<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

20 વર્ષ સુધી બેન્કર્સ PM નરેન્દ્ર મોદીને કેમ શોધતા રહ્યા? એક દાયકા જૂનો વીડિયો આજે થઈ રહ્યો છે વાયરલ : જુઓ વિડિયો

લગભગ એક દાયકા પહેલા, પીએમ નરેન્દ્ર મોદીએ તેમના બાળપણનો એક કિસ્સો સંભળાવ્યો હતો : તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે બેંક અધિકારીઓ તેમને 20 વર્ષ સુધી શોધતા રહ્યા

નવી દિલ્હી : પ્રધાનમંત્રી જન ધન યોજના શરૂ થયાને 10 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસર પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર 'Modi Archive' એકાઉન્ટે PM નરેન્દ્ર મોદીની જૂની વીડિયો ક્લિપ શેર કરી છે. જેમાં પીએમ મોદી તેમના સ્કુલના દિવસોની એક ઘટના સંભળાવતા જોવા મળે છે. આ વીડિયો વર્ષ 2014નો છે જેમાં પીએમ મોદી 'પ્રધાનમંત્રી જન ધન યોજના' કાર્યક્રમ દરમિયાન તેમના બાળપણના દિવસોની એક ઘટના જણાવી રહ્યા છે.

પીએમ મોદી કહેતા નજરે પડે છે કે "હું મારા ગામની શાળામાં ભણતો હતો અને તે દરમિયાન 'દેના બેંક'ના લોકો અમારી શાળામાં આવતા હતા. તે પિગી બેંકો આપતા અને પૈસા કેવી રીતે બચાવવા તે સમજાવતા. આ કારણે મેં બેંક ખાતું ખોલાવ્યું. અને મને પિગી બેંક પણ આપવામાં આવી હતી. તે પિગી બેંક ક્યારેય ભરાઈ ન હતી. કારણ કે મારી પૃષ્ઠભૂમિ એવી ન હતી કે હું ક્યારેય તેમાં પૈસા રોકી શકું."

તેમણે આગળ કહ્યું, "ખાતું તો ખોલવામાં આવ્યું, પરંતુ મેં શાળા અને ગામ છોડી દીધું. પરંતુ બેંકના લોકોએ મને શોધવાનું શરૂ કર્યું. કદાચ તેમણે 20 વર્ષ સુધી મારી શોધ કરી કારણ કે તે ખાતું બંધ કરવા માંગતા હતા. ત્યારે જ મને ખબર પડી કે તે દરમિયાન ખાતું બંધ કરાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. પરંતુ, આજે ખાતા ખોલવાના પ્રયાસો થઈ રહ્યા છે અને હું આને ગરીબોના જીવનમાં સૂર્યોદય માનું છું."

વિડિયો શેર કરતી વખતે મોદી આર્કાઈવે 'X' એકાઉન્ટ પર એક કેપ્શન પણ લખ્યું છે. તેમાં લખવામાં આવ્યું હતું કે, 'પાંચ દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં, એક યુવાને શાળાના છોકરાને બચતનું મહત્વ સમજાવીને બેંક ખાતું ખોલાવ્યું હતું. તે સમયે તેને ખ્યાલ નહોતો કે આ તેને ખૂબ જ મહત્વપૂર્ણ પાઠ શીખવશે. એક પાઠ જે બચતનું મહત્વ દર્શાવે છે.'

કેપ્શનમાં આગળ લખવામાં આવ્યું હતું કે, 'પરિવારની આર્થિક સ્થિતિ એવી હતી કે મોટા થયા પછી પણ વિદ્યાર્થી પાસે બેંક ખાતામાં પૈસા જમા કરાવવાનું સાધન નહોતું. સિસ્ટમે દાયકાઓથી બિનઉપયોગી પડેલા ખાતાને બોજ તરીકે જોયા અને તેને બંધ કરવાના સતત પ્રયાસો કર્યા. આખરે 20 વર્ષ પછી તેણે પોતે જ તેને બંધ કરવાનો નિર્ણય લીધો. આ યુવક બીજું કોઈ નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા.

 

(4:27 PM IST)