તા. ૧૮ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 3rd September 2024
પીએમ મોદી જેને મળવા બ્રુનેઇ જાય છે તેના સુલ્તાન પાસે સોનાનો મહેલ : ૭૦૦ કાર : વિમાનનો કાફલો
સુલ્તાન પાસે ૨.૮૮ લાખ કરોડની સંપત્તિ : મહેલમાં ૧૭૦૦ રૂમ : ૨૫૭ બાથરૂમ : પ સ્વીમીંગ પુલ છે

નવી દિલ્હી, તા.૩: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી બ્રુનેઈની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે. પીએમ મોદી સુલતાન હાજી હસનલ બોલ્કિયાના આમંત્રણ પર બ્રુનેઈ દારુસલામ જવાના છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ, વેપાર અને રોકાણ, ઉર્જા સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. તમને જણાવી દઈએ કે બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયા દુનિયાના સૌથી અમીર લોકોમાંથી એક છે અને તેમની લાઈફસ્ટાઈલ એકદમ લક્ઝુરિયસ છે. બોલકિયા પાસે ૭૦૦૦ કાર ઉપરાંત પ્રાઈવેટ જેટનું કલેક્શન છે.
સુલતાન હાજી હસનલ બોલ્કિયાએ ૧૯૬૭માં બ્રુનેઈની ગાદી સંભાળી, જ્યારે તેઓ માત્ર ૨૧ વર્ષના હતા. બોલકિયા પરિવાર ૬૦૦ વર્ષથી ૪.૫ લાખની વસ્તી ધરાવતા બ્રુનેઈ પર શાસન કરે છે અને સુલતાન હાજી હસનલ બોલ્કિયા શાહી પરિવારના ૨૯મા વારસદાર છે. તેઓ બ્રુનેઈના વડા પ્રધાન, વિદેશ પ્રધાન અને સંરક્ષણ પ્રધાન પણ છે.
બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા પાસે અપાર સંપત્તિ છે. ફોર્બ્સ અનુસાર ૨૦૦૯માં હસનલની સંપત્તિ ૧.૩૬ લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. જો કે, તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે તેમની સંપત્તિ ૨.૮૮ લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે.
સુલતાનની આવક કયાંથી આવે છે?
બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયાની આવકનો સૌથી મોટોસ્ત્રોત તેલના ભંડાર અને કુદરતી ગેસ છે. તમને જણાવી દઈએ કે બ્રુનેઈમાં તેલ અને કુદરતી ગેસનો ભંડાર છે.
બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયાનો ૨૦ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો મહેલ છે, જેનું નિર્માણ ૧૯૮૪માં થયું હતું. દાવો કરવામાં આવે છે કે તેમનો મહેલ ‘ઇસ્તાના નુરુલ ઇમાન પેલેસ' વિશ્વનો સૌથી મોટો છે અને તેનું નામ ગિનિસ બુકમાં પણ નોંધાયેલું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુલતાનના મહેલની કિંમત ૨૨૫૦ કરોડ રૂપિયાથી વધુ છે.
સુલતાનના મહેલ ઈસ્તાના નુરુલ ઈમાન પેલેસમાં ૧૭૦૦ રૂમ, ૨૫૭ બાથરૂમ, ૫ સ્વિમિંગ પૂલ અને ૧૧૦ ગેરેજ છે. આ મહેલનો ગુંબજ ૨૨ કેરેટ સોનાથી જડાયેલો છે. આ ઉપરાંત મહેલની દિવાલો પણ સોનાથી જડેલી છે.
બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયાને પણ કારનો ઘણો શોખ છે અને તેમની પાસે લગભગ ૭૦૦૦ કાર છે. આમાં ૬૦૦ Rolls Royce, ૩૦૦ Ferraris, ૧૩૪ Koenigseggs, ૧૧ McLaren F1s, ૬ Porsche ૯૬૨ MS અને ઘણી જગુઆર કારનો સમાવેશ થાય છે. આ કારોને રાખવા માટે તેમના મહેલમાં ૧૧૦ ગેરેજ બનાવવામાં આવ્યા છે. બ્રુનેઈના સુલતાનના ૨૦૦ ઘોડાઓ માટે એરકન્ડિશન્ડ સ્ટેબલ પણ છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
