<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

સૌરાષ્ટ્ર કચ્છની વરસાદની સ્થિતિ ઉડતી નજરે : આજે દિવસ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં ૧ થી ૧૦ ઇંચ વરસાદ પડી ગયો : ઓખા બંદરે ત્રણ નંબરનું અને પોરબંદર પોર્ટ ઉપર એક નંબરનું સિગ્નલ ચડાવવામાં આવ્યું : ભારેથી અતિ ભારે વરસાદ સામે તંત્ર સજ્જ

અમદાવાદમાં રાત સુધીમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબકયો: મોરબીના સૌથી મોટા મચ્છુ-ડેમના ૧૦ દરવાજા ૭ ફૂટ ખોલવામાં આવ્યા, ડેમ છલોછલ ભરાઈ ગયો : કૃષ્ણ જન્મોત્સવના પ્રારંભ સાથે જ મધરાત્રે રાજકોટમાં ભારે વરસાદ ફરી શરૂ થયો

કચ્છમાં ગઈ રાત્રે ૧૦ વાગ્યાથી આજે રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ૨૪ કલાકમાં ત્રણથી દસ ઇંચ વરસાદ તૂટી પડ્યો: મોડી રાત્રે જોરદાર ઝાપટા ચાલુ: નાના અને મધ્યમ કક્ષાના ૬૮ ડેમો ઓવરફ્લો: ૭૨ ડેમો ઓવરફ્લો થવાની તૈયારીમાં
ભુજ થી વિનોદ ગાલા જણાવે છે કે કચ્છના માંડવી, નખત્રાણામાં ૧૦ ઈંચ જેવા અતિ ભારે વરસાદ સાથે સમગ્ર કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ, મોટી રાત્રે હજી પણ જોરદાર ઝાપટાઓ ચાલુ, સરકારની રેડ એલર્ટની ચેતવણી વચ્ચે જીલ્લા અને તાલુકા મથકોએ કંટ્રોલરૂમ સાથે તંત્ર સજ્જ: ગઈકાલ રાત્રે ૧૦ થી આજે રાત્રે ૧૦ સુધી ૨૪ કલાકમાં વરસાદના આંકડા: માંડવી, નખત્રાણા ૧૦ ઈંચ, રાપર, મુન્દ્રા ૫ ઈંચ, અંજાર, ભુજ ૪ ઈંચ, ગાંધીધામ, અબડાસા, લખપત ૩ ઈંચ. કચ્છમાં રાત સુધીમાં નાના અને મધ્યમ કક્ષાના ૬૮ ડેમ ઓવરફ્લો થયા. મધ્યમ કક્ષાના ૬ ડેમ તથા નાની સિંચાઈના ૧૭૦ માંથી ૬૧ ડેમ ઓવરફ્લો થયા. બીજા ૭૨ ડેમો ઓવરફ્લો થવાની તૈયારીમાં. નવા પાણીના પગલે ખેડૂતોમાં રાજીપો. 


અમદાવાદમાં મોડી રાત્રે ૧૧ વાગે ધોધમાર વરસાદ શરૂ થયો: દિવસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ચારથી સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો
અમદાવાદમાં આજે સવારે છ વાગ્યાથી રાત્રે ૮ સુધીમાં જુદા જુદા વિસ્તારોમાં ચાર થી સાડા સાત ઇંચ વરસાદ પડી ગયો છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું કેતન ખત્રી જણાવે છે. દરમિયાન અત્યારે રાત્રે ૧૧ વાગે અમદાવાદમાં ફરી ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયાનું સાગર મહેતા જણાવે છે


પોરબંદરના પોર્ટ ઉપર એક નંબરનું સિગ્નલ ચડાવવામાં આવ્યું: સુસ્વાટા મારતો પવન ફૂંકાશે: કોસ્ટ ગાર્ડે સૌરાષ્ટ્રના પાંચેક હજાર માછીમારોને ચેતવણી આપી, કિનારે ચાલ્યા જાવ
પોરબંદર ના પોર્ટ ઉપર એક નંબરનો સિગ્નલ ચડાવવામાં આવ્યું છે અને 40 થી 60 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે તેવી જાણ કરવામાં આવી છે. પોરબંદરમાં કોસ્ટ ગાર્ડ  હાઇ એલર્ટ ઉપર છે. સૌરાષ્ટ્રના ચારથી પાંચ હજાર માછીમાર ભાઈઓને તેમની બોટ કિનારા ઉપર સલામત લાંગરી દેવા જહાજો અને હેલિકોપ્ટર મારફત તાકીદ કરવામાં આવી હોવાનું પરેશ પારેખ જણાવે છે.


અમરેલી પંથકમાં સામાન્ય ઝાપટા થ એક ઇંચ વરસાદ દિવસભરમાં પડ્યો
અમરેલીથી અરવિંદ નિર્મળ જણાવે છે કે આજે  દિવસ દરમિયાન અમરેલી જિલ્લામાં સામાન્ય ઝાપટા થી માંડીને  એકાદ ઈચ જેવો વરસાદ પડી ગયો છે.


રાત સુધીમાં ખંભાળિયામાં ધોધમાર છ ઇંચ વરસાદ પડ્યો: અનેક વિસ્તારમાં પાણી ફરી વળ્યા: દ્વારકામાં બે ઇંચ
રાત્રે ૧૦ વાગ્યે મળતા અહેવાલ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં ધોધમાર વરસાદ. ખંભાળિયામાં છેલ્લા ૪ કલાક માં ૪ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે જ્યારે દિવસ દરમિયાનમાં ૬ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાનું કૌશલ સવજાણી જણાવે છે. ખંભાળિયામાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી વરસાદી પાણી ફરી વળ્યા. ખંભાળિયાના નગર ગેઇટ, જોધપુર ગેટ, મિલન ચાર રસ્તા, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં નદીની જેમ પાણી વહેતા થયા. યાત્રાધામ દ્વારકામાં દિવસ દરમિયાન બે ઇંચ જેટલા વરસાદ ખાબક્યો. દ્વારકાના ભદ્રકાળી ચોક, સહિતના વિસ્તારમાં વરસાદી પાણી વહેતા થયા. જ્યારે ભાણવડ અને કલ્યાણપુર પંથકમાં છુટોછવાયો વરસાદ વરસ્યો..


જામનગર - રાજકોટ હાઇવે ઉપર રાધે હોટલ નજીક ભાલોડીયા ફાર્મવાળી સાઈડમાં મોટો ખાડો પડ્યો: ૩૦ મોટરના ટાયર ફાટ્યા
રાજકોટ જામનગર હાઈવે ઉપર આવેલ રાધે કાઠીયાવાડી હોટલ પાસે ભાલૉડીયા ફાર્મ વારી સાઈડમાં મોટો ખાડો પડેલ છે. જે કોય આવતા હૉય તે ધ્યાન રાખે. લગભગ ૩૦  જેટલી મોટર ગાડીના ટાયર ફાટી ગયાના અહેવાલ વાયરલ થયા છે. 


સુરેન્દ્રનગર પંથકમાં જન્માષ્ટમીના સવારે ૬ થી રાત્રે ૧૦ સુધીમાં દોઢ થી સાડા ચાર ઈંચ વરસાદ ખાબકયો
સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના સવારે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં અલગ અલગ તાલુકામાં દોઢ ઈંચ થી લઈને સાડા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું ટંકારાથી જયેશ ભટાસણા જણાવે છે. ધ્રાંગધ્રા તાલુકામાં સવા ઇંચ, દસાડા તાલુકામાં અઢી ઇંચ, લખતર તાલુકામાં બે ઇંચ, વઢવાણ તાલુકામાં અઢી ઇંચ, મુળી તાલુકામાં દોઢ ઇંચ,  ચોટીલા તાલુકામાં સવા ચાર ઇંચ, સાયલા તાલુકામાં બે ઇંચ, ચૂડા તાલુકામાં બે ઇંચ, લિંબડી તાલુકામાં દોઢ ઇંચ, થાનગઢ તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.


મોરબી જિલ્લામાં સતત ભારે વરસાદના પગલે તમામ ડેમોમાં પાણીની ધૂમ આવક ચાલુ: મોરબીના સૌથી મોટા મચ્છુ-ડેમના ૧૦ દરવાજા ૭ ફૂટ ખોલવામાં આવ્યા, ડેમ છલોછેલ ભરાઈ ગયો, પાણીની જેટલી આવક થાય છે તેટલું છોડવામાં આવે છે
ટંકારાથી જયેશ ભટાસણા જણાવે છે કે મૂડી રાત સુધીમાં મોરબી જિલ્લામાં સતત વરસાદના પગલે જિલ્લાના તમામ ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. જેમાં મોરબીનાં સૌથી મોટા મચ્છુ ૨ ડેમમાં પાણીની આવક સતત વધતા ડેમના દરવાજા વધુ ખોલવાની ફરજ પડી છે. રાત્રે ૮ વાગ્યે પ્રથમ ૪ દરવાજા ૪ ફૂટ ખોલ્યા બાદ રાત્રે ૯.૫૦ વાગ્યે ડેમના ૭ દરવાજા ૫ ફૂટ ખોલાયા બાદ અત્યારે રાત્રે ૧૧ વાગ્યે મચ્છુ ૨ ડેમમાં હજુ પણ ૪૫૩૪૫ કયુસેક ફૂટ પાણીની આવક રહેતા રાત્રે ૧૧ વાગ્યે મચ્છુ ૨ ડેમના ૧૦ દરવાજા ૭ ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે. હાલ ડેમ ૯૮.૯૮ ટકા ભરાયો છે અને ડેમમાં જેટલી પાણીની આવક થાય છે, સામે તેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે.


જૂનાગઢ જિલ્લામાં સવારથી રાત્રે ૧૦ સુધીમાં અડધાથી બે ઈંચ ધીમી ધારે વરસાદ પડ્યો
જુનાગઢ થી વિનુ જોશી જણાવે છે કે જૂનાગઢ જિલ્લામાં સવારે ૬ વાગ્યાથી અત્યારે રાતના ૧૦ વાગ્યા સુધીમાં અડધાથી બે ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં માણાવદર ૩ મીમી ઝાપટા, વંથલી અડધો ઈંચ, જૂનાગઢ અડધો ઈંચ, ભેસાણ એક ઈંચ, વિસાવદર ૨ ઈંચ, મેંદરડા અડધો ઈંચ, કેશોદ ઝાપટા, માંગરોળમાં નીલ, માળીયાહાટીના અડધો ઈંચ વરસાદ થવા પામેલ છે, આ લખાઈ છે ત્યારે રાત્રે ૧૧ વાગે પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

 

ભાવનગર જિલ્લામાં સર્વત્ર ધીમીધારે અડધોથી દોઢ ઇંચ વરસાદ પડ્યો: એનડીઆરએફ ટીમનું આગમન
અત્યારે મોડી રાત્રે ૧૧ વાગ્યે ભાવનગરથી વિપુલ હીરાણી જણાવે છે કે ગોહિલવાડ પંથકમાં આજે જન્માષ્ટમીના તહેવારમાં દિવસભર ધીમી ધારે વરસાદ વરસ્યો છે. સમગ્ર જિલ્લામાં અડધોથી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. વલભીપુરમાં દોઢ ઇંચ ઉમરાળા, મહુવામાં તેમજ સિહોરમાં એક - એક ઇંચ, ભાવનગર શહેર અને પાલીતાણામાં પોણો ઇંચ જ્યારે પાલીતાણા, તળાજા, ઘોઘા, જેસર  પંથકમાં અડધો અડધો ઇંચ વરસાદ પડ્યો છે. દરમિયાન ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમ ભાવનગર આવી પહોંચી છે અને સ્ટેન્ડબાય રખાઈ છે.

 

ઓખા બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ ચડાવવામાં આવ્યું
મોડી રાત્રે મળતા અહેવાલો મુજબ સૌરાષ્ટ્રના ઓખા બંદર ઉપર ત્રણ નંબરનું ભય સૂચક સિગ્નલ ચડાવવામાં આવ્યું છે. ભારે વરસાદ અને તોફાની પવનના પગલે દરિયો ખૂબ જ રફ બને તેવી સંભાવના છે.

 

મોડી રાત સુધીમાં રાજકોટમાં આજે સવારે ૮ થી રાત્રે ૧૦ સુધીમાં વધુ પોણા પાંચ ઇંચ પાણી પડી ગયું: ૪૦ કલાકથી વરસાદ ચાલુ
સવારે ૮ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં રાજકોટમાં પોણા પાંચ ઇંચ વધુ વરસાદ પડી ગયો હોવાનું નીતિન પારેખ જણાવે છે મોડી રાત્રે ૧૧ વાગ્યે ધીમીધારે વરસાદ ચાલુ છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં ત્રણ ઇંચ, કોટડા સાંગાણી, જસદણ અને ગોંડલ તાલુકામાં બે થી અઢી ઇંચ, પડધરી વિંછીયા અને જામકંડોરણામાં દોઢ ઇંચ અને ઉપલેટા ધોરાજી જેતપુરમાં ઝાપટા થી માંડીને એક ઇંચ વરસાદ પડી ગયો છે.

 

કૃષ્ણ જન્મોત્સવના પ્રારંભ સાથે જ મધરાત્રે રાજકોટમાં ભારે વરસાદ ફરી શરૂ થયો

બરાબર રાત્રે ૧૧.૩૦ વાગ્યા પછી રાજકોટમાં વરસાદે જોર પકડવા માંડ્યું અને કૃષ્ણ જન્મોત્સવના સમયે બરાબર બાર વાગ્યે ભારેથી અતિ ભારે વરસાદ રાજકોટમાં પડવાનો શરૂ થયો, જે આ લખાય છે ત્યારે રાત્રે ૧૨.૨૦ કલાકે ધમધોકાર વરસાદ ચાલુ છે..


સવારે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં જામનગર જિલ્લામાં એક થી સાડા ચાર ઇંચ વરસાદ પડી ગયો
જામનગર થી મુકુંદ બદિયાણી જણાવે છે કે જામનગર જિલ્લામાં આજે સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ સુધીમાં જોડીયા તાલુકામાં પોણા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ધ્રોલમાં સાડા ત્રણ ઇંચ, કાલાવડ અઢી ઇંચ, જામનગર અને લાલપુરમાં પણ અઢી ઇંચ જ્યારે જામજોધપુરમાં એક ઇંચ આસપાસ વરસાદ પડી ગયો છે. મોડી રાત્રે આકાશ એકરસ વાદળાથી ઘેરાઈ ગયું છે.

(12:39 AM IST)