<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

૪ સિસ્‍ટમ્‍સ સક્રિય : ૪ દિ'ભારે : વાલિયામાં ૧૮ ઇંચ

હવે ‘આફત'નો વરસાદ : રાજયના અનેક વિસ્‍તારોમાં ભારે વરસાદની આગાહી : રેડ - યલો - ઓરેન્‍જ એલર્ટ જાહેર : ૨૪ કલાકમાં ૧૮૩ તાલુકામાં વરસાદ : દક્ષિણ ગુજરાત ઉપર મેઘતાંડવ : સુરત - વાપી - ભરૂચ - ડાંગ - માંગરોળ - સોનગઢ - વ્‍યારા સહિત ઠેરઠેર ભારે વરસાદ

નવી દિલ્‍હી, તા.૩: ગુજરાતમાં આજે સવારે ૧૦ વાગ્‍યા સુધીમાં ૧૪૪ તાલુકામાં મેઘમહેર થઈ છે. સોમવારથી શરૂ થયેલા વરસાદના વધુ એક રાઉન્‍ડે ભરૂચમાં તબાહી મચાવી છે. ગઈકાલથી આજે સવારે ૧૦ વાગ્‍યા સુધીમાં ભરૂચના વાલિયામાં ૧૮ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂકયો છે. જ્‍યારે નેત્રંગમાં પણ ૯ ઈંચ જેટલો વરસાદ વરસ્‍યો છે. જાણો આજે કયાં તાલુકામાં કેટલો વરસાદ ખાબકયો છે. હવામાન નિષ્‍ણાતોના અનુસાર રાજ્‍યમાં હાલ એકસાથે ચાર સિસ્‍ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને મધ્‍ય ગુજરાતના જીલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્‍યું છે. ડીપ ડિપ્રેશન, શિયર ટ્રફ, મોનસૂન ટ્રફ અને શિયર ઝોન સિસ્‍ટમ એક્‍ટિવ થતા ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્‍યમાં અત્‍યારે ૧૦ નદીઓ અને ૧૩૨ જળાશયોમાં પાણી ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. ૨૦૬ જળાશયો સંપૂર્ણ ભરાઈ ચુકયા છે. ભરૂચ, નર્મદામાં વરસાદનું ઓરેન્‍જ એલર્ટ  આપવામાં આવ્‍યું છે. હવામાન વિભાગે વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદમાં ભારે વરસાદને લઈ ચેતવણી આપી છે.

ગુજરાતમાં સોમવારના રોજ ૧૮૩ તાલુકામાં વરસાદ વરસ્‍યો હતો. એમાં પણ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી હતી.ભરૂચના વાલિયામાં ૧૧.૭ ઈંચ વરસાદ ખાબકયો હતો. ભરૂચની સાથે તાપી, ભરૂચ, ડાંગ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ થયો હતો.

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્‍ડ શરૂ થયો છે. ગઈકાલે શ્રાવણ મહિનાની સમાપ્તિ સાથે જ વરસાદ સમગ્ર ગુજરાતમાં ત્રાટકયો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદના આગમનથી સુરત, ભરૂચ, નવસારી, તાપી, વલસાડ, ડાંગ જીલ્લો વરસાદમાં સંપૂર્ણ ભીંજાઈ ગયો હતો. વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગામી ૫ દિવસ ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્‍યક્‍ત કરી છે. IMDના આંકડા મુજબ ૨૦૨૪માં સરેરાશ ૩૯.૨૭ ઈંચ વરસાદ વરસ્‍યો છે. આજથી ૯ સપ્‍ટેમ્‍બર સુધી મેઘરાજાનો કહેર રહેશે.

રાજ્‍યમાં ફરી એકવાર ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકામાં સૌથી વધુ ૧૮ ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો છે. જ્‍યારે, તાપીના સોનગઢમાં ૧૦ ઇંચ અને વ્‍યારા તાલુકામાં ૯ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગત ૨૪ કલાકમાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ સરેરાશ ૬ ઇંચ કરતા પણ વધારે, જ્‍યારે સમગ્ર તાપી જિલ્લામાં ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો છે.

તાલુકાની વાત કરીએ તો, સુરતના માંગરોળ, ડાંગના વઘઇ, નર્મદાના તિલકવાડા, તાપીના ઉચ્‍છલ અને ભરૂચ તાલુકામાં ૭ ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો છે. સાથે જ, તાપીના ડોલવણ, ડાંગના સુબિર, ખેડાના નડિયાદ અને નવસારીના વાંસદા તાલુકામાં ૬ ઈંચથી વધુ વરસાદ ખાબકયો છે. જ્‍યારે, મહીસાગરના લુણાવાડા અને ખેડાના કપડવંજ તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

આ ઉપરાંત પંચમહાલના મોરવા હડફ અને ગોધરા, વડોદરાના કરજણ, સાબરકાંઠાના હિંમતનગર અને પ્રાંતિજ, નર્મદાના નાંદોદ અને ગરુડેશ્વર, ડાંગના આહવા, તાપીના વાલોડ, ખેડાના કઠલાલ, મહીસાગરના વિરપુર, અરવલ્લીના બાયડ ઉપરાંત મહેસાણા તાલુકામાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ, રાજ્‍યના આશરે ૨૨ તાલુકામાં ૩ ઇંચથી વધુ, ૩૯ તાલુકામાં ૨ ઇંચથી વધુ, ૪૫ તાલુકામાં ૧ ઇંચથી વધુ તેમજ ૪૮ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્‍યના કુલ ૧૮૩ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૦૩ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્‍યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૬ ટકાથી વધુ નોંધાયો છે. કચ્‍છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૭૯ ટકા કરતા પણ વધારે અને ત્‍યારબાદ સૌરાષ્‍ટ્ર ઝોનમાં ૧૨૫ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૧૭ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્‍ય ગુજરાતમાં ૧૧૩ ટકાથી વધુ, જ્‍યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૯૫ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

(3:08 PM IST)