<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

આસામને ધમકી આપવાની હિંમત કેમ થઇ ?બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર સીએમ સરમાના પ્રહાર

સીએમએ કહ્યું- અમને લાલ આંખ ન બતાવો. તમારી નિષ્ફળતાની રાજનીતિથી ભારતને બાળવાનો પ્રયાસ ન કરો. વિભાજનકારી ભાષા બોલવી તે તમને અનુકૂળ નથી.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને ચોટદાર જવાબ આપ્યો. તેમણે મમતા બેનર્જીના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, તમારી હિંમત કેવી રીતે થઈ આસામને ધમકી આપવાની? આસામના અન્ય મંત્રીઓએ પણ બંગાળના મુખ્યમંત્રીના નિવેદનની નિંદા કરી હતી.

કોલકાતામાં એક જાહેર સભા દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતામાં એક મહિલા ડૉક્ટરની હત્યાની ઘટનાની આડમાં બંગાળમાં આગ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો તમે બંગાળને સળગાવશો તો આસામ, ઉત્તર-પૂર્વ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને દિલ્હી સહિત અન્ય રાજ્યો પણ સળગી જશે. તમારી ખુરશી પણ હલબલી જશે.

  મમતા બેનર્જીના આ નિવેદન બાદ આસામના મુખ્ય હિમંતા બિસ્વા સરમાએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એક્સ પર પોસ્ટ કર્યું કે દીદી, આસામને ધમકી આપવાની તમારી હિંમત કેવી રીતે થઈ. અમને લાલ આંખ ન બતાવો. તમારી નિષ્ફળતાની રાજનીતિથી ભારતને બાળવાનો પ્રયાસ ન કરો. વિભાજનકારી ભાષા બોલવી તે તમને અનુકૂળ નથી.

આસામના જળ સંસાધન મંત્રી પીયૂષ હજારિકાએ કહ્યું કે, તે અમને ધમકી આપી શકે નહીં. તે તેના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને નિયંત્રિત કરી શકતી નથી અને અમને ધમકી આપી રહી છે. આસામમાં આવું નહીં થાય. તેમણે કહ્યું કે, હું મમતા બેનર્જીને વિનંતી કરવા માંગુ છું કે તેઓ ખૂબ જ વરિષ્ઠ નેતા છે અને લાંબા સમયથી સીએમ છે, તેમને ખબર હોવી જોઈએ કે જાહેરમાં કેવી રીતે બોલવું. જ્યાં સુધી અહીં ભાજપની સરકાર છે અને હિમંતા બિસ્વા સરમા સીએમ છે ત્યાં સુધી આસામમાં આવું કંઈ નહીં થાય.

આરજી કરની ઘટના સામે દેશભરમાં ગુસ્સો છે. દિવસના મધ્યમાં, પ્રદર્શનકારીઓએ રાજ્ય સચિવાલય 'નબન્ના' સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો ત્યારે ઘણી જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણ થયું. કોલકાતા અને હાવડાની શેરીઓમાં મોટા પાયે હિંસા થઈ હતી. રાજ્યભરમાં 200થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે

(10:00 PM IST)