<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

નખરાબાજ પૂર્વ ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરે હવે હાઈકોર્ટમાં પણ બડાઈ હાંકી

ખેડકરે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પોતાનો જવાબ દાખલ કરતાં કહ્યું કે UPSC પાસે તેની ઉમેદવારીને ગેરલાયક ઠેરવવાની કોઈ સત્તા નથી

નવી દિલ્હી : ખોટી રીતે આઈએએસની નોકરી મેળવીને બરખાસ્ત થનાર પૂર્વ ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરે પણ હાઈકોર્ટમાં પણ બડાઈ હાંકી છે. પૂજા ખેડકરે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ના દાવાઓ પર પ્રતિક્રિયા આપી છે.

  ખેડકરે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પોતાનો જવાબ દાખલ કરતાં કહ્યું કે UPSC પાસે તેની ઉમેદવારીને ગેરલાયક ઠેરવવાની કોઈ સત્તા નથી. પૂજાએ તેના જવાબમાં કહ્યું છે કે એકવાર પ્રોબેશનરી ઓફિસર તરીકે પસંદગી અને નિમણૂક કર્યા પછી, ઉમેદવારની ઉમેદવારીને ગેરલાયક ઠેરવવાની યુપીએસસીની શક્તિ રહેતી નથી.

   પૂજા ખેડકરે કોર્ટમાં કહ્યું છે કે હવે માત્ર કેન્દ્ર સરકારનો ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) જ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. તેણે દાવો કર્યો છે કે 2012-2022 સુધી તેના નામ કે અટકમાં કોઈ ફેરફાર થયો નથી, ન તો તેણે UPSCને પોતાના વિશે કોઈ ખોટી માહિતી આપી છે. UPSCએ મારી ઓળખ બાયોમેટ્રિક ડેટા દ્વારા વેરિફાય કરી છે, 

   કમિશનને મારા દ્વારા સબમિટ કરવામાં આવેલ કોઈપણ દસ્તાવેજ નકલી કે બનાવટી હોવાનું જણાયું નથી. 'મારું શૈક્ષણિક પ્રમાણપત્ર, આધાર કાર્ડ, જન્મ તારીખ અને વ્યક્તિગત માહિતી સહિત અન્ય તમામ વિગતો વિગતવાર અરજી ફોર્મ (DAF) માં સુસંગત રહે છે. પૂજાએ કોર્ટમાં કહ્યું છે કે તેના દ્વારા UPSC સમક્ષ રજૂ કરાયેલા કોઈપણ દસ્તાવેજો નકલી કે બનાવટી નથી અને સક્ષમ અધિકારીઓ દ્વારા જારી કરવામાં આવ્યા છે

   પૂજા ખેડકર 2023 બેચની તાલીમાર્થી IAS હતી. તેણે સિવિલ સર્વિસ પરીક્ષા-2022માં 841મો રેન્ક મેળવ્યો હતો. તેની તાલીમ જૂન 2024થી મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) માં ચાલી રહી હતી. તેના પર અનામતનો લાભ મેળવવા માટે UPSCને પોતાના વિશે ખોટી માહિતી આપવાનો આરોપ છે. તેના પર તેની ઉંમર અને માતા-પિતા સંબંધિત ખોટી માહિતી આપવા, તેની ઓળખ બદલવા, નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વખત સિવિલ સર્વિસની પરીક્ષા આપવા, નકલી જાતિ અને વિકલાંગતા પ્રમાણપત્ર રજૂ કરવાનો આરોપ છે. UPSCએ તેની ઉમેદવારી રદ કરી નાખી છે

  આ મામલામાં UPSC દ્વારા તેમની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે અને તેમના પર ધરપકડનો ખતરો તોળાઈ રહ્યો છે. પૂજા ખેડકર અગાઉ તેની ધરપકડ પર રોક લગાવવા માટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી હતી. પરંતુ કોર્ટે 1 ઓગસ્ટ, 2022ના રોજ તેમને રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી તેણે 8 ઓગસ્ટ 2022ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. 12 ઓગસ્ટના રોજ દિલ્હી હાઈકોર્ટે પૂર્વ તાલીમાર્થી IASની ધરપકડ પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો. તેણે કોર્ટમાં આગોતરા જામીનની માંગણી કરી છે. હવે આ કેસમાં આગામી સુનાવણી 29 ઓગસ્ટના રોજ થવાની છે

પૂજા ખેડકર ત્યારે પ્રકાશમાં આવી કે જ્યારે નોકરીમાં જોડાતાં પહેલા તેણે વીઆઈપી સુવિધાની માગ કરતો મેસેજ કર્યો હતો જે વાયરલ થયો હતો. તેણે ઓફિસ, ગાડી, અલગ કેબિન સહિતની ઘણી સુવિધાઓ માગી હતી. મામલો છેક ટોપ સુધી ગયો હતો અને દેશમાં તેની ખૂબ ચર્ચા થઈ હતી.

(9:41 PM IST)