<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

પાકિસ્તાનનું ફરી ચસ્કી ગયું :જૂનાગઢને ગણાવ્યો પોતાનો ભાગ:કહ્યું- ભારતે કર્યો છે ગેરકાયદે કબજો

વિદેશ મંત્રાલયની પ્રવક્તા મુમતાઝ ઝહરા બલૂચે જૂનાગઢને લઈને નિવેદન આપ્યું

નવી દિલ્હી : વિશ્વભરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા જાણીતું પાકિસ્તાને જૂનાગઢને લઈને હાસ્યાસ્પદ વાત કહી છે, પાકિસ્તાને જૂનાગઢને પોતાનો ભાગ ગણાવ્યો છે, એટલું જ નહીં ભારતે તેના પર ગેરકાયદે કબજો કર્યો છે તેવા વાહિયાત નિવેદનો પણ આપ્યા છે. જિયો ટીવી મુજબ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મુમતાઝ ઝહરા બલૂચે જૂનાગઢને લઈને એક નિવેદન આપ્યું છે.

મુમતાઝે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જૂનાગઢને લઈને પાકિસ્તાનનું નીતિગત નિવેદન હંમેશા સ્પષ્ટ રહ્યું છે. મુમતાઝે કહ્યું કે- જૂનાગઢ પાકિસ્તાનમાં ભળી ગયું હતું. પાકિસ્તાન આ મામલે ઐતિહાસિક અને કાયદાના પરિપ્રેક્ષ્યમાં જુએ છે. જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ હતો અને ભારતનો તેના પર ગેરકાયદે કબજો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય માનદંડોનું ઉલ્લંઘન છે.

મુમતાઝે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન હંમેશાથી રાજનીતિક અને કૂટનીતિક મંચો પર જૂનાગઢના મુદ્દાને ઉઠાવતું રહ્યું છે. તેઓ આ મુદ્દે શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છે છે. તેમણે વધુમાં કહ્યું, પાકિસ્તાન જૂનાગઢના મુદ્દાને પણ જમ્મુ કાશ્મીરની જેમ જ અધૂરો એજન્ડા માને છે. આ પ્રેસ કોન્ફરન્સમાં મુમતાઝે બાંગ્લાદેશ પર પણ નિવેદન આપ્યું અને બાંગ્લાદેશની સાથે પાકિસ્તાન મજબૂત સંબંધ વિકસિત કરશે તે વાત પર ભાર આપ્યો અને કહ્યું કે, આ બંને સરકારના સહયોગથી વધુ યોગ્ય બનશે.

પાકિસ્તાન પહેલા પણ જૂનાગઢને લઈને ખોટા દાવાઓ કરી ચુક્યું છે. વર્ષ 2020માં પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન ઈમરાન ખાને નવો પોલિટિકલ મેપ જાહેર કર્યો હતો જે બાદ ભારતે તેનો જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. પાકિસ્તાને જ્યાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખને પોતાના ગણાવ્યા હતા તો જૂનાગઢને પણ સામેલ કર્યું હતું. જે બાદ ભારતીય વિદેશ મંત્રાલયે એક સત્તાવર નિવેદનમાં કહ્યું હતું કે, અમે પાકિસ્તાનનો તથાકથિત રાજકીય નકશો જોયો છે જે વડાપ્રધાન ઈમરાન ખાને જાહેર કર્યો છે. આ રાજનીતિક મૂર્ખતાની એક કવાયત છે જેમાં ભારતીય રાજ્ય ગુજરાત અને અમારા કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખના ક્ષેત્રો પર અપુષ્ટ દાવાઓ કરાયા છે. આ હાસ્યાસ્પદ દાવાની ન તો કાયદેસરની માન્યતા છે કે ન તો આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા.

(12:06 AM IST)