલીલા એટલે શું ? રસોનો સમૂહ એટલે રાસ. રાસલીલામાં બધા રસો છે. દર્શન - શ્રવણ - સ્‍પર્શ વગેરે રસો દ્વારા મન-બુધ્‍ધિ અને આત્‍મ સંતુષ્‍ટ થાય છે. પૂર્ણતાને પામે છે. લીલા એટલે શું ? લી - લીન થવું અને લા - પ્રકટ કરવું. રાસલીલા એવી લીલા છે જે પૂર્ણાનંદનો ભાવ પ્રગટ કરે છે. જેનાથી આસુરી વૃત્તિનો નાશ થાય છે અને ઇન્‍દ્રિયો ઉપર વિજય મેળવી નિત્‍યાનંદની પ્રાપ્‍તિ થાય છે.

અતિ આનંદમાં શું કાર્ય થાય ?

વસુદેવે પોતાને ત્‍યાં પુત્ર બનીને પધારેલા ભગવાનના દર્શન કર્યા ત્‍યારે એની આંખો ભીની થઇ ગઇ હતી, તેને ખૂબ આનંદ થયો હતો. અતિ આનંદમાં સામાન્‍ય રીતે ચાર પ્રકારની અસર જોવા મળે છે.

(૧) અતિ આનંદમાં માણસ ગાવા લાગે.

(ર) અતિ આનંદમાં માણસ નાચવા લાગે.

(૩) અતિ આનંદમાં માણસ ઉદાર થઇ જાય, કરકસર ન કરે.

(૪) અતિ આનંદમાં માણસ રડે, તેની આંખો ભીની થઇ જાય.

* સંકલન

ડો. અનિલ દશાણી

* તસ્‍વીરો

સંદીપ બગથરિયા

(11:29 AM IST)