<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

સાસુ - સસરાની સેવા વહુ ન કરે તો તે ક્રૂરતા નથી : હાઇકોર્ટે પતિની છુટાછેડાની અરજી ફગાવી

પ્રયાગરાજ તા. ૩૦ :  અલ્‍હાબાદ હાઈકોર્ટે પોતાના એક મહત્‍વના ચુકાદામાં કહ્યું કે, વહુ દ્વારા સાસુ-સસરાની યોગ્‍ય દેખરેખ ન રાખવી એ ક્રૂરતા નથી. કોર્ટે આ આધાર પર પતિને પત્‍નીથી છુટાછેડા આપવાની ના પાડી દીધી. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, આ કેસ ત્‍યારે વધારે નબળો થઈ જાય છે, જયારે પત્‍ની પર આરોપ લગાવનારો પતિ ખુદ પોતાના મા-બાપથી અલગ રહેતો હોય અને પત્‍નીને તેની સેવા તથા યોગ્‍ય દેખરેખની આશા રાખતો હોય. અલ્‍હાબાદ હાઈકોર્ટે આ દલીલોના આધાર પર અરજી દાખલ કરનારા પતિની અરજીને રદ કરી દીધી છે. કોર્ટે તેની સાથે જ મુરાદાબાદ ફેમિલી કોર્ટના પ્રિન્‍સિપલ જજના ચુકાદાને પણ યથાવત રાખ્‍યો છે.

હકીકતમાં જોઈએ તો, જયોતિષ ચંદ્ર થપલિયાલ પૂર્વમાં પોલીસ અધિકારી હતા. તેમના લગ્ન દેવેશ્વરી થપલિયાલ સાથે થયા હતા. કામના અર્થે તે પોતાના માતા-પિતાથી અલગ રહેતા હતા. આ દરમ્‍યાન તેઓ ઈચ્‍છતા હતા કે તેમની પત્‍ની તેની સાથે રહેવાની જગ્‍યાએ તેમના માતા-પિતા એટલે કે સાસુ સસરા સાથે રહે. તેમની સેવા અને યોગ્‍ય દેખરેખ રાખે. પત્‍ની દેવેશ્વરી ઈચ્‍છતી હતી કે તે પોતાના પતિ સાથે રહે.

આરોપ અનુસાર, જયોતિષ ચંદ્ર થપલિયાલે મુરાદાબાદ ફેમિલી કોર્ટમાં પત્‍નીથી છુટાછેડા માટે કેસ કર્યો હતો. આરોપ લગાવ્‍યો હતો કે, પત્‍ની તેના માતા-પિતાની યોગ્‍ય દેખરેખ રાખતી નથી. યોગ્‍ય દેખરેખ ન રાખવાના કારણે તેના વ્‍યવહારને ક્રૂરતાથી જોવામાં આવે અને તેની છુટાછેડાની અરજીને મંજૂર કરવામાં આવે. આ કેસમાં લાંબી સુનાવણી બાદ મુરાદાબાદ ફેમિલી કોર્ટે પતિની અરજીને ફગાવી દીધી. ફેમિલી કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, પતિ ખુદ પોતાના માતા-પિતા સાથે રહેતો નથી. તે તેમનાથી અલગ રહે છે. ત્‍યારે આવા સમયે પત્‍ની દ્વારા તેમની સાથે રહેવાની ના પાડવી પતિની મનમરજી અનુસાર, તેમની યોગ્‍ય દેખરેખ ન કરવી કોઈ ક્રૂરતા નથી. અને છુટાછેડાનો આધાર પણ બનતો નથી. ૨૦૦૮માં ફેમિલી કોર્ટે આ કેસને ફગાવી દીધો હતો.

પતિ જયોતિષ ચંદ્ર થપલિયાલે મુરાદાબાદ ફેમિલી કોર્ટના આ ચુકાદાને અલ્‍હાબાદ હાઈકોર્ટમાં ફર્સ્‍ટ અપીલ દ્વારા પડકાર આપ્‍યો હતો. તેમણે અપીલમાં કોર્ટના ચુકાદાને રદ કરી છુટાછેડાને મંજૂર કરવાની અપીલ કરી હતી. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, પતિ અથવા પત્‍નીના વૃદ્ધ માતા-પિતાની દેખરેખ કરવામાં નિષ્‍ફળતા એ પણ ત્‍યારે જયારે પતિ અથવા પત્‍નીએ પોતાના વૈવાહિક ઘરથી દૂર રહેવાનો વિકલ્‍પ પસંદ કર્યો હોય, ક્‍યારેય પણ ક્રૂરતા માની શકાય નહીં. દરેક ઘરમાં શું સ્‍થિતિ હોય શકે, તેના વિશે વિસ્‍તારથી તપાસ કરવી અથવા તેના સંબંધમાં કોઈ કાયદો અથવા સિદ્ધાંત નિર્ધારિત કરવો ન્‍યાયાલયનું કામ નથી. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના ચુકાદાને યથાવથ રાખ્‍યો અને પતિની અરજી રદ કરી દીધી.

(10:27 AM IST)