News of Saturday, 24th August 2024
દેશના ઇતિહાસની સૌથી મોટી ઇન્કમ ટેક્સ રેડ! સતત 10 દિવસો રાત-દિવસ ચાલી રોકડ રકમની ગણતરી
રેડને સફળતાપૂર્વક પાર પાડનારા અધિકારીઓનું સરકારે સન્માન કર્યું:રેડને જોનારા કહે છે કે અજય દેવગનની ફિલ્મની જેમ જ્યાં હાથ નાખ્યા ત્યાંથી અગણિત રૂપિયાના ઢગલા નીકળ્યા

નવી દિલ્હી : પૈસાવાળા લોકો ઈન્કમ ટેક્સ રેડ સાંભળીને હચમચી જાય છે. દેશમાં ઘણું કાળું નાણું છે, જેને ડામવા માટે આવકવેરા વિભાગ સમયાંતરે વિવિધ જગ્યાએ રેડો પાડીને ઘણા બધા રૂપિયા અને કિંમતી સામાન ઝડપે છે. આમ તો આપણા દેશમાં અત્યાર સુધીમાં ઘણી બધી રેડ પડી છે, પરંતુ શું તમે જાણો છો કે દેશમાં સૌથી મોટી રેડ કઈ હતી અને તેમાં કેટલી રકમ ઝડપી પાડવામાં આવી હતી?
નાણામંત્રી નિર્મલા સીતારમણે 21 ઓગસ્ટના રોજ આવકવેરા વિભાગની એ ટીમને સન્માનિત કરી હતી, જેણે અત્યાર સુધીની સૌથી મોટી IT રેડ પાડી હતી. ગત વર્ષે ઓડિશામાં એક ડિસ્ટીલરી ગ્રુપ વિરુદ્ધ રેડ દરમિયાન સૌથી વધુ 352 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા
ભારતમાં આવકવેરા વિભાગને 165 વર્ષ પૂર્ણ થવા પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્મલા સીતારમણે ભુવનેશ્વરમાં ઇન્કમટેક્સ ઇન્વેસ્ટિગેશનના પ્રિન્સિપલ ડિરેક્ટર એસ કે ઝા અને એડિશનલ ડિરેક્ટર ગુરપ્રીત સિંહના નેતૃત્વવાળી ઈન્કમ ટેક્સ ટીમને ‘CBDT ઉત્કૃષ્ટતા પ્રમાણપત્ર’થી સન્માનિત કર્યા હતા.
10 દિવસ સુધી ચાલી હતી કાર્યવાહી
ઇન્ડિયન રેવન્યુ સર્વિસીઝ (IRS)ના 2010ની બેચના અધિકારી સિંહે ગત વર્ષે 6 ડિસેમ્બરે ઓડિશા સ્થિત એક ડિસ્ટીલરી ગ્રુપના ઘણા પરિસરોમાં ‘કાર્યવાહી લાયક ખાનગી જાણકારી’ના આધારે રેડ પાડીને મહત્વની ભૂમિકા ભજવી હતી.
નોટો ગણવા માટે મંગાવ્યા 3 ડઝન મશીન
આવકવેરા વિભાગનું આ સર્ચ ઓપરેશન 10 દિવસો સુધી ચાલ્યું હતું. આ દરમિયાન કુલ 351.8 કરોડ રૂપિયાની કેશ મળી આવી હતી. પરિણામે આ દેશમાં ‘કોઈ એક એજન્સીના એક જ અભિયાનમાં સૌથી મોટી જપ્તી’ ગણાઈ હતી.
આવકવેરા વિભાગે આ રેડ દરમિયાન જમીન પર સ્કેનિંગ વ્હીલવાળું મશીન લગાવ્યું હતું, જેથી નીચે ડબાવાયેલા કિંમતી સામાનની તપાસ કરી શકાય. તેમજ ડિપાર્ટમેન્ટે આ રેડમાં ચલણી નોટો ગણવા માટે ત્રણ ડઝન મશીનો મંગાવ્યા હતા. તેમજ નોટો ગણવા માટે વિવિધ બેંકો અને તેના કર્મચારીઓની મદદ લીધી હતી
અત્રે ઉલેલ્ખનીય છે કે બાકી ટેક્સ ડિમાન્ડને લઈને ઈન્કમ ટેક્સ વિભાગે ફરીથી કમર કસી લીધી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 5000 કેસ પર અધિકારીઓને નજર રાખવા માટે કહ્યું છે. કારણ કે તેમની પાસેથી લગભગ 4300000 કરોડ રૂપિયાની રિકવરી થવાની છે.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
