<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

તા. ૮ સપ્ટેમ્બર નું હવામાન અપડેટ : બંગાળની ખાડીમાં રહેલી વેલમાર્ક લૉ પ્રેશર સિસ્ટમ આજે સવારે વધુ મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાઈ - વેધર એનાલીસ્ટ ગૌરવ રાણીંગા

ગુજરાતમાં 11 - 12 - 13 સપ્ટેમ્બર દરમ્યાન અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ અને ખૂબ છૂટાછવાયા અમુક વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા

રાજકોટ : વેધર એનાલીસ્ટ ગૌરવ રાણીંગા ના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં રહેલી વેલમાર્ક લૉ પ્રેશર સિસ્ટમ આજે સવારે વધુ મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને હાલ ઉતર આંધ્રપ્રદેશ લાગુ ઓરિસ્સાના કાંઠે સ્થિત છે, જે આગામી 24 કલાકમાં વધુ મજબૂત થઈ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયને પશ્ચિમ - ઉતર પશ્ચિમ દિશામાં આગળ વધી ઓરિસ્સા તેમજ છત્તીસગઢ લાગુ વિસ્તારો ઉપર આવશે. આગામી દિવસોમાં આ સિસ્ટમ મજબૂત રહે અને મુખ્યત્વે ઉતર પશ્ચિમ દિશામાં આગળ વધી, મધ્યપ્રદેશ લાગુ પૂર્વ રાજસ્થાન તેમજ લાગુ ઉતર પ્રદેશના વિસ્તારો સુધી આવે તેવી શક્યતા છે.

સિસ્ટમ સીધી ગુજરાત ઉપર ન આવે પણ અગાઉની અપડેટમાં કહ્યા મુજબ સિસ્ટમને લાગુ UAC 3.1 કિમી થી 5.8 કિમી ઊંચાઈ સુધી વિસ્તરેલું રહેશે, જે સિસ્ટમની દક્ષિણ - પશ્ચિમ દિશામાં પશ્ચિમ મધ્યપ્રદેશના વિસ્તારો ઉપર ઢળેલું રહે અને સિસ્ટમનો 700 hpa ઊંચાઈનો ટ્રફ ગુજરાતના વિસ્તારો સુધી લંબાઈ શકે છે. જેને લઇને ગુજરાતમાં 11 - 12 - 13 સપ્ટેમ્બર દરમ્યાન અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ અને ખૂબ છૂટાછવાયા અમુક વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે. વરસાદના વધુ વિસ્તારો ગુજરાત રીજિયન બાજુ રહે તેમજ સૌરાષ્ટ્ર કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં ઝાપટાં છૂટોછવાયો હળવો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.

અગાઉ જણાવ્યા મુજબ હાલ પાકિસ્તાન અને તેને લાગુ પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારો ઉપર મીડ લેવલે એન્ટી સાયકલોન બની રહ્યું છે, જે આગામી દિવસોમાં વધુ મજબૂત થઈ શકે. આ એન્ટી સાયક્લોન આ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ રહી હોવાનું સુચવે છે. આગાહીના સમયગાળા દરમ્યાન આ એન્ટી સાયકલોન વધુ મજબૂત થાય તો સિસ્ટમના ટ્રફ઼ની સ્થિતિ પણ બદલાઇ શકે, સરવાળે આગાહીમાં પણ ફેરફાર થાય, પરંતુ હાલ આપણે ઉપર જણાવ્યા મુજબની શક્યતા જોઈ રહ્યા છીએ. પરિબળોની અનુકૂળતા જોતા 13 સપ્ટેમ્બર પછી પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા નકારી શકાય નહીં.

આજે અને આવતીકાલે હજુ ગુજરાત રીજીયનમાં ઘણા સ્થળે ઝાપટાં અને કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે. સૌરાષ્ટ્રમાં દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં ખૂબ છૂટોછવાયો હળવો વરસાદ અને બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આંશિક વરાપ સાથે છૂટાછવાયા હળવા ભારે ઝાપટા પડવાની શક્યતા.

નોંધ: આગાહી હાલના વેધર ચાર્ટના એનાલીસિસના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થઈ શકે છે.

 

(3:52 PM IST)