<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટરના રેપ અને મર્ડરના વિરોધમાં પશ્ચિમ બંગાળના છાત્ર સમાજ સંગઠને નબન્ના અભિયાનનું આહ્વાન કરતા કોલકાતા અભેદ્ય કિલ્લામાં ફેરવાયુઃ ડ્રોન કેમેરા સાથે કોલકાતા-હાવડામાં 6000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત

કોલકાતા : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટરના રેપ અને મર્ડરના વિરોધમાં પશ્ચિમ બંગાળના છાત્ર સમાજ નામના સંગઠને નબન્ના અભિયાનનું આહ્વાન કર્યું છે. આ સંગઠને આજે એક રેલીનું આયોજન કર્યું છે. જેના પગલે કોલકાતા પોલીસે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે.
જ્યારે ભાજપે પણ આ વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું છે. જ્યારે ડાબેરી પક્ષોએ આ વિરોધ પ્રદર્શનથી પોતાને દૂર રાખ્યા છે. તેમણે કહ્યું છે કે ભાજપ-આરએસએસ દ્વારા લોકોનું ધ્યાન ભટકાવવાનો આ પ્રયાસ છે
નબન્ના અભિયાનને ધ્યાનમાં રાખીને કોલકાતા પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. જેના પગલે 6000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ સિવાય 19 પોઈન્ટ પર બેરીકેટ લગાવવામાં આવ્યા છે. મહત્વના સ્થળોએ 5 એલ્યુમિનિયમ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. નબન્ના ભવનની બહાર ત્રિ- સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોલકાતા પોલીસના જોઈન્ટ કમિશનર મેરાજ ખાલિદ દિવસભર પોલીસ કંટ્રોલ રૂમમાંથી સીસીટીવી ફૂટેજ પર નજર રાખશે.
નબન્ના ભવનની આસપાસ 160 થી વધુ DCRF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્ય સચિવ, ગૃહ સચિવ, ડીજીપી સવારે 10 વાગ્યાથી નબન્ના ભવનમાં રહેશે. સીપી વિનીત ગોયલ પોલીસ હેડક્વાર્ટરના કંટ્રોલ રૂમમાંથી નિયંત્રણ કરશે. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ નબન્ના ભવન પહોંચી શકે છે.
કોલકાતાના વિવિધ જિલ્લાઓમાંથી પહેલેથી જ વધારાના સુરક્ષા દળો બોલાવવામાં આવ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કોમ્બેટ ફોર્સ, આરએએફ, ક્યુઆરટી, એચઆરએફએસ, વોટર કેનન તૈનાત કરવામાં આવશે. પોલીસે નબન્ના અભિયાનના આયોજકો પાસેથી આ રેલીનું નેતૃત્વ કરનારા નેતાઓ વિશે માહિતી માંગી છે. આ ઉપરાંત પોલીસે રેલીમાં રૂટ, સમય અને કેટલા લોકો એકઠા થશે તેની માહિતી પણ માંગી છે. હાલમાં આયોજકોએ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી.
ટીએમસીએ વિપક્ષ પર પ્રહારો કર્યા છે. પાર્ટી પ્રવક્તા કુણાલ ઘોષે ભાજપ પર અશાંતિ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, તેઓ રાજકીય અસ્થિરતા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

(12:11 PM IST)