હાશ... ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની શકયતા નથીઃ આજે અને આવતીકાલે છુટાછવાયા વિસ્તરોમાં વરસાદ પડી શકેઃ હવામાન ખાતુ
વાવાઝોડુ ‘અસના’ ઉતર-પૂર્વ અને ઉતર-પશ્ચિમ અરબી સમુદ્ર પર પશ્ચિમ તરફ આગળ વધશે, નબળુ પડીને ડીપ્રેશનમાં પરિવર્તીત થશે

નવ દિલ્હીઃ હવામાન વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, 'અસના ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર પર પશ્ચિમ તરફ આગળ વધવાની અને 1 સપ્ટેમ્બરની સવાર સુધી તેની તીવ્રતા જાળવી રાખવાની સંભાવના છે. આ પછી, 2 સપ્ટેમ્બર 2024 ની સવાર સુધીમાં, તે ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર પર ધીમે ધીમે નબળું પડીને ડિપ્રેશનમાં બદલાઈ જશે.'
સાથે જ હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની અપેક્ષા નથી. ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઘણી તબાહી થઈ છે. પરંતુ હવે ગુજરાતની જનતાને થોડી રાહત મળવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. IMDના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય પણ ભારે વરસાદનું રેડ એલર્ટ નથી. આ સાથે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં અસના ચક્રવાતનું સંકટ પણ ટળી ગયું છે. ચક્રવાત ઓમાન તરફ આગળ વધી ગયું છે.
હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ પાંચ દિવસને લઇને આગાહી બહાર પાડી છે જે અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને લઈ કોઈ જ એલર્ટ નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના એકાદ બે જિલ્લાઓ અને વડોદરા તેમજ પંચમહાલમાં ચોક્કસ દિવસોએ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે.
1 સપ્ટેમ્બરે વડોદરા, છોટાઉદેપૂર, પંચમહાલ, નર્મદા અને દાહોદમાં યલો એલર્ટ અપાયું છે એટલે કે આ જિલ્લાઓના છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. 2 સપ્ટેમ્બરે ભરૂચ, નર્મદા, આણંદ, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ, તેમજ વડોદરા અને છોટા ઉદેપૂરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
