<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

મહારાષ્ટ્રમાં બસ ખીણમાં ખાબકતા ત્રણના મોત, 50 લોકોને ઈજા

એનડીઆરએફ ની ટિમ દ્વારા બચાવકામગીરી

મુંબઇ :મહારાષ્ટ્રમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર મળી રહ્યા છે. જેમાં એક બસ ખીણમાં ખાબકતા ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના પરતવાડા ધારણી રોડ પર એક મોટો અકસ્માત થયો છે. અહીં સેમાડોહ નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો છે. સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે બસ અચાનક કાબુ બહાર થઈ જતા ખીણમાં પડી ગઈ હતી. આ ઘટનામાં મુસાફરી કરી રહેલા 3 લોકોના મોત થયા છે, જ્યારે 50 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે.
મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે
દુર્ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે મેલઘાટમાં ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઇજાગ્રસ્તોને તાત્કાલિક સેમાડોહ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. આશંકા છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. NDRFની ટીમને પણ રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

અગાઉ પણ આ જ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે

નોંધનીય છે કે, અગાઉ પણ અમરાવતી નજીક મેલઘાટ વિસ્તારમાં અકસ્માતી ઘટના બની છે. આ વર્ષે માર્ચ મહિનામાં અમરાવતીથી મેલઘાટ થઈને મધ્યપ્રદેશ જઈ રહેલી એક ટ્રેનને અકસ્માત નડ્યો હતો. પરતવાડા સેમાડોહ ઘાટાંગ રોડ પર ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ ખીણમાં પડી હતી. અકસ્માત સમયે બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. આ ઉપરાંત આ વર્ષે જુલાઈ મહિનામાં અમરાવતી નજીક મેલઘાટના હાઈ પોઈન્ટ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો હતો. સાતપુરા રેન્જના મેલઘાટમાં ખટકાલી પાસે બસ ખીણમાં ખાબકી હતી. આ દરમિયાન બસમાં સવાર 22 મુસાફરોને ઈજા પહોંચી હતી, જેમાંથી ત્રણ મુસાફરોની હાલત અત્યંત ગંભીર હતી.

 

(5:55 PM IST)