<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

બાંટવા પાસે ૧.૧૫ કરોડના દાગીના-રોકડની લૂંટ

અમદાવાદના બે સેલ્‍સમેન ટાયર બદલાવતા હતા ત્‍યારેઃ અઢી કિલો સોનાના, ૫ કિલો ચાંદીના દાગીના તથા રોકડ સહિત ૧,૧૫,૮૦,૦૦૦ની મતાની લૂંટ કરનાર ત્રિપુટીની શોધખોળઃ છરીની અણીએ કારમાં બેસાડી લૂંટ ચલાવી ૩ શખ્‍સ ટુવ્‍હીલર પર નાસી ગયાઃ એસપી હર્ષદ મહેતાનો બાંટવા ખાતે પડાવ, સઘન તપાસ, નાકાબંધી, અન્‍ય જિલ્લાની પોલીસ કામે લાગી

 (વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૬: જુનાગઢ જિલ્લાના બાંટવા પાસે રાત્રે અમદાવાદના બે સેલ્‍સમેનને છરી બતાવી અને ધમકી આપી અઢી કિલો સોનાના તથા પાંચ કિલો ચાંદીના દાગીના અને રૂપિયા ૨.૬૬ લાખની રોકડને લૂંટ ચલાવીને નાસી ગયેલા શખ્‍સોને ઝડપી લેવા માટે પોલીસે એડીચોટીનું જોર લગાવ્‍યું છે.

રાત્રિની આ ઘટનાના પગલે એસપી હર્ષદ મહેતાએ દોડી જઈને બાટવા ખાતે પડાવ કર્યો છે. લૂંટ ચલાવીને ટુવ્‍હીલર પર નાસી ગયેલા ત્રણ શખ્‍સને ઝડપી લેવા માટે એલસીબી, એસઓજી સહિતની બ્રાન્‍ચો તેમજ ૧૦ થી વધારે પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તપાસના કામે લાગ્‍યો છે. જુનાગઢ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના અન્‍ય વિસ્‍તારોમાં પણ નાકાબંધી કરીને લૂંટારૂઓને પકડવા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

સનસનીખેજ લૂંટના બનાવની વિગતો એવી છે કે, અમદાવાદની કલા ગોલ્‍ડના સેલ્‍સમેન યાજ્ઞિકભાઈ ધર્મેન્‍દ્રભાઈ જોશી તથા ધનરાજ મોરારશા ભાંડગે અમદાવાદથી જીજે ૦૧ ડબલ્‍યુકે ૩૯૧૯ નંબરની કારમાં સોના ચાંદીના દાગીનાનું વેચાણ કરવા માટે આવ્‍યા હતા.

ગઈકાલે બંને સેલ્‍સમેન જુનાગઢની એક હોટલમાં રોકાયા હતા. બપોરે બન્ને જૂનાગઢની બજારમાં વેપારીઓને મળી બાદમાં કારમાં માણાવદર જવા નીકળ્‍યા હતા. અને માણાવદર ખાતે જવેલર્સના વેપારી પાસે અગાઉનું પેમેન્‍ટ બાકી હોય જેથી તેમની પાસેથી રોકડા રૂપિયા ૨.૪૬ લાખ કુતિયાણા જવા માટે સાંજે ૬ વાગ્‍યે નીકળ્‍યા હતા. અને કુતિયાણા ખાતે વેપારી સાથે સોના ચાંદીના દાગીના બાબતે વાતચીત કરી સાંજે ૭ વાગ્‍યે બાટવા જવા માટે ચૌટા વણાંક પાસે આવ્‍યા હતા અને બાટવાથી થોડે દૂર હતા.

ત્‍યારે કારમાં સેન્‍સર બતાવતું હોય જેથી યાજ્ઞિકભાઈએ કાર ઉભી રાખી ચેક કરતા પંચર જેવું લાગ્‍યું હતું. આથી બંને સેલ્‍સમેન કારનું ટાયર બદલતા હતા ત્‍યારે રાત્રે ૮ વાગ્‍યાની આસપાસ ટુ વ્‍હીલર પર આવેલ એક અજાણ્‍યા ઈસમે તમે અહીંયા શું કરો છો કેમ કહી ગાળો બોલવા લાગ્‍યો હતો અને યાજ્ઞિકભાઈ સાથે મારામારી કરવા લાગ્‍યો હતો આ દરમિયાન પાછળથી ચાલીને છરી સાથે આવેલા ૨ અજાણ્‍યા શખ્‍સે યાજ્ઞિકભાઈને કારમાં બેસવાનું કહી અને કારની પાછળની સીટમાં કાળા કલરના થેલામાં રહેલ અઢી કિલો સોનાના ઘરેણા, પાંચ કિલો ચાંદીના ઘરેણા અને રૂપિયા ૨.૭૧ લાખની રોકડ સહિત કુલ રૂપિયા ૧,૧૫,૮૦,૦૦૦ના મુદ્દામાલ સાથેના થેલાની લૂંટ ચલાવી ધમકી આપી ત્રણેય શખ્‍સ ટુ વ્‍હીલર પર બાંટવા તરફ નાસી ગયા હોવાની કેફિયત સેલ્‍સમેને આપી હતી.

આ અંગેની જાણ થતાં એસપી હર્ષદ મહેતા સહિતના પોલીસ અધિકારીઓ સ્‍થળ પર દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, પોરબંદર જિલ્લામાં નાકાબંધી

જૂનાગઢઃ બાંટવા પાસે રાત્રે થયેલી રૂપિયા ૧.૧૫ કરોડથી વધુના મુદ્દામાલની લુંટના બનાવ અનુસંધાને રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્‍ય, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી જિલ્લામાં નાકાબંધી સાથે તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ તમામ વિસ્‍તારોના સીસીટીવી કેમેરા ખંખોળવામાં આવી રહ્યા છે.

(10:49 AM IST)