<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

એર ઇન્‍ડિયાના પેસેન્‍જરને ફર્સ્‍ટ કલાસની મુસાફરીમાં થયો કડવો અનુભવ : કંપનીને રિફંડ આપવા ફરજ પડી

શિકાગોથી દિલ્‍હીની ફલાઇટમાં ભયાનક ત્રાસ થયો : વિડિયો શેર કર્યો

નવી દિલ્‍હી તા. ૧૨ : ફલાઇટના ઇકોનોમી ક્‍લાસને બદલે, મુસાફરોને બિઝનેસ ક્‍લાસ અને ફર્સ્‍ટ ક્‍લાસમાં ઘણી સારી સેવાઓ મળે છે. પરંતુ ફર્સ્‍ટ ક્‍લાસમાં પણ વિશેષ સુવિધાઓ મેળવવાને બદલે ખરાબ સ્‍થિતિમાં મુસાફરી કરવી પડે તો તમને કેવું લાગશે? આવું જ કંઈક અનિપ પટેલ નામના વ્‍યક્‍તિ સાથે થયું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શિકાગોથી દિલ્‍હી જતી એર ઈન્‍ડિયાની ફલાઈટમાં મુસાફરી કરી રહેલા પટેલે ઈન્‍સ્‍ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને જણાવ્‍યું કે તેમનો ફલાઈંગ અનુભવ કેટલો ખરાબ હતો.

અનિપ પટેલ ‘કેપ્‍ટલ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ્‍સ'ના સીઈઓ છે અને શિકાગો અને દિલ્‍હી વચ્‍ચે ૧૫ કલાકની નોન-સ્‍ટોપ ફલાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા. ફલાઈટની અંદરથી એક વીડિયો શેર કરતી વખતે તેણે પોતાનો ખરાબ અનુભવ બધાની સાથે શેર કર્યો. જોકે, તેણે દાવો કર્યો હતો કે એરલાઈન્‍સ દ્વારા તેને સમગ્ર ભાડું પરત કરવામાં આવ્‍યું છે.

પટેલે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઈન્‍સ્‍ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે, મેં તાજેતરમાં શિકાગોથી દિલ્‍હી સુધીની ૧૫ કલાકની નોન-સ્‍ટોપ ફલાઈટમાં મુસાફરી કરી હતી અને તે સુખદ ન હતી. મેં એર ઈન્‍ડિયા વિશે પહેલા પણ નકારાત્‍મક વાતો સાંભળી હતી, પરંતુ મને આશા હતી કે નવા મેનેજમેન્‍ટ હેઠળ તાજેતરના ફેરફારો અનુભવમાં સુધારો કરશે. કમનસીબે, આવું ન થયું.

પટેલે વધુમાં જણાવ્‍યું હતું કે ફલાઇટની અંદર વાઇ-ફાઇ નહોતું અને સમગ્ર ફલાઇટ દરમિયાન ઇન-ફલાઇટ એન્‍ટરટેઇનમેન્‍ટ બંધ હતું. ફર્સ્‍ટ ક્‍લાસની હાલત ખરાબ હતી. બચેલો ખોરાક અને કચરો હજુ પણ કેબિનમાં હતો, અને બધું જ ઘસાઈ ગયેલું કે તૂટેલું લાગતું હતું. એકંદરે તે ખૂબ જ નિરાશાજનક અનુભવ હતો. જો તમે તેમની સાથે ઉડતા હોવ તો સાવચેત રહો.

પટેલે ફરીથી તેમની પોસ્‍ટ પર ટિપ્‍પણી કરી અને કહ્યું કે તેમણે એર ઈન્‍ડિયા સામે કોઈ ફરિયાદ નોંધાવી નથી. પરંતુ આ પોસ્‍ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એરલાઈન્‍સે પણ આ વીડિયો જોયો. તેણે કહ્યું કે એરલાઇન કંપનીએ તેને બોલાવ્‍યો અને મને ફલાઇટનું આખું ભાડું રિફંડ કર્યું.

(12:08 PM IST)