<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

કેનેડામાં હવે વિઝીટર વર્ક પરમીટની સુવિધા બંધ

ર૮મી ઓગસ્‍ટથી નિયમ લાગુ કરાયો : જુની અરજીઓ ધ્‍યાનમાં લેવાશે ચૂંટણી પહેલા વિઝામાં ચૂંટણી કાપ મુકાયો

નવી દિલ્‍હી, તા. ૪ : ગુજરાત અને દેશભરમાંથી મોટી સંખ્‍યામાં લોકો કેનેડા જતાં હોય છે. આ તરફ હવે કેનેડા જતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્‍યા છે. વાસ્‍તવમાં હવે કેનેડાની સરકાર તેના મુલાકાતીઓને આપવામાં આવતી મોટી સુવિધાઓ બંધ કરી રહી છે. કેનેડા સરકારના ઈમિગ્રેશન યુનિટ ધ ઈમિગ્રેશન, રેફયુજીસ એન્‍ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)એ આ સંબંધમાં માહિતી જાહેર કરી છે. આ દેશ હવે વિઝિટર વર્ક પરમિટની સુવિધા બંધ કરી રહ્યો છે. આ નવો નિયમ ૨૮ ઓગસ્‍ટ ૨૦૨૪થી લાગુ કરવામાં આવ્‍યો છે.

અગાઉના નિયમ હેઠળ વિઝિટર વિઝા પર કેનેડા જતા લોકોને ત્‍યાં કામચલાઉ ધોરણે કામ કરવાની છૂટ હતી. આ માટે તેમને ત્‍ય્‍ઘ્‍ઘ્‍ કેનેડા દ્વારા વિઝિટર વર્ક પરમિટ આપવામાં આવી હતી. પરંતુ હવે ટ્રુડો સરકારે કેનેડા વિઝિટર વિઝા પર રહેતા લોકો માટે કામકાજના નિયમો કડક બનાવ્‍યા છે. આનો અર્થ એ છે કે મુલાકાતીઓ કેનેડામાં હોય ત્‍યારે વર્ક પરમિટ માટે અરજી કરી શકશે નહીં.

વાસ્‍તવમાં આ નિયમ ઓગસ્‍ટ ૨૦૨૦માં કોવિડ -૧૯ રોગચાળા દરમિયાન રજૂ કરવામાં આવ્‍યો હતો. તે સમયે ઘણા લોકો કેનેડામાં અટવાઈ ગયા હતા અને પાછા જઈ શકયા ન હતા. તેથી સરકારે તેમને કેનેડામાં રહીને કામ કરવાની મંજૂરી આપી. આ નિયમ અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં સમાપ્ત થવાનો હતો પરંતુ થોડા દિવસોની છૂટ આપવામાં આવી હતી. હવે આખરે ૨૮મી ઓગસ્‍ટથી તેનો અમલ કરવામાં આવ્‍યો છે.

જો કે, IRCC એ સ્‍પષ્ટ કર્યું છે કે ૨૮ ઓગસ્‍ટ, ૨૦૨૪ પહેલા આવેલી તમામ અરજીઓને જૂના નિયમો અનુસાર જ ગણવામાં આવશે. નિષ્‍ણાતો માને છે કે, કેનેડામાં આવતા ઇમિગ્રન્‍ટ્‍સની સંખ્‍યા ઘટાડવાનો આ બીજો રસ્‍તો છે. તાજેતરમાં ‘ટેમ્‍પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ' હેઠળ ઓછા વેતનના સ્‍થળાંતર કરનારાઓની ભરતી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. કેનેડામાં ઘરની વધતી કિંમતો, આરોગ્‍ય સેવાઓ પર દબાણ અને ચૂંટણી જેવા અનેક કારણોને લીધે સરકાર આવા નિર્ણયો લઈ રહી છે.

કેનેડામાં ચૂંટણી પહેલા વિઝિટર અને ટેમ્‍પરરી વિઝામાં ધરખમ કાપ મુકાયો છે. ચૂંટણી પહેલા ઈમિગ્રન્‍ટ્‍સની ઘટાડવાનો આશય હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. કેનેડામાં મકાનો અને ચીજવસ્‍તુઓના ભાવ વધારા માટે ઈમિગ્રન્‍ટ્‍સને જવાબદાર ઠેરવાઈ રહ્યા છે. જો આપણે આંકડાની વાત કરીએ તો જુલાઈમાં કેનેડાએ સ્‍ટુડન્‍ટ, વર્ક અને ટુરિસ્‍ટ મળી ૫૮૫૩ના વિઝા રિજેક્‍ટ કર્યા હતા. જાન્‍યુઆરી ૨૦૧૯ પછી રિજેક્‍શનનો આ સૌથી મોટો આંકડો હતો.

(12:13 PM IST)