તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
તહેવારોમાં સોનાના ઘરેણાંની ખરીદી મોંઘી પડી શકે
તહેવારો પૂર્વે જ સોનામાં ભાવ વધી જતાં લોકો ઘરેણાંની મોટી ખરીદી કરવાનું ટાળી શકે છે : બજેટમાં ડયુટી ઘટતા સોનામાં કડાકો બોલી ગયો હતો પણ વૈશ્વિક પરિબળો પાછળ સોનું ફરી વધી જતાં લોકોની ચિંતા વધી

નવી દિલ્હી, તા.૨૩: દિવાળીના તહેવારોના દિવસો નજીક આવે એટલે લોકો કપડાં, ઘરવખરીની સાથે સાથે ઘરેણાંની નાની-મોટી ખરીદી અંગે પણ વિચારતા હોય છે. ખાસ કરીને જે પરિવારોમાં દીકરી કે દીકરાના લગ્ન આવતા હોય તેઓ આ દિવસોમાં સોનાની ખરીદી શરૂ કરતાં હોય છે. જોકે, વૈશ્વિક પરિબળોના કારણે તાજેતરમાં જ સોનાના ભાવમાં એકધારો વધારો થયો હોવાથી આ વર્ષે દિવાળીના તહેવારોમાં સોનાના ઘરેણાં ખરીદવાનું લોકોને મોંઘું પડી શકે છે. જે રીતે ભાવ વધી રહ્યા છે તે જોતાં ઘરેણાં ખરીદવા માંગતા લોકો ચિંતામાં મુકાયા છે.
જુલાઈમાં કેન્દ્ર સરકારે બજેટમાં સોના અને ચાંદી સહિતના કીંમતી ધાતુઓ ઉપરની આયાત ડયૂટી ઘટાડી નાખતા સોનાના ભાવ ઘટીને રૂ.૭૧,૫૦૦ થઈ ગયા હતા. ત્યારે લોકોને એવું લાગતું હતું કે સોનામાં હજુ પણ થટાડો થશે.
જોકે, અમેરિકા, ચીન સહિતના મોટા અર્થતંત્રમાં પ્રસરેલી મંદીના પગલે સોનાનો ભાવ અત્યારે રૂ.૭૬૪,૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે પહોંચી ગયો છે. આમ લગભગ ૨ મહિનામાં જ સોતાના ભાવમાં રૂ.૫૦૦૦ જેટલો વધારો થયો છે.સરકારે જે આશયથી ડયૂટીમાં ઘટાડો કર્યો હતો તે ભાવ ઘટાડો આ બે મહિનાના ગાળામાં ધોવાઈ ગયો હતો.
અમદાવાદના સોનાનો ભાવ જોઈએ તો સપ્ટેમ્બર મહિનાની શરૂમાં ર૪ કેરેટ સોનાનો ભાવ રૂ.૭૪,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ હતો તે અત્યારે રૂ. ૭૬,૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામ ચાલી રહ્યો છે. એટલે કે ચાલુ મહિના દરમિયાન જ રૂ. ૨,૫૦૦નો વધારો થયો છે.
એક જ્વેલર્સે જણાવ્યું કે, લગ્ન માટે ઘરેણાંની ખરીદીમાં લોકોનું બજેટ ફિક્સ હોય છે. આ વખતે જુલાઈમાં ભાવ ઘટવાના શરૂ થયા ત્યારે લોકોને એવું લાગતું હતું કે સોનામાં હજુ પણ ભાવ નીચા આવશે અને બજેટના હિસાબે થોડું વધારે ખરીદી થઇ શકશે. અલબત્ત, હવે ઊલટું થશે. સોનું ફરી વધી રહ્યું છે અને એવું માનવામાં આવે છે કે જો આ જ પરિસ્થિતિ રહી તો દિવાળી સુધીમાં ભાવ રૂ. ૮૦,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે પણ પહોંચી શકે છે.(૨૩.૧૯)
શ્રાદ્ધ પક્ષમાં સોનાની ખરીદી માટે સ્કીમો રજૂ કરતાં જ્વેલર્સ
શ્રાધ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે સોનાની ખરીદી હાલ નાગરિકો કરતાં નથી. શ્રાધ્ધ પક્ષ પિતળ તર્પણ માટે હોય છે ત્યારે શુભ કાર્યો જેવાકે સોનાની ખરીદી,મકાનની ખરીદી, વાસ્તુ, વાહનની ખરીદી કરવી ઉચિત મનાતી નથી. આ સંજોગોમાં શહેરના કેટલાક જ્વેલર્સોએ સોનાની ખરીદી માટે નાગરિકો પ્રેરાય તે માટે ઘડામણમાં ડિસ્કાઉન્ટની ઓફર કરે છે. શેર બજારમાં એક તરફી તેજી ચાલી રહી છે ત્યારે પણ સોનાની ખરીદી કેટલાક લોકો રોકાણ માટે કરતાં નથી, તેજીનો લાભ કેટલાક રોકાણકારો લઇ રહ્યા છે.(૨૩.૧૯)
તહેવારોમાં લોકો મોટી ખરીદી કરવાનું ટાળશે
જવેરી બજારના સુત્રોના જણાવ્યા પ્રમાણે નવરાત્રી અને દિવાળીના દિવસો શરૂ થાય ત્યારે સામાન્ય રીતે સોનાના ભાવ ઘટે અથવા સ્થિર રહેતા હોય છે. બજેટ બાદ સોનાના ભાવમાં મોટો કડાકો બોલી ગયો હતો. લોકોએ રૂ.૭૭.૦૦૦ની સર્વોચ્ચ સપાટી જોઈ હતી અને તેની સામે ડ્યુટી ઘટતા ભાવ રૂ.૭૨.૦૦૦ની નીચે આવી ગયા હતા. તે સ્થિતિમાં લાગતું હતું કે આ વર્ષે જ્વેલરીમાં સારી માંગ રહેશે. પરંતુ પછીના બે મહિનામાં સ્થિતિ એકદમ વિપરીત બની, જ્યા ભાવ ઘટવાની અપેક્ષા હતી તે ફરી સર્વોચ્ચ સપાટી નજીક પહોંચી ગયા. હવે એવું લાગી રહ્યુ છે કે તહેવારોમાં લોકો મોટી ખરીદી કરવાનું ટાળશે.
સોનામાં ભાવ વધવાનું કારણ
કોમોડિટી નિષ્ણાતોએ જણાવ્યું હતું કે. ગત વર્ષે તહેવારો પૂર્વે ઇઝરાયલ અને હમાસ વચ્ચેની લડાઈ શરૂ થઈ હતી અને ભાવ વધ્યા હતા. તેવી જ રીતે અત્યારે પણ જીઓ-પોલિટિકલ ટેન્શન અને સાથે અમેરિકા અને ચીન જેવા મોટા અર્થતત્રની ઇકોનોમીમાં નરમ વલણ આવવાથી વૈશ્વિક સ્તરે સોનામાં સટ્ટાકીય ખરીદી વધી છે. જેના કારણે આંતરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ સર્વોચ્ય સપાટીએ પહોંચી ગયો છે. આવતા દિવસોમાં સોનામાં ભાવ ઓર વધવાની ધારણા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
