<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

મધરાતથી વહેલી સવારના ટ્રેન મુસાફરી ટાળજો : ગોરેગાંવ અને કાંદિવલી વચ્ચે છઠ્ઠી લાઇનનું કામ ચાલુ : દસ કલાકનો જમ્બો બ્લોક

આજ રાત્રિથી દસ કલાક બ્લોક :વહેલી સવારે પશ્ચિમ રેલવેમાં ટ્રાવેલ કરનારા પ્રવાસીઓ માટે સવાર મુશ્કેલીજનક રહી શકે

મુંબઈ :પશ્ચિમ રેલવેમાં અત્યારે ગોરેગાંવ અને કાંદિવલી વચ્ચે છઠ્ઠી લાઇનનું કામ ચાલી રહ્યું હોવાથી દસ કલાકનો જમ્બો બ્લોક લેવામાં આવી રહ્યો છે. આજે ગણેશોત્સવના રાતના બાર વાગ્યાથી રવિવારે સવારે દસ વાગ્યા સુધી બ્લોક રહેશે. એટલે વહેલી સવારે પશ્ચિમ રેલવેમાં ટ્રાવેલ કરનારા પ્રવાસીઓ માટે સવાર મુશ્કેલીજનક રહી શકે છે.

લોંગ ડિસ્ટન્સમાં ટ્રાવેલ કરનારા પ્રવાસીઓએ ખાસ કરીને અન્ય વિકલ્પ પર ધ્યાન આપીને મુસાફરી કરે તો સારું રહી શકે છે. દસ કલાકના બ્લોક પછીના સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનો રાબેતા મુજબ દોડાવવામાં આવશે.
રાતના બાર વાગ્યાથી પશ્ચિમ રેલવેમાં બોરીવલીથી ગોરેગાંવ સુધીની અપ સ્લો લાઇનની તમામ લોકલ ટ્રેનોને અપ ફાસ્ટ લાઇન પર દોડાવવામાં આવશે.

આ ઉપરાંત, ડાઉન સ્લો રૂટ પરની તમામ ટ્રેનોને અંધેરીથી ડાઉન ફાસ્ટ લાઈનમાં ડાઈવર્ટ કરવામાં આવશે. એના સિવાય અમુક ટ્રેનોને ગોરેગાંવ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર સાત પર દોડાવવામાં આવશે, એમ પશ્ચિમ રેલવેની અખબારી યાદીમાં જણાવ્યું હતું.

  મુંબઈ સબર્બન રેલવેમાં રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણા માટે વિશેષ બ્લોક હાથ ધરવામાં આવશે, તેથી પશ્ચિમ રેલવેમાં ટ્રાવેલ કરનારા પ્રવાસીઓ માટે તહેવારનો દિવસ હાલાકીભર્યો રહી શકે છે. પશ્ચિમ રેલવેમાં દસ કલાક અને મધ્ય રેલવેની મેઈન લાઈનમાં કોઈ બ્લોક રહેશે નહીં, પરંતુ આજે નાઈટ બ્લોક રહેશે.

(11:24 PM IST)