<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

ઓહો... હવે લોકોને ‘હોમ લોન' આપશે મુકેશ અંબાણી

જિયો ફાઇનાન્‍સ લીમીટેડનું એલાન : પ્રોપર્ટી સામે પણ લોન આપશે

મુંબઇ તા. ૩૧ : મુકેશ અંબાણીની કંપની જિયો ફાઇનાન્‍સિયલ સર્વિસની નોન-બેંકિંગ ફાઇનાન્‍સિયલ કંપની જિયો ફાઇનન્‍સ લિમિટેડે એક મોટી જાહેરાત કરી છે.વાસ્‍તવમાં, કંપનીએ કહ્યું કે તે હોમ લોન સેવા શરૂ કરવાના અંતિમ તબક્કામાં છે. તે ટેસ્‍ટ (બીટા) તરીકે શરૂ કરવામાં આવ્‍યું છે. આ સિવાય કંપની અન્‍ય પ્રોડક્‍ટ્‍સ પણ રજૂ કરવા જઈ રહી છે જેમ કે એસેટ્‍સ સામે લોન, સિક્‍યોરિટી સામે લોન.

વાર્ષિક સામાન્‍ય સભામાં શેરધારકોને સંબોધતા, કંપનીના મેનેજિંગ ડિરેક્‍ટર અને ચીફ એક્‍ઝિક્‍યુટિવ ઓફિસરે હિતેશ સેઠિયાએ કહ્યું - અમે હોમ લોન લોન્‍ચ કરવાના અંતિમ તબક્કામાં છીએ, જે ટ્રાયલ ધોરણે શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્‍યું હતું કે જિયો ફાઇનાન્‍સ લિમિટેડે પહેલેથી જ બજારમાં સુરક્ષિત લોન પ્રોડક્‍ટ્‍સ રજૂ કરી છે જેમ કે સપ્‍લાય ચેઇન ફાઇનાન્‍સિંગ, મ્‍યુચ્‍યુઅલ ફંડ્‍સ સામે લોન અને ઇક્‍વિપમેન્‍ટ ફાઇનાન્‍સિંગ માટે એન્‍ટરપ્રાઇઝ સોલ્‍યુશન્‍સ.

Jio ફાઇનાન્‍શિયલ સર્વિસિસના શેરની વાત કરીએ તો તે ૩૨૧.૭૫ રૂપિયા પર છે. ગઇકાલે શેર ૧.૨૧% ઘટીને બંધ થયો હતો. એપ્રિલ ૨૦૨૪માં આ શેર રૂ. ૩૯૪.૭૦ પર પહોંચ્‍યો હતો. આ શેરની ૫૨ સપ્તાહની ઊંચી સપાટી છે. જયારે ઓક્‍ટોબર ૨૦૨૩માં શેરની કિંમત ૨૦૪.૬૫ રૂપિયા હતી. આ શેરનું ૫૨ સપ્તાહનું નીચલું સ્‍તર છે.

કંપનીને તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેંક તરફથી કી ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કંપની તરીકે કામ કરવાની પરવાનગી મળી છે. રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડથી અલગ કંપની તરીકે સૂચિબદ્ધ Jio ફાયનાન્‍સિયલ સર્વિસિસ, રોકાણ અને ધિરાણ, વીમા બ્રોકિંગ, પેમેન્‍ટ્‍સ બેન્‍કિંગ અને પેમેન્‍ટ પ્‍લેટફોર્મ સેવાઓના વ્‍યવસાયમાં સંકળાયેલી છે.

Jio Financial Services Limitedનો નફો જૂન ક્‍વાર્ટરમાં છ ટકા ઘટીને ૩૧૩ કરોડ રૂપિયા થઈ ગયો છે. કંપનીએ એક વર્ષ અગાઉના સમાન ક્‍વાર્ટરમાં રૂ. ૩૩૨ કરોડનો નફો કર્યો હતો

(12:18 PM IST)