<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

નાણાકીય સંકટગ્રસ્‍ત સ્‍પાઇસજેટે ૧૫૦ કર્મચારીઓને રજા પર મોકલ્‍યા

કંપની છેલ્લાં છ વર્ષથી ખોટમાં ચાલી રહી છે અને હવે કર્મચારીઓને પગાર ચૂકવવો પણ મુશ્‍કેલ થઈ રહ્યો છે

નવી દિલ્‍હી, તા.૩૧: રોકડના સંકટથી ઝઝૂમી રહેલી સ્‍પાઇસજેટે ઘોષણા કરી હતી કે કંપનીએ હંગામી રીતે ૧૫૦ કેબિન ક્રૂ સભ્‍યોને ત્રણ મહિના માટે રજા પર મોકલી દીધા છે. કંપનીના પ્રવક્‍તાએ કહ્યું હતું કે જ્‍યારે આ કર્મચારીઓ પરત કામ પર ફરશે, ત્‍યારે તેમના સ્‍વાગત માટે કંપની સંપૂર્ણ રીતે સજ્જ હશે અને રજા દરમ્‍યાન પણ કર્મચારીઓને ટેકો આપવા માટે કંપની તેમની સાથે ઊભી છે. 

કંપની છેલ્લાં છ વર્ષથી ખોટમાં ચાલી રહી છે અને હવે કર્મચારીઓને પગાર ચૂકવવો પણ મુશ્‍કેલ થઈ રહ્યો છે. એવિયેશન વોચડોગ ડિરેક્‍ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ થોડા સમય પહેલાં એના પર નિગરાની વધારી દીધી હતી. DGCAએ હાલમાં એક ઓડિટમાં કેટલીક ખામીઓનો પણ ખુલાસો કર્યો હતો. ફ્‌લાઇટ રદ થવાને કારણે અને નાણાકીય મુશ્‍કેલીઓના રિપોર્ટ્‍સ આવ્‍યા પછી DGCAએ આશરે ત્રણ સપ્તાહ પહેલાં એનું સ્‍પેશિયલ ઓડિટ કર્યું હતું.

એરલાઇન, વિમાન પટ્ટેદારો, એન્‍જિન પટ્ટેદારો લેણદારો અને ભૂતપૂર્વ પ્રમોટર કલાનિધિ મારનનાં બાકી લેણાંની ચુકવણીની કાનૂની દાવપેચમાં ફસાયેલી છે.

એરલાઇને કહ્યું હતું કે કંપનીએ ૧૫૦ કેબિન ક્રૂ સભ્‍યોને હંગામી રીતે ત્રણ મહિના માટે રજા પર મોકલવાનો મુશ્‍કેલ નિર્ણય લીધો છે.કંપનીને વેપાર કરવા માટે ફંડની સખત જરૂર છે અને કંપની વિમાન લીઝ પર આપતી કંપની સહિત કેટલાય વેન્‍ડર્સને પેમેન્‍ટ સમયસર નથી કરી શકી અને એને પગલે કંપનીની વિરુદ્ધ નાદારીની અરજી દાખલ કરવામાં આવી છે.

કંપનીનો માર્કેટ શેર ચાર ટકા નીચે આવ્‍યો છે, કેમ કે ૨૨ વિમાન જ ચાલુ છે અને ૩૦થી વધુ એન્‍જિન અને સ્‍પેરપાર્ટ્‍સની અછતને કારણે બંધ પડ્‍યાં છે. કંપનીની આવકમાં જૂન ત્રિમાસિકમાં પણ ૧૫ ટકા ઘટાડો થયો છે.

(10:20 AM IST)