<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

પાકિસ્‍તાનમાં ત્રાસવાદી હુમલો રૂસ સહિત ૧૧ દેશોના રાજદુતોના કાફલામાં બોંબ ધડાકો : ૧નું મોત : ૪ને ઇજા

સ્‍વાતના શેરાબાદની ઘટના : પોલીસ સુરક્ષા વેન નિશાના પર : પોલીસ અધિકારીનું મોત

ઇસ્‍લામાબાદ તા. ૨૩ : પાકિસ્‍તાનમાં આતંકવાદીઓએ રશિયા સહિત ૧૧ દેશોના રાજદૂતોના કાફલાને નિશાન બનાવ્‍યું હતું. આતંકવાદીઓએ કાફલાની આગળ ચાલી રહેલી વાન પર રિમોટ કંટ્રોલ બોમ્‍બ વડે હુમલો કર્યો હતો. વિસ્‍ફોટમાં એક પોલીસ અધિકારીએ જીવ ગુમાવ્‍યો છે. અન્‍ય ઘણા લોકો ઘાયલ થયા છે. દરેકને હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા છે. ઘટનાસ્‍થળે ભારે પોલીસ બંદોબસ્‍ત તૈનાત છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

પાકિસ્‍તાનમાં ૧૧ દેશોના રાજદ્વારીઓના કાફલા પર આતંકી હુમલો થયો છે. ઘટના રવિવારની છે. પાકિસ્‍તાનના ખૈબર પખ્‍તુનખ્‍વાના સ્‍વાત જિલ્લામાંથી માલમ જબ્‍બા જઈ રહેલા વિદેશી રાજદૂતોના કાફલાની સુરક્ષા કરતી પોલીસ વાનને આતંકવાદીઓએ નિશાન બનાવી હતી.

આતંકવાદીઓએ વાનને રિમોટ કંટ્રોલ બોમ્‍બથી ઉડાવી દીધી હતી. વિસ્‍ફોટમાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું. અન્‍ય ચાર ઘાયલ છે. ઘાયલોને સૈદુ શરીફની જિલ્લા હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. ઘટનાસ્‍થળે મોટી સંખ્‍યામાં પોલીસ દળ તૈનાત છે.

જિયો ન્‍યૂઝ અનુસાર, જિલ્લા પોલીસ અધિકારી ઝાહિદુલ્લા ખાને કહ્યું કે આ હુમલો વિદેશી રાજદ્વારીઓના સમૂહને નિશાન બનાવીને કરવામાં આવ્‍યો હતો. મૃતક પોલીસકર્મીની ઓળખ બુરહાન તરીકે થઈ છે. ઘાયલોમાં એક સબ ઈન્‍સ્‍પેક્‍ટર પણ સામેલ છે. જે વાનને નિશાન બનાવવામાં આવી હતી તે કાફલાના આગળના ભાગે હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્‍યું કે તમામ રાજદૂતો સુરક્ષિત છે અને તેમને ઈસ્‍લામાબાદ મોકલી દેવામાં આવ્‍યા છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, તમામ રાજદૂતોએ મિંગોરામાં ચેમ્‍બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પછી તેઓ માલમ જબ્‍બા જઈ રહ્યા હતા. ત્‍યારબાદ આ વિસ્‍ફોટ શેરાબાદમાં થયો હતો. કાફલામાં તાજિકિસ્‍તાન, કઝાકિસ્‍તાન, ઈરાન, ઈથોપિયા, પોર્ટુગલ, રશિયા સહિત ૧૧ દેશોના રાજદૂતો સામેલ હતા.

પાકિસ્‍તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ ઘટનાની સખત નિંદા કરી છે. ઝરદારીએ હુમલામાં માર્યા ગયેલા પોલીસ અધિકારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ઘાયલોના ઝડપથી સ્‍વસ્‍થ થવાની પ્રાર્થના કરી. હજુ સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.

૨૦૨૧માં અફઘાનિસ્‍તાનમાં તાલિબાન સત્તા પર આવ્‍યા બાદ પાકિસ્‍તાનમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. ખૈબર પખ્‍તુનખ્‍વા અને બલૂચિસ્‍તાનમાં આતંકવાદી સંગઠનોએ વધુ જોર પકડ્‍યું છે. પાકિસ્‍તાન ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ફોર પીસ સ્‍ટડીઝના ડેટા અનુસાર, બંને પ્રાંતોમાં ગયા મહિને ઘાતક હુમલાઓમાં તીવ્ર વધારો જોવા મળ્‍યો હતો.

જુલાઈમાં આતંકી હુમલાની સંખ્‍યા ૩૮ હતી. પરંતુ ઓગસ્‍ટમાં તે વધીને ૫૯ થઈ ગયો. ખૈબર પખ્‍તુનખ્‍વામાં ઓગસ્‍ટમાં થયેલા ૨૯ આતંકી હુમલાઓમાં ૨૫ લોકોએ જીવ ગુમાવ્‍યા છે.

(3:08 PM IST)