<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

GST નહીં ભરનાર વેપારીઓની વિગત એકત્ર કરવા તૈયારી

GSTની હજી વધુ આવક થાય એ માટે માઇક્રો લેવલે કામ થશેઃ જરૂર પડયે કડક પગલાં પણ ભરાશે : રિવર્સ ચાર્જ મિકેનિઝમનો વ્‍યાપ વધારીને આવકની સાથે નાના વેપારીઓની વિગતો પણ મેળવવામાં આવશે

મુંબઇ,તા. ૧૯: જીએસટીના દાયરામાં કેટલા નાના વેપારીઓ આવે છે તે માટેની વિગતો એકત્ર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. જીએસટી નંબર નહીં લેનારાઓની સંખ્‍યા ઘણી મોટી હોવાથી તેઓ દ્વારા પણ જીએસટી ચોરી કરવામાં આવી રહી હોવાની આશંકાના આધારે જ આ વિગતો મેળવીને આગામી દિવસોમાં તે માટેના પણ પગલાં ભરવામાં આવે તેવી શક્‍યતા છે. જીએસટીમાં રિવર્સ ચાર્જ મિકેનિઝમ (આરસીએમ)નો વ્‍યાપ વધારવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. નાના વેપારીઓ પાસેથી જોબવર્ક કરાવતા હોવાથી અથવા તો અન્‍ય કોઇ પણ કામ કરાવવામાં આવે તો તે માટે જોબવર્ક કરાવનારાઓ પાસેથી

આરસીએમ વસૂલ કરવાનો નિર્ણય જીએસટીનો કાયદો આવ્‍યો ત્‍યારથી જ લાગુ છે, પરંતુ તે માટેના કડક પગલાં વિભાગ દ્વારા ભરવામાં આવતા નહોતા. જયારે થોડા સમયમાં આરસીએમ વસૂલાત કરવા વેપારીઓને નોટિસ ફટકારવાનું જીએસટી વિભાગે શરૂ કર્યું છે. આ પાછળનું કારણ એવું છે કે આવક વધારવાની સાથે સાથે વિભાગને તે વાતનો પણ ખ્‍યાલ આવે કે કેટલા એવા વેપારીઓ છે કે તેઓ જીએસટી ભરપાઈ કરતા નથી. આ ઉપરાંત તેઓની વાર્ષિક આવક ૨૦ લાખ રૂપિયા કરતા વધુ છે કે નહીં. આવી તમામ વિગતો એકત્ર કરવામાં આવ્‍યા બાદ જીએસટી નંબર નહીં લેનારા વેપારીઓ સામે ઝુંબેશ ચલાવાશે. (૨૨.૫)

૨૦ લાખથી ઓછી આવક ધરાવનારને જીએસટી નંબર લેવામાંથી મુક્‍તિ

જીએસટીનો કાયદો લાગુ કરવામાં આવ્‍યો ત્‍યારથી ૨૦ લાખથી ઓછી આવક ધરાવતા વેપારીઓને જીએસટી નંબર લેવામાંથી મુક્‍તિ આપવામાં આવી છે. તેના કારણે નાના વેપારીને ચોક્કસપણે ફાયદો થયો જ છે. પરંતુ તેની આડમાં કેટલાક એવા પણ વેપારીઓ છે કે જેની વાર્ષિક આવક ૨૦ લાખ કરતાં વધુ હોવા છતાં જીએસટી નંબર લેતા નથી. તેઓ પાસે નંબર જ નહીં હોવાના લીધે જીએસટીની ચોરી પણ કરતા હોવાની આશંકા અધિકારીઓ સેવી રહ્યા છે. આ જ કારણોસર નાના વેપારીઓની વિગતો એકત્ર કરીને કેટલા વેપારીઓની આવક ૨૦ લાખ કરતાં વધુ છે તેની તપાસ કરવામાં આવશે.

આરસીએમની વિગતોના આધારે નાના વેપારીઓની જાણકારી મળશે

જીએસટી પોર્ટલ પર આરસીએમનું ટેબલ અલગથી દર્શાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્‍યો છે. તેના લીધે કેટલા વેપારીઓ જીએસટી ભરપાઇ કરતા નથી તેની વિગતો સરળતાથી મળી રહેશે. આ ઉપરાંત જે વેપારીના નામે આરસીએમના નાણાં વધુ વખત ભરપાઇ થયા હોવાનું બહાર આવે તેના પર વિભાગ દ્વારા વોચ રાખવામાં આવશે. સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન તેના ખાતામાં કેટલા રૂપિયાનું ટર્નઓવર થાય છે તેની પણ ગણતરી વિભાગ દ્વારા કરીને નોટિસ આપવામાં આવનાર હોવાની હકીકતો જાણવા મળી છે, કારણ કે આંકડાકીય વિગતોના આધારે તેનું ટર્ન ઓવર ૨૦ લાખ કરતાં વધુ હોય તેવા કિસ્‍સામાં જીએસટી નંબર લેવા પડતો હોય છે.

(9:55 AM IST)