News of Saturday, 21st September 2024
દિલ્હીના સૌથી યુવા મુખ્યમંત્રી હશે આતિશી : રાષ્ટ્રપતિએ કર્યા નિયુક્ત : કાલે લેશે શપથ
આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય મુકેશ અહલાવત મુખ્યમંત્રી આતિશીના નેતૃત્વમાં મંત્રીમંડળમાં નવો ચહેરો હશે, જ્યારે ચાર મંત્રીઓ અકબંધ રહેશે

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. હવે આતિશી અને તેમના પાંચ કેબિનેટ સાથીદારો 21મી સપ્ટેમ્બરે એટલે કે આજે સાંજે શપથ લેશે
. શાસક પક્ષે શરૂઆતમાં નક્કી કર્યું હતું કે માત્ર આતિશી જ શપથ લેશે પરંતુ બાદમાં નક્કી કરવામાં આવ્યું હતું કે તેમની સરકારના મંત્રીઓ પણ શપથ લેશે. અરવિંદ કેજરીવાલે મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ આતિશીએ રાષ્ટ્રીય રાજધાનીમાં નવી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
રાષ્ટ્રપતિ ભવને શુક્રવારે મોડી રાત્રે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથગ્રહણની તારીખથી આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે અને અરવિંદ કેજરીવાલનું રાજીનામું સ્વીકારી લીધું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ 5 મંત્રીઓની નિમણૂકને મંજૂરી આપી છે. શપથ ગ્રહણ સમારોહ 21 સપ્ટેમ્બરે રાજ નિવાસમાં યોજાશે. ભાજપના સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસના શીલા દીક્ષિત બાદ આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે. આપ નેતા દિલ્હીના સૌથી યુવા મુખ્યમંત્રી પણ હશે.
આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય મુકેશ અહલાવત મુખ્યમંત્રી આતિશીના નેતૃત્વમાં મંત્રીમંડળમાં નવો ચહેરો હશે, જ્યારે ચાર મંત્રીઓ અકબંધ રહેશે. AAPએ કહ્યું કે ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોત અને ઈમરાન હુસૈન, જેઓ વિદાય લઈ રહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કેબિનેટનો ભાગ હતા, તેમને ફરીથી કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે.
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં AAPના રાષ્ટ્રીય સંયોજકના વિશ્વાસુ સહાયકો મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને રાજીનામું આપ્યા બાદ આતિશી અને ભારદ્વાજને કેજરીવાલની કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. કેજરીવાલની આગેવાની હેઠળની કેબિનેટમાં, આતિશી પાસે નાણા, મહેસૂલ, જાહેર બાંધકામ વિભાગ (PWD) અને શિક્ષણ જેવા 13 મુખ્ય વિભાગો છે. આતિશીને કેજરીવાલના અનુગામી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા કારણ કે તેમના ઘણા વિભાગો સંભાળવાનો અનુભવ હતો.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
