<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

કેસની મંજુરીમાં વિલંબથી ભ્રષ્‍ટ ઓફિસરોને મોકળુ મેદાન

કેન્‍દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને રાજ્‍ય સરકારોના ૨૧૨ કેસોમાં સીબીઆઇને ભ્રષ્‍ટાચારમાં દોષિત ઠરેલા ૫૪૩ ઓફિસરો - કર્મચારીઓ સામે કેસ ચલાવવા મંજુરી મળતી નથી : સીવીલ પણ લાચાર : વિલંબથી ભ્રષ્‍ટ ઓફિસરોને મળી જાય છે ફાયદો : નાણા મંત્રાલયમાં સૌથી વધુ મંજુરી પેન્‍ડીંગ

નવી દિલ્‍હી તા. ૨૦ : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ એકવાર કહ્યું હતું કે સત્તાનું ચરિત્ર એક જ હોય   છે. ભ્રષ્ટાચારના મામલામાં ફસાયેલા અધિકારીઓ પર કાર્યવાહી કરવા માટે પરવાનગી (પ્રોસિક્‍યુશન એપ્રુવલ) આપવાના મામલે સ્‍વર્ગીય વાજપેયીનું આ નિવેદન સાચુ સાબિત થાય છે. આ મામલે કેન્‍દ્ર અને રાજયમાં કોઈપણ પક્ષની સરકારો પાછળ નથી. કેન્‍દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને રાજય સરકારોના ૨૧૨ કેસોમાં સેન્‍ટ્રલ બ્‍યુરો ઓફ ઇન્‍વેસ્‍ટિગેશન દ્વારા ભ્રષ્ટાચારના દોષિત ૫૪૩ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહીની મંજૂરી પેન્‍ડીંગ છે. CBIના કામકાજ પર નજર રાખતા સેન્‍ટ્રલ વિજિલન્‍સ કમિશનએ પોતાના તાજેતરના રિપોર્ટમાં આ માહિતી આપી છે. આમાં રાજય અને કેન્‍દ્રશાસિત પ્રદેશ સરકારોમાં કાર્યવાહી માટે મંજૂરીના ૪૧ કેસોનો સમાવેશ થાય છે જેમાં ૧૪૯ અધિકારીઓ ભ્રષ્ટાચારમાં દોષિત ઠર્યા છે.

CVCના રિપોર્ટ અનુસાર કેન્‍દ્ર સરકારના નાણા મંત્રાલયના વિવિધ વિભાગોમાં કાર્યવાહીની મંજૂરીના મહત્તમ ૭૫ કેસ પેન્‍ડિંગ છે, જેમાં ૧૯૭ ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સંડોવાયેલા છે. તેમાંથી નાણાકીય સેવા વિભાગના ૫૩ કેસોમાં કાર્યવાહી કરવાની પરવાનગી બાકી છે. નાણા મંત્રાલય પછી, રક્ષા, રેલ્‍વે, શિક્ષણ અને કર્મચારી મંત્રાલયોમાં પેન્‍ડિંગ કેસોની સંખ્‍યા પ્રમાણમાં વધારે છે.

અહેવાલ મુજબ, નિયમો મુજબ, સીબીઆઈ દ્વારા પ્રસ્‍તાવ મોકલ્‍યા પછી વધુમાં વધુ ત્રણ મહિનામાં કાર્યવાહીની મંજૂરી આપવાનો પ્રયાસ થવો જોઈએ, પરંતુ પેન્‍ડિંગ કેસોમાં ૨૪૯ અધિકારીઓ સામેના ૮૧ કેસ ત્રણ મહિના કરતાં જૂના છે.

સીવીસીએ કહ્યું છે કે કેટલીક સંસ્‍થાઓ પંચની સલાહને લાગુ કરવામાં અને આરોપી અધિકારીને ચાર્જશીટ જારી કરવામાં વિલંબ કરે છે. જેના કારણે અનેક કેસોમાં દોષિત અધિકારી નિવૃત્ત થઈ જાય છે અને સમયમર્યાદા ચૂકી જવાના કારણે ભ્રષ્ટ અધિકારી સામે કોઈ કાર્યવાહી થતી નથી.

ડિસેમ્‍બર ૨૦૨૩ સુધી જારી કરાયેલા રિપોર્ટમાં સીવીસીએ એવા મામલાઓનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં તપાસમાં દોષિત ઠરેલા અધિકારીઓ સામે પંચની ભલામણોને પણ અવગણવામાં આવી હતી. આમાં કેન્‍દ્ર સરકાર (પીએસયુ-બેંક વગેરે) હેઠળના વિવિધ મંત્રાલયો અને સંસ્‍થાઓનો સમાવેશ થાય છે. CVC કેન્‍દ્રીય મંત્રાલયો અને PSU-બેંકોમાં મુખ્‍ય તકેદારી અધિકારીઓ (CVO) દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ પર નજર રાખે છે.

૧. સેન્‍ટ્રલ કોલફિલ્‍ડ લિમિટેડના પાંચ મુખ્‍ય મેનેજરો જમીનની ફાળવણીમાં ગંભીર અનિયમિતતાઓ અને કોન્‍ટ્રાક્‍ટરોને સત્તા વિના મંજૂરી આપવા માટે જવાબદાર જણાયા હતા. સીવીસીએ બે વખત પાંચ વરિષ્ઠ અધિકારીઓ પર ભારે દંડ લાદવાની સલાહ આપી હતી પરંતુ વિભાગે ચાર મુખ્‍ય સંચાલકોને નિર્દોષ જાહેર કર્યા હતા.

૨. તપાસમાં હોલસેલ ડીલરોની નિમણૂકમાં ગેરરીતિઓ માટે નેશનલ ફર્ટિલાઇઝર્સના ડિરેક્‍ટર જવાબદાર હોવાનું જણાયું હતું. સીવીસીએ બે વખત ડાયરેક્‍ટર સામે ભારે દંડની કાર્યવાહીની ભલામણ કરી હતી પરંતુ વિભાગના શિસ્‍ત અધિકારી દ્વારા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્‍યા હતા.

૩. સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયામાં, એક AGM અને ચીફ મેનેજરે તેમની મર્યાદાથી વધુ ટેન્‍ડર બહાર પાડ્‍યા અને પ્રક્રિયામાં અનિયમિતતા કરી. સીવીસીએ ભારે દંડની ભલામણ કરી હતી પરંતુ વિભાગના અપીલ અધિકારીએ ચેતવણી સાથે દોષિત અધિકારીઓને છોડી દીધા હતા.

૪. એરપોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયામાં, જનરલ મેનેજર સહિત છ અધિકારીઓને ટેન્‍ડરની અનિયમિતતાઓ માટે દોષિત ઠરવા બદલ દંડની સલાહ આપવામાં આવી હતી, પરંતુ વિભાગીય એપેલેટ ઓથોરિટીએ દંડ રદ કર્યો હતો.

કેન્‍દ્ર સરકારના મુખ્‍ય મંત્રાલયોમાં કાર્યવાહીની મંજૂરી માટે પડતર કેસો

મંત્રાલય        કેસો   અધિકારીઓ

ફાયનાન્‍સ       ૭૫       ૧૯૭

સંરક્ષણ          ૧૯        ૩૮

રેલ              ૧૩        ૨૫

શિક્ષણ            ૬         ૧૯

કર્મચારી          ૭         ૧૦

ખોરાક અને પુરવઠો          ૨      ૧૧

કોર્પોરેટ અફેર્સ    ૫         ૭

શ્રમ અને રોજગાર ૪         ૧૨

લોકસભા         ૧          ૪

કેન્‍દ્રમાં કુલ   ૧૭૧   ૩૯૪

મુખ્‍ય રાજય સરકારો - કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં પડતર કેસો

રાજ્‍યો           કેસો   અધિકારીઓ

મહારાષ્ટ્ર          ૩         ૪૧

ઉત્તર પ્રદેશ      ૧૦        ૩૧

પશ્ચિમ બંગાળ     ૪         ૨૫

જમ્‍મુ-કાશ્‍મીર     ૪         ૧૯

પંજાબ            ૪          ૬

મધ્‍યપ્રદેશ        ૧          ૧

કુલ    ૪૧     ૧૪૯

(11:43 AM IST)