News of Monday, 26th August 2024
શિવાજીની 35 ફૂટ ઊંચી પ્રતિમાનું પીએમ મોદીએ કર્યું હતું અનાવરણ : તોફાની પવનના કારણે 8 મહિનામાં ધરાસાયી
કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે શિવાજીની પ્રતિમા 8 મહિનામાં પડી ગઈ: કહ્યું કે ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં ગયા વર્ષે વડાપ્રધાન મોદી દ્વારા અનાવરણ કરાયેલી છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા આજે ભારે પવનને કારણે તૂટી પડી હતી. પ્રતિમા તુટ્યા બાદ વિપક્ષી પાર્ટીઓએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કામની ગુણવત્તા પર ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે. માલવણ સ્થિત રાજકોટ કિલ્લામાં બપોરે 1 વાગ્યાની આસપાસ પ્રતિમા તૂટી પડી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે નિષ્ણાતો પ્રતિમા તૂટી પડવાનું સાચું કારણ શોધી કાઢશે. તેમણે કહ્યું કે છેલ્લા બે-ત્રણ દિવસમાં જિલ્લામાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયો છે. પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિનો તાગ મેળવવા ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વડા પ્રધાન મોદીએ ગયા વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડેના અવસર પર પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તેમણે કિલ્લા પર આયોજિત સમારંભોમાં પણ ભાગ લીધો હતો
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, એનસીપી (એસપી)ના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી જયંત પાટીલે કહ્યું કે આ ઘટના માટે રાજ્ય સરકાર જવાબદાર છે કારણ કે તેણે યોગ્ય કાળજી લીધી નથી. સરકારે કામની ગુણવત્તા પર ઓછું ધ્યાન આપ્યું. તે માત્ર કાર્યક્રમોના આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રતિમાના અનાવરણ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે વર્તમાન મહારાષ્ટ્ર સરકાર ફક્ત નવા ટેન્ડર બહાર પાડે છે, કમિશન લે છે અને તે મુજબ કોન્ટ્રાક્ટ આપે છે.
શિવસેના (UBT) ધારાસભ્ય વૈભવ નાઈકે પણ કામની કથિત નબળી ગુણવત્તા માટે રાજ્ય સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર જવાબદારી ટાળવાનો પ્રયાસ કરી શકે છે. પ્રતિમાના નિર્માણ અને સ્થાપન માટે જવાબદાર લોકોની પૂછપરછ થવી જોઈએ. મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે કહ્યું કે મારી પાસે આ ઘટના અંગે સંપૂર્ણ માહિતી નથી. બીજી તરફ PWD મંત્રી રવિન્દ્ર ચવ્હાણે કહ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે એ જ જગ્યાએ નવી પ્રતિમા સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે આ મામલાને તાત્કાલિક અને અસરકારક રીતે ઉકેલવા માટે તમામ જરૂરી પગલાં લઈશું
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
