<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

ભારતમાં ફરી એકવાર કોરોનાની થશે એન્ટ્રી :સામનો કરવા રહેવું પડશે તૈયાર :વધુ એક લહેરની નિષ્ણાતો દ્વારા આશંકા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ભારતના અનેક રાજ્યોમાં 279 કેસો નોંધાયા:કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં આસામ, નવી દિલ્હી, ગુજરાત, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશનો સમાવેશ

નવી દિલ્હી :નોઈડાના શિવ નાદર યુનિવસિર્ટીના વાયરોલોજિસ્ટ પ્રોફેસર દીપક સહગલે એક ન્યુઝ એજન્સીને જણાવ્યું કે ભારતમાં ફરી એક વાર કોરોનાના કેસ જોવા મળી શકે છે. જેથી અત્યારથી જ સાવધાની રાખવી શરૂ કરી દેવી જોઈએ. જો કે ભારતની સ્થિતિ એટલી ગંભીર નથી. પરંતુ તેનો સામનો કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે.

WHOના રિપોર્ટ પ્રમાણે ભારતમાં જૂનથી જુલાઈ સુધી કોરોનાના 908 કેસ નોંધાયા. જેમાં બે લોકોના મોત થયા. દુનિયામાં આ વાયરસથી લગભગ 26 ટકા મોત થયા છે અને 11 ટકા કોરોનાના કેસમાં વધારો થયો છે.

આ વખતે કોવિડનો KP વેરિએન્ટ સામે આવ્યો છે, તે ઓમિક્રોન સાથે સંબંધિત છે.જાન્યુઆરીમાં પહેલીવાર ઓમિક્રોનનો કેસ સામે આવ્યો હતો. ડિસેમ્બર 2023માં પહેલીવાર ઓડિશામાં KP વેરિયન્ટ જોવા મળ્યો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતના અનેક રાજ્યોમાં 279 કેસો નોંધાયા છે. સાથે જ કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં આસામ, નવી દિલ્હી, ગુજરાત, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.

અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે અમેરિકાની હોસ્પિટલોમાં હાલમાં 4 હજારથી વધુ લોકો દાખલ છે. ઉપરાંત દક્ષિણ કોરિયામાં પણ મોટી સંખ્યામાં કોવિડ કેસ નોંધાઈ રહ્યા છે.

(1:15 PM IST)