<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

લેબનોનમાં દહેશતનો માહોલ : ટીવી - ફ્રીઝ વગેરેમાં ધડાકા-ભડાકા : ચોખાના કોથળાને પણ સૈન્‍યએ ન છોડયા

વોકીટોકી - ટીવી રિમોટ વગેરેમાં બેટરી કાઢી ફેંકી રહ્યા છે લોકો

બૈરૂન, તા.૧૯: લેબનોનમાં આ દિવસોમાં ભારે ગભરાટનું વાતાવરણ છે. અહીં ટીવી-ફ્રિજ જેવા ઘરમાં રાખવામાં આવેલા પેજર અને વોકી ટોકી જેવા ઈલેક્‍ટ્રોનિક ઉપકરણો પણ ફૂટી રહ્યા છે. આનાથી લોકો ખૂબ જ ચિંતિત છે. ભયની સ્‍થિતિ એવી છે કે ઘણા લોકો તેમની વોકી-ટોકી અને ટીવી રિમોટ વગેરેમાંથી બેટરી ફેંકતા જોવા મળ્‍યા હતા. બીજી તરફ, લેબનીઝ સૈન્‍ય દળો વિસ્‍ફોટ સાથે ચોખાની બોરીઓનો નાશ કરતા જોવા મળ્‍યા હતા. થાઈલેન્‍ડથી આયાત કરાયેલા ચોખાની આ બોરીઓ બેરૂત મેડિકલ સેન્‍ટરના ર્પાકિંગ એરિયામાં રાખવામાં આવી હતી અને સૈન્‍ય દળોને આશંકા હતી કે તેમાં પણ વિસ્‍ફોટકો છુપાયેલા હોઈ શકે છે.

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો પણ શેર કરવામાં આવી રહ્યા છે, જેમાં લેબનીઝ લોકોએ ઘરમાં રાખેલા ઘણા ઈલેક્‍ટ્રોનિક ઉપકરણોમાં વિસ્‍ફોટનો દાવો કર્યો છે. લોકોનું કહેવું છે કે ફિંગર પ્રિન્‍ટના તાળા અને કિચન એપ્‍લાયન્‍સ પણ ફાટયા.

આ પહેલા બુધવારે સાંજે, હિઝબુલ્લાહ કમાન્‍ડરના અંતિમ સંસ્‍કાર સમયે ઘણી વોકી-ટોકી અચાનક વિસ્‍ફોટ થઈ હતી, જેમાં ૧૪ લોકો માર્યા ગયા હતા અને લગભગ ૪૫૦ અન્‍ય ઘાયલ થયા હતા. અગાઉ અહીં સેંકડો પેજર બ્‍લાસ્‍ટ થયા હતા, જેમાં ઓછામાં ઓછા ૮ લોકોએ જીવ ગુમાવ્‍યા હતા, જ્‍યારે ૨૮૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

એપીના અહેવાલ મુજબ, એક દિવસ પહેલા પેજર બ્‍લાસ્‍ટથી માર્યા ગયેલા હિઝબુલ્લાહના ત્રણ સભ્‍યો અને એક બાળકના અંતિમ સંસ્‍કાર માટે બેરૂતમાં તૈયારીઓ કરવામાં આવી રહી હતી, ત્‍યારે એક સાથે અનેક વિસ્‍ફોટના અવાજ સંભળાયા. આ વિસ્‍ફોટો વોકી-ટોકી અને સોલાર ઉપકરણોમાં થયા હતા. કેટલાક વિસ્‍ફોટો એટલા જોરદાર હતા કે એક કાર અને મોબાઈલ ફોનની દુકાન સંપૂર્ણપણે નાશ પામી હતી.

બીજી તરફ, લેબનોનની સત્તાવાર સમાચાર એજન્‍સીના સમાચાર અનુસાર, બેરૂત અને દક્ષિણ લેબેનોનના ઘણા વિસ્‍તારોમાં ઘરોમાં સોલાર સિસ્‍ટમ વિસ્‍ફોટ થઈ, જેમાં ઓછામાં ઓછી એક છોકરી ઘાયલ થઈ.

ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્‍ચેના સંઘર્ષ વચ્‍ચે થયેલા આ વિસ્‍ફોટો બાદ તણાવ વધુ વધી ગયો છે. જેના કારણે પ્રદેશમાં નવા યુદ્ધ ફાટી નીકળવાનો ભય ઉભો થયો છે. આ સમગ્ર ઘટનાથી વાકેફ એક અધિકારીએ કહ્યું કે સાવચેતીના પગલા તરીકે ઇઝરાયેલે બુધવારે લેબનોન સાથેની તેની સરહદ પર સૈનિકોની તૈનાતી વધારી દીધી છે.

(2:00 PM IST)