<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

આ કચરો વીણનાર વ્‍યક્‍તિની એક દિવસની આવક પાંચ હજાર

સોશિયલ મીડિયા પર એક વ્‍યક્‍તિએ રસ્‍તા પર રખડતા કચરો વીણનાર સાથે તેની વાતચીતનો વીડિયો શેર કર્યો છે

નવી દિલ્‍હી, તા.૨૦: કહેવાય છે કે, તમે સારું ભણશો, સારી ડિગ્રી મેળવશો તો સારી નોકરી મળશે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે, સારું સારું ભણીએ તો પણ સારું કમાતા નથી હોતા. નોકરીમાં સારા અભ્‍યાસ બાદ સારો પગાર નથી તો લોકો પોતાનો વ્‍યવસાય કરવાનું વિચારે છે. પરંતુ પોતાનો વ્‍યવસાય શરૂ કરવો પણ સરળ નથી. ત્‍યારે કયારેક કોઇ વેપારની આવક જાણીને પણ આપણને એવું થઇ જાય કે આવું કઇ રીતે થઇ શકે? આવું જ કાંઇ દિલ્‍હીના કચરો વીણનારનું છે. દિલ્‍હીના કચરો વીણનારના એક દિવસનો પગાર જાણીને કોઇપણ હેરાન થઇ જાય તેવો છે.

ભારતમાં સામાન્‍ય રીતે માનવામાં આવે છે કે, જેઓ ઘરેથી સારી રીતે તૈયાર થઈને નોકરી માટે નીકળે છે એવા લોકોનો પગાર સારો માનવામાં આવે છે. લોકોને લાગે છે કે, મોટી કંપનીઓમાં કામ કરનારાઓ જ સારી કમાણી કરે છે. પણ વાસ્‍તવિકતા કંઈક બીજી જ છે. શાકભાજીની દુકાનથી લઈને ભિખારીની આવક જાહેર થતાં જ લોકોને તેમની સારી સારી નોકરીમાં પણ શરમ આવવા લાગે છે. હવે નોઈડાની શેરીઓ પર ફરતા કચરો વીણનાર માણસની કમાણી જાણીને લોકોને નવાઈ લાગી છે.

સોશિયલ મીડિયા પર એક વ્‍યક્‍તિએ રસ્‍તા પર રખડતા કચરો વીણનાર સાથે તેની વાતચીતનો વીડિયો શેર કર્યો છે. હકીકતમાં જ્‍યારે યુવક રાત્રે તેની બાઇક પર નીકળ્‍યો ત્‍યારે તેણે એક કચરો વીણનાર જોયો હતો. કચરો વીણનાર માણસના હાથમાં ઈ-સિગારેટ હતી. આ જોઈને યુવક કચરાવાળા સાથે વાત કરવા ઉભો રહી ગયો. ત્‍યાં જ્‍યારે તેણે કચરો વીણનાર માણસની કમાણી વિશે પૂછયું તો તે ચોંકી ગયો હતો.

કચરો વીણનાર પાસે આટલી મોંઘી સિગારેટ જોઈને યુવક જાણવા માંગતો હતો કે તે એક દિવસમાં કેટલી કમાણી કરે છે. આના પર કચરો લેનાર માણસે જવાબ આપ્‍યો કે, ‘‘પાંચ હજાર.''

પહેલા તો બાઇક સવારને લાગ્‍યું કે, તે તેની માસિક કમાણી કહી રહ્યો છે. પરંતુ થોડા સમય પછી તેની મૂંઝવણ દૂર થઈ ગઈ. કચરો વીણનાર માણસે જણાવ્‍યું કે તેની રોજની કમાણી ૫,૦૦૦ રૂપિયા છે. એટલે કે, તે મહિને દોઢ લાખ કમાય છે. તેની કમાણી જાણ્‍યા બાદ ઘણા લોકો સોશિયલ મીડિયા પર તેની સેલરી પર અફસોસ વ્‍યક્‍ત કરતા જોવા મળ્‍યા હતા.

(4:04 PM IST)